(૧૪) ભગવાન શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
આઠ ચિરંજીવીઓમાંનો એક અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર હતો.તે ભગવાન શિવનો અંશાવતાર હતો. તે દ્રોણાચાર્યજીને ઘણો પ્રિય હતો,અશ્વત્થામાના મૃત્યુની અફવા સાંભળી લાગેલા આઘાતની અસર નીચે તેઓ ધૃષ્ટદ્યુમ્નના હાથે હણાયા.પ્રતિશોધની આગમાં બળતા અશ્વત્થામાએ મરણ શૈયા પર પોઢેલાં દુર્યોધન પાસે ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ સમાપ્તિની સત્તાવાર ઘોષણા પછી પણ મારવાની પરવાનગી મેળવી લીધી તથા મહાભારતનું યુદ્ધ પુરૂ થયા પછી અંતિમ શ્વાસ લેતા દુર્યોધનના કહેવાથી અશ્વત્થામાએ દગો કરીને સૂતેલા પાંડવોના પાંચ પૂત્રોનો વધ કર્યો હતો ત્યારે પાંડવો ભગવાન શ્રીકૃષ્ણની સાથે અશ્વત્થામાનો પીછો કર્યો અને મહર્ષિ વેદવ્યાસના આશ્રમમાં પહોચ્યા.તે સમયે અશ્વત્થામાએ પાંડવોની ઉપર બ્રહ્માસ્ત્રથી હુમલો કર્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું.મહર્ષિ વ્યાસે બંન્ને બ્રહ્માસ્ત્રને ટકરાવાથી રોકી લીધા અને અર્જુન અને અશ્વત્થામાને પોતપોતાના બ્રહ્માસ્ત્ર પાછા ખેંચી લેવા કહ્યું ત્યારે અર્જુને તો પોતે છોડેલ બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લે છે પરંતુ અશ્વત્થામા બ્રહ્માસ્ત્રને પાછું ખેંચવાની વિદ્યા જાણતો ન હોવાથી મહર્ષિ વ્યાસે તેને બ્રહ્માસ્ત્રની દિશા બદલવાનું કહ્યું ત્યારે પોતાના બ્રહ્માસ્ત્રની દિશા બદલીને અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભનો નાશ કરવા છોડ્યું.
આ જોઇને ભગવાન શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો કે નરાધમ ! તૂં ત્રણ હજાર વર્ષ સુધી આ પૃથ્વી ઉપર ભટકતો રહીશ અને તૂં કોઇની સાથે વાતચીત પણ કરી શકીશ નહી,તારા શરીરમાંથી લોહી અને પરૂની ગંધ નીકળતી રહેશે એટલે તૂં મનુષ્યની વચ્ચે રહી શકીશ નહી અને દુર્ગમ વનમાં પડ્યો રહીશ.તારા બ્રહ્માસ્ત્રના તેજથી દગ્ધ તે બાળકને હું જીવિત કરીશ તે સમયે તૂં મારા તપ અને સત્યના પ્રભાવને જોજે. જો દ્રોણાચાર્યે અશ્વત્થામાને તેમના પુત્ર મોહને છોડીને યોગ્ય જ્ઞાન આપ્યું હોત તો અશ્વત્થામાને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા શ્રાપ ન મળ્યો હોત.જો બાળકોનું સુખી અને ઉજ્જવળ ભવિષ્ય જોઈતું હોય તો તેમને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ.આસક્તિને કારણે તેમની ભૂલોને અવગણશો નહીં, નહીં તો તેમનું ભવિષ્ય બગડી શકે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)