(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૧૪ઃ
Surendranagar જિલ્લાના સાયલા તાલુકાના ઓવનગઢ ગામે રહેતા યુવાનને ગત નવરાત્રી સમયે ગામના એક શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે થયેલ મનદુઃખ બાદ સમાધાન માટે તા. ૬ના રોજ નીંભણી ડેમના ૧૦ દરવાજાના પુલ પર પાર્ટી યોજાઈ હતી. જેમાં ૩ શખ્સોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જે ૯ તારીખના રોજ યુવાનનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.
સાયલા તાલુકાના ઓવનગઢ ગામે રહેતા ૩૦ વર્ષીય રામજીભાઈ જેસીંગભાઈ ડાભી ખેતી કરે છે. ગત નવરાત્રી સમયે તેઓને ગામના રમેશ ઉર્ફે ગડો જાદવભાઈ સરવૈયા સાથે બોલાચાલી થઈ હતી. જેમાં બન્ને વચ્ચે મનદુખ ચાલતુ હતુ. દિવાળીના તહેવારો ચાલતા હોઈ તા. ૬ના રોજ રમેશ સરવૈયા રામજીભાઈને ફોન કરીને ઝઘડામાં સમાધાન કરી લઈએ અને પછી પાર્ટી કરીશુ તેમ કહીને રાતના સમયે નીંભણી ડેમના ૧૦ દરવાજા પર આવેલ પુલ પર બોલાવ્યા હતા. આ સમયે રમેશની સાથે ગઢ શીરવાણીયાનો જયસુખ ઉર્ફે કુકો ધુડાભાઈ સરવૈયા અને કિશન ભગાભાઈ ઝાંપડીયા હતા. સમાધાન માટે બોલાવી ત્રણેય શખ્સોએ રામજીભાઈને દારૂ પીવડાવી તને
બહુ હવા છે, તને આજ પતાવી દેવાનો છે કહી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને ફરાર થઈ ગયો હતો. ડેમના ચોકીદારને તા. ૭ના રોજ સવારે રામજીભાઈ પુલ પર મળી આવતા પરિવારજનોને જાણ કરાઈ હતી.જેમાં પરિવારજનો રામજીભાઈને ઘરે લઈ ગયા હતા. અને સામાન્ય દુઃખાવાની દવા લીધી હતી. પરંતુ દુઃખાવો અસહ્ય બનતા સુદામડા પીએચસી અને બાદમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ રામજીભાઈને લવાયા હતા. જયાં તા. ૯ના રોજ વહેલી સવારે રામજીભાઈનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના ભાઈ વિરમભાઈ જેસીંગભાઈ ડાભીએ સાયલા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા છે.

