(૧૮) માણ્ડવ્ય ઋષિએ ધર્મરાજાને શ્રાપ આપ્યો હતો.
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.મહાભારતની કથામાં રાજા જનમેજય વૈશમ્પાયનજીને પુછે છે કે ધર્મરાજાએ એવું ક્યું કર્મ કર્યું કે તેમને શૂદ્ર યોનિમાં જન્મ લેવાનો શ્રાપ મળ્યો હતો? આ શ્રાપ ક્યા ઋષિએ આપ્યો હતો?
વૈશમ્પાયનજી કહે છે કે પહેલાંના સમયમાં માણ્ડવ્ય નામથી વિખ્યાત એક બ્રાહ્મણ હતા જે ધૈર્યવાન, તમામ ધર્મોના જ્ઞાતા,સત્યનિષ્ઠ,યોગી અને તપસ્વી હતા.તેઓ પોતાના આશ્રમની બહાર વૃક્ષ નીચે બંન્ને હાથોને ઉંચા કરીને,ઉભા રહી મૌનવ્રત ધારણ કરીને કઠીન તપસ્યા કરતા હતા.એકવાર રાજ્યનો ખજાનો લૂંટીને કેટલાક ચોરો આશ્રમમાં આવે છે,રાજ્યના સૈનિકો તેમનો પીછો કરે છે.ભયના લીધે ચોરો ચોરીનો માલ આશ્રમમાં મૂકી આશ્રમમાં સંતાઇ જાય છે,તેમની પાછળ પાછળ રાજ્યના સૈનિકો આશ્રમમાં આવી પહોંચે છે અને તપસ્યામાં લીન મહર્ષિને પુછે છે કે હે દ્વિજશ્રેષ્ઠ ! ચોર લોકો કંઇ તરફ ગયા છે? તે અમોને બતાવો જેથી અમે તેમનો પીછો કરી શકીએ.મહર્ષિ તપમાં લીન હોવાથી કોઇ જવાબ આપતા નથી તેથી રાજ્યના સૈનિકો આશ્રમમાં ચોરોને શોધે છે ત્યારે ચોરીનો માલ આશ્રમમાં પડેલો જોવા મળે છે અને ચોરો પણ આશ્રમમાંથી જ પકડાઇ જાય છે,પછી તો રાજ્યના સૈનિકોને મુનિ ઉપર જ ચોરીની શંકા થાય છે એટલે તેમને બાંધીને રાજા સમક્ષ લઇ જાય છે અને તમામ હકીકત રાજાને બતાવી મુનિને જ ચોરોના સરદાર બતાવી રજૂ કરે છે.
રાજા મુનિને ઓળખી શકતા નથી અને ચોરોની સાથે સાથે મુનિને પણ મૃત્યુદંડની સજા ફરમાવે છે. રક્ષકો પણ આ મહાતપસ્વી મુનિને ઓળખી શકતા નથી અને તેમને શૂલી ઉપર ચઢાવી દે છે.ધર્માત્મા માણ્ડવ્ય ઋષિ લાંબો સમય સુધી શૂળીના અગ્રભાગ ઉપર બેસી રહ્યા,તેમને ત્યાં ભોજન અને પાણી ન મળવા છતાં પણ તેમનું મૃત્યુ ના થયું, તેમને સ્મરણ કરીને અનેક ઋષિઓને પોતાની પાસે બોલાવ્યા. શૂળીની અણી ઉપર રહીને પણ તપસ્યા કરનાર આ મહાત્માથી બધા ઘણા જ પ્રભાવિત તથા ઘણા દુઃખી થઇને પુછે છે કે હે વિપ્રવર ! અમે એ જાણવા માંગીએ છીએ કે આપે એવું ક્યું કર્મ કર્યું હતું કે જેના ફળસ્વરૂપે શૂળી ઉપર બેસવાનું મહાન કષ્ટ આપ ભોગવી રહ્યા છો? ત્યારે મુનિશ્રેષ્ઠ માણ્ડવ્યે તપસ્વી મુનિઓને કહ્યું કે હું કોની ઉપર દોષ લગાઉં? બીજા કોઇએ મારો અપરાધ કર્યો નથી. સૈનિકોએ ઘણા દિવસો સુધી તેમને શૂળી ઉપર બેઠેલા જોઇને રાજા પાસે જઇને તમામ હકીકતથી વાકેફ કરે છે. સૈનિકોની વાત સાંભળી રાજા મંત્રીઓ સાથે પરામર્શ કરી શૂળી ઉપર બેઠેલા મુનિને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતાં રાજા કહે છે કે મુનિવર ! મેં મોહ અને અજ્ઞાનતાવશ જે અપરાધ કર્યો છે તેના માટે આપ મારી ઉપર ક્રોધ ના કરશો. મુનિને પ્રસન્ન કરીને તેમને શૂળી ઉપરથી નીચે ઉતારવામાં આવે છે પણ તેમના શરીરમાં ઉતરી ગયેલ શૂળીની અણી ન નીકળતાં તેને મૂળમાં કાપી નાખવામાં આવે છે ત્યારથી મુનિ શૂળીના અગ્રભાગને શરીરમાં જ ધારણ કરીને વિચરણ કરવા લાગ્યા.શૂળીના અગ્રભાગને અણી કહે છે જે તેમના શરીરમાં જ રહી જવાના કારણે તેમને અણી-માણ્ડવ્ય કહે છે.
એકવાર પરમાત્મા તત્વના જ્ઞાતા વિપ્રવર માણ્ડવ્ય ધર્મરાજના દરબારમાં જઇને કહે છે કે મેં અજાણતાં એવું ક્યું પાપ કર્યું હતું કે જેના ફળસ્વરૂપે મને આવી શૂળીની સજા મળી? મને તેનું રહસ્ય બતાવો ત્યારે ધર્મરાજા કહે છે કે તમે એક પતંગિયાને શૂળ ભોંકી હતી. જેમ થોડું કરેલ દાનનું અનેક ઘણું ફળ મળે છે તેમ અધર્મનું ફળ પણ દુઃખરૂપ હોય છે.અણીમાણ્ડવ્ય મુનિએ કહ્યું કે મેં આ કેટલી ઉંમરમાં આ પાપ કર્યું હતું? ધર્મરાજા કહે છે કે તમે બાલ્યાવસ્થામાં બાર વર્ષની ઉંમરે આ પાપ કર્યું હતું, ત્યારે મુનિએ કહ્યું કે ધર્મશાસ્ત્રો અનુસાર જન્મથી લઇને બાર વર્ષ સુધીનું બાળક જે કંઇ કર્મ કરે તેને અધર્મ કહેવાતો નથી કેમકે આ ઉંમરમાં તેને ધર્મ-અધર્મ કે સત્ય-અસત્યનું શાસ્ત્રજ્ઞાન હોતું નથી.તમે મને એક નાના અપરાધના માટે ઘણો મોટો દંડ આપ્યો છે એટલે હું તમોને શ્રાપ આપું છું કે તમે મનુષ્ય બનીને શૂદ્ર યોનિમાં જન્મ લેશો અને આજથી હું સંસારમાં ધર્મના ફળને પ્રગટ કરનાર મર્યાદા નક્કી કરૂં છું કે ચૌદ વર્ષની ઉંમર સુધી જે કંઇ કર્મ કરવામાં આવશે તેનું કોઇ પાપ લાગશે નહી. આ શ્રાપને કારણે યમરાજને મહાભારતના સમયે વિદુરજીના રૂપમાં જન્મ લેવો પડ્યો હતો, જે ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના પંડીત,લોભ અને ક્રોધથી રહિત,દીર્ધદર્શી,શાંતિ પરાયણ તથા કૌરવો-પાંડવોના હિતમાં તત્પર રહેવાળા હતા.આજે આપણે વિદુરનીતિ તરીકે જે ગ્રંથનો ઉપયોગ કરીએ છીએ તે પણ આપણી પાસે એક મહાભારતના આ શ્રાપના કારણે જ મળ્યો છે.
વિદુરનીતિનો ટૂંકસાર જોઇએ..જેનું ચારિત્ર્ય સારૂં છે તેના માટે આખી દુનિયા એક પરિવાર છે, જ્યાં જ્યાં જુગાર રમાય છે ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે, વિનય અને વિવેક..અપયશનો તત્કાલ વિનાશ કરે છે, સુખ માટે ક્યારેય ધર્મનો ત્યાગ કરશો નહિ, અગ્નિ,સ્ત્રી,દેવી,દેવતા,ગુરૂ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ, રાજા,વિધવા,સૈનિક,લોભી,અતિ દયાળુ,અતિ ઉડાઉ અને અંગત મિત્ર..આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ, આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી..આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ, તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે, રાજા,વિદ્વાન,વૃદ્ધ,બાળક,બિમાર,અપંગ અને મા-બાપ..આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે, ધીરજ,પુરૂષાર્થ,પવિત્રતા,દયા,મઘુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર..આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે, જે ધનવાન છે પણ ગુણવાન નથી તેનો સંગ ના કરવો.અહીં ‘સીધાં’ માણસને જ બધાં હેરાન કરે છે માટે બહુ સરળ ન થવું.
જે થવાનું હતું તે થઈ ગયું-તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો, પ્રેમ બધાં ઉપર રાખો પણ વિશ્વાસ કદી નહિ, જે કદી પણ ક્રોધ કરતો જ નથી તે પુરૂષ યોગી છે, આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ, ધર્મનું આચરણ કરી નીતિપૂર્વક કમાણી કરવી એ પણ એક પરમસિદ્ધિ છે, કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો, જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય તેનાથી ચેતજો, જે પોતાને પ્રતિકૂળ છે તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ, જે ભૂખ વગર ખાય છે તે વહેલો મરે છે, મઘુરવાણી ઔષધ છે,કટુવાણી રોગ છે, સાપ,રાજા,શત્રુ,ભોગી,લેણદાર,સ્ત્રી અને પોતાનું શરીર-આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ, કોઈની વગર કારણે નિંદા કરવી,કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી-આ ત્રણ દુર્ગુણ દુઃખ વધારે છે, દિવસે એવું અને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય, કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ. જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો. માતા-પિતા,પ્રભુ અને ગુરૂને પગે લાગવાથી આયુષ્ય,વિદ્યા,યશ વધે છે. જે પોતાનાં વખાણ જ કરે છે તે બધે અળખામણો બને છે.કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબૂ નથી તે શ્રેષ્ઠ ‘ગુલામ’ છે. નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ બોલનારનો કયારેય સંગ ના કરવો.જે બીજાના સુખે સુખી થાય છે તે સજ્જન છે પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે તે સંત છે.ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે. રાજનીતિમાં ધર્મ જરૂરી છે પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી.પોતાનું જરૂરી કામ પડતું મૂકી બીજાનું કામ કરવા દોડી જાય તે મહામૂર્ખ છે. બધાં જ ‘ઘા’ની દવા છે પણ કટુવાણીના ‘ઘા’ની કોઈ દવા નથી. બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં સાચું બોલવું શ્રેષ્ઠ છે. જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)