આપણી ભારતીય સંસ્કૃતિએ પશુ-પક્ષી,વૃક્ષ-વનસ્પતિ સાથે આત્મિય સબંધ જોડવાનો પ્રયત્ન કર્યો છે. ગાય બળદ વગેરેનું પૂજન કરીને આત્મિયતા રાખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ કેમકે તેઓ ઉપયોગી છે પરંતુ નાગ આપણને શું ઉપયોગમાં આવે? ભારત ખેતી પ્રધાન દેશ છે.સાપ વાયુનો આહાર કરે છે અને પર્યાવરણમાં વ્યાપ્ત વિષાક્ત ગેસોનું પાન કરે છે અને પોતે ઝેરી બની જાય છે.આમ તેઓ વિષૈલા ગેસોથી સંસારની રક્ષા કરે છે તથા પર્યાવરણને સંતુલિત રાખે છે.અમારા ખેતરોમાં કૃષિનાશક જીવોથી સાપ અને નાગ રક્ષા કરે છે.દુર્જન લોકો અને સાપની સરખામણીએ સાપ શ્રેષ્ઠ છે.સાપ કોઇકવાર કરડે જ્યારે દુર્જન મનુષ્યો ડગલેને પગલે કરડે છે.રામાયણની મંથરા કૈકયીના કાનમાં કરડી જેના ડંખના પ્રભાવથી શ્રીરામને વનમાં જવું પડ્યું અને દશરથના પ્રાણ ગયા.
સાપને સુગંધ ગમે છે.પ્રત્યેક માનવના જીવનમાંથી સદગુણોની સુગંધ આવતી હોય છે,તે સુવાસ આપણને પ્રિય હોવી જોઇએ.સાપ દરમાં રહે છે અને મોટા ભાગે એકાંતમાં રહે છે તેમ મુમુક્ષુએ જન સમુદાયમાં અપ્રીતિ રાખવી જોઇએ.જેમ સાપ કાંચળી ઉતારી નાખે છે તેમ યોગ્ય સમયે માણસે સંસારની પ્રવૃત્તિ અને ખોટી મમતાનો ત્યાગ કરવો જોઇએ.દેવ અને દાનવોએ કરેલા સમુદ્રમંથનમાં વાસુકી નાગ દુર્જનોના માટે પણ પ્રભુકાર્યમાં નિમિત્ત બન્યા હતા.દુર્જન માણસ પણ જો સાચા માર્ગે વળે તો સતકાર્યમાં પોતાનો ફાળો આપી શકે છે.જગકલ્યાણના માટે વરસતા વરસાદમાં નિર્વાસિત બનેલો સાપ આપણા ઘરમાં અતિથિ બનીને આવે તો તેને આશરો આપી કૃતજ્ઞ બુદ્ધિથી તેનું પૂજન કરવું જોઇએ એટલે નાગપંચમી ઉત્સવ શ્રાવણ માસમાં ગોઠવ્યો છે.
ભગવાન શિવે સંસારમાં જે કંઇ અનાકર્ષક અને અસુંદર છે તથા જેનો સંસારે તિરસ્કાર કર્યો છે તેને અપનાવ્યા છે.સાપોની પરોપકારતાથી ભગવાન શિવે તેને ગળાનો હાર બનાવ્યો છે.વિષ્ણુનો હાર વૈજયંતી માલા છે જ્યારે મહાદેવને તો સર્પનો હાર છે.કાલકૂટ વિષ ભરેલો નાગ તેમના ગળામાં ફેણ ચઢાવીને બેઠો છે.સર્પ સાક્ષાત્ કાળનું પ્રતિક છે.સર્પ એટલે મૃત્યુ. સૌ તેનાથી દૂર ભાગે પણ મહાદેવે તે જ મૃત્યુને પોતાના ગળાનું આભૂષણ બનાવ્યું છે કારણ કે મૃત્યુનું મુખ્ય સ્થાન પણ ગળું છે.
પવિત્ર શ્રાવણ મહિનો તહેવારોની ફોજ લઇને આવે છે.શ્રાવણ વદ છઠ્ઠ રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે.રાંધણ છઠ્ઠના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઇ બલરામજી જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણછઠ્ઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે.આ દિવસે ઘેર ઘેર નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠ્ઠના દિવસે બનાવેલ ભોજનનો આસ્વાદ લેવાનો મહિમા છે.
શીતળા સાતમના દિવસે ઠંડું ભોજન લેવામાં આવે છે.નવી નવી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠ્ઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કર્યા પછી ચૂલાને ઠારીને ચૂલ્હાની પૂજા કરે છે,ચૂલો એ તો ઘરનો દેવતા છે તેમાં આંબાનો છોડ મુકવામાં આવે છે.અમારા પરીવારને આંબા જેવી શિતળતા મળતી રહે અને કેરી જેવો મધુર સ્વાદ રસોઇમાં મળે આવી ભાવનાથી તેની પૂજા કરવામાં આવે છે.એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અનેક વિકાર શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની રહે છે. રોજબરોજમાં ઉપયોગમાં લેવાતાં સાધનો અને કર્મપૂજાનું મહત્વ જે સમજી શકે તે જ જીવનમાં શિતળતા પ્રાપ્ત કરી શકે છે.
શિતળા સાતમના દિવસે શિતળા નામના જીવલેણ રોગની રસીને જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.તે સમયે ઘણા અંધભક્તોએ આ જીવલેણ બિમારીને શિતળા માતાનો પ્રકોપ ગણી શિતળાને માતા માની પૂજવા લાગ્યા હતા.શીતળા માતા બિમારીના રૂપમાં પ્રગટ થાય તો અંધભક્તો ક્યાં જશે મંદિરે કે દવાખાને? શીતળા એ કોઈ દૈવી પ્રકોપ નહોતો પણ એક રોગ હતો.આ રોગે ૧૮મી સદીમાં અનેક લોકોને ભરડામાં લઇને તે સમયે યુરોપમાં લગભગ છ કરોડ લોકો શીતળાના રોગના કારણે અવસાન પામ્યા હતા. શિતળાના રોગથી વિશ્વમાં કુલ વીસ કરોડ લોકો અવસાન પામ્યા હતા,તે સમયના બ્રિટનના વૈજ્ઞાનિક ર્ડા.એડવર્ડ જેનરે પોતાના સંશોધનના અથાક પ્રયત્નથી શિતળાના રોગની નાબુદી માટે રસી શોધી કરોડો લોકોને મુત્યુના મુખમાંથી બચાવ્યા હતા.
બ્રિટનના જુનવાણી લોકો તથા તબીબોએ તે સમયે ર્ડા.એડવર્ડ જેનર સામે વિરોધનો વંટોળ ઉભો કર્યો હતો.ડૉ.એડવર્ડ જેનર તેમની પ્રયોગશાળામાંથી બહાર નીકળે તો તેમના પર પથ્થર ફેંકવામાં આવતા હતા પરંતુ ર્ડા.એડવર્ડ જેનર તેનાથી હતાશ થયા વિના શિતળાના રોગની રસીની શોધ કરીને આ રસીનો તેમને પોતાના જ પુત્ર ઉપર ૧૪મી મે ૧૭૯૬ના રોજ પ્રયોગ કર્યો હતો.છેવટે સત્ય બહાર આવતાં ડૉ.એડવર્ડ જેનર સામેનું તોફાન શાંત થયું અને દુનિયાએ તેમની આ શોધનો સ્વીકાર કર્યો હતો.બ્રિટીશ સરકારે ડૉ.એડવર્ડ જેનરને નાઈટહૂડની ઉપાધી આપી વીસ હજાર પાઉન્ડનું ઇનામ આપ્યું હતું.વાસ્તવિકતાને જાણીને શિતળાનો રોગ એ માતા કે દૈવી પ્રકોપ નહી પરંતુ એક જાતની વાઇરસથી થતી જીવલેણ બિમારી છે આવી સાચી સમજણ કેળવી અંધશ્રદ્ધા દૂર કરવાની જરૂર છે.આજે શિતળા માતાની કૃપાથી નહી પરંતુ ર્ડા.એડવર્ડ જેનરે શોધેલ રસી લેવાથી ભારતમાં શિતળાનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ચૂક્યો છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)