New Delhi, તા. 14
પ્રસિદ્ધ સાઇબર સિક્યોરિટી ફર્મ ‘કેસ્પરસ્કી’ના તાજેતરનાં રિપોર્ટ અનુસાર, એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સાઇબર હુમલાખોરોના મુખ્ય નિશાના પર આવી ગયું છે. ભારત હવે એવા ટોચનાં પાંચ દેશોમાં સામેલ છે જ્યાં ‘એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ થ્રેટ્સ’ (APT) જેવા અત્યંત જટિલ અને આયોજનબદ્ધ સાઇબર હુમલા સૌથી વધુ થઈ રહ્યાં છે. ડિજિટલ યુગમાં ઝડપથી આગળ વધી રહેલાં ભારત સામે આ રિપોર્ટે એક મોટો સાઇબર ખતરો જાહેર કર્યો છે.
એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ થ્રેટ્સ હુમલા અને ભારત પર ખતરો
સામાન્ય વાયરસ કે માલવેરના હુમલાથી અલગ, APT હુમલામાં હેકર્સ કોઈ પણ સિસ્ટમ કે નેટવર્કમાં ઘૂસણખોરી કરીને તરત જ નુકસાન પહોંચાડવાને બદલે મહિનાઓ સુધી છૂપી રીતે બેસી રહે છે.
આ દરમિયાન તેઓ સંવેદનશીલ ડેટાની ચોરી કરે છે અને સિસ્ટમની દરેક ગતિવિધિ પર નજર રાખે છે. કેસ્પરસ્કીના રિપોર્ટ મુજબ એશિયા-પેસિફિક રીજનમાં ભારત ઉપરાંત ચીન, મ્યાનમાર, પાકિસ્તાન અને વિયેતનામ જેવા દેશો પણ હેકર્સના મુખ્ય રડાર પર છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ
સાયબર ગુનેગારો હવે પોતાનાં હુમલાઓને વધુ ઘાતક અને ઝડપી બનાવવા માટે AI નો વ્યાપક ઉપયોગ કરી રહ્યાં છે. AI ની મદદથી સિસ્ટમની સુરક્ષામાં રહેલી નબળાઈઓ ઝડપથી શોધી શકાય છે અને નવા પ્રકારનાં માલવેર કોડ તૈયાર કરવામાં આવે છે.
વર્ષ 2026 ની શરૂઆતમાં કેટલાક સાઇબર હુમલામાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવા છતાં, કેસ્પરસ્કીએ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સાડા સાત કરોડથી વધુ સાઇબર હુમલાઓને સફળતાપૂર્વક બ્લોક કર્યા છે.
વિશ્વસનીય સોફ્ટવેર અને સપ્લાય-ચેઈન હુમલા
આ રિપોર્ટમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે યુઝર્સ જે સોફ્ટવેર પર સુરક્ષા માટે ભરોસો કરે છે, હેકર્સ તેને જ હુમલાનું માધ્યમ બનાવી રહ્યાં છે. મુંબઈ સ્થિત સાઇબર સિક્યોરિટી કંપની ‘eScan’ ના એન્ટીવાયરસ અપડેટ સર્વરને નિશાન બનાવીને માલવેર ફેલાવવામાં આવ્યો હતો.
આ સિવાય Notepad++ અને Daemon Tools જેવા લોકપ્રિય સોફ્ટવેરના અપડેટ્સ દ્વારા પણ ટ્રોજન બેકડૂર ફેલાવીને યુઝર્સની સિસ્ટમ્સમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી.
ઓપન-સોર્સ સોફ્ટવેર પર વધી રહેલું જોખમ
સોફ્ટવેર ડેવલપર્સમાં અત્યંત લોકપ્રિય એવા ઓપન-સોર્સ સોફ્ટવેર પણ હવે સુરક્ષિત રહ્યાં નથી. કેસ્પરસ્કીએ વર્ષ 2025 માં 19,484 થી વધુ જોખમી સોફ્ટવેર પેકેજો પકડ્યાં હતાં, જેમાં અગાઉનાં વર્ષ કરતાં 37 ટકાનો મોટો વધારો થયો છે.
માર્ચ 2026 માં ‘Axios’ જેવી લોકપ્રિય જાવાસ્ક્રિપ્ટ લાઈબે્રરીના મેન્ટેનરનું એકાઉન્ટ હેક કરીને માલવેર ફેલાવાયો હતો, જેની પાછળ ઉત્તર કોરિયાના ‘BlueNoroff’ અને ‘Lazarus Group’ જેવા હેકર જૂથોનો હાથ હોવાનું સામે આવ્યું છે.
ડિજિટલ ભારત માટે સાઇબર સિક્યોરિટીનું મહત્વ
ભારતમાં ડિજિટલ પેમેન્ટ, ક્લાઉડ સેવાઓ, AI અને સરકારી ઓનલાઇન સેવાઓનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, જેનાં કારણે સાઇબર અટેક માટેનો વ્યાપ પણ મોટો થયો છે. આવી સ્થિતિમાં હવે માત્ર સામાન્ય એન્ટીવાયરસ કે મજબૂત પાસવર્ડ રાખવો પૂરતો નથી. ભારતીય કંપનીઓ અને સરકારી સંસ્થાઓએ થર્ડ-પાર્ટી સોફ્ટવેર સપ્લાય ચેઈનની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને સતત સાઇબર થ્રેટ મોનિટરિંગ રાખવું અત્યંત જરૂરી બની ગયું છે.
ભારતમાં વધતાં ડીઝીટલ વ્યવહારોમાં આર્થિક ફ્રોડથી માંડીને સરકારી સંસ્થાનોના ડેટા એક કરવાનાં પણ પ્રયાસોનાં કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવતા જ રહ્યા છે અને હેકર્સો કરોડો રૂપિયા ઉસેડવા ઉપરાંત ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના ગણાતા ડેટા પણ આંચકી લેવાનાં પ્રયત્નો કરતા હોય છે.

