(મિલાપ રૂપારેલ) Amreli ,તા. 14
આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસ પટાંગણમાં વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો હતો.
આ તકે જિલ્લા પ્રભારી અને કેબિનેટ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે યોજાઈ રહી છે. આ ગૌરવવંતા રાષ્ટ્રીય ઉત્સવના પૂર્વ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે અમરેલી પધારી, નગરદેવ સમાન પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ શ્રી નાગનાથ મહાદેવના દર્શન કરી મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના તથા જળાભિષેક કર્યો હતો. તેમણે સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે શ્રી નાગનાથ મહાદેવ દેવસ્થાન સંસ્થાનના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો અર્પણ કરીને સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન દરમિયાન મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ પ્રત્યે આત્મીયતા દર્શાવી અત્યંત સાદગી અને સ્નેહસભર ભાવે ભાવિકો સમક્ષ શ્રદ્ધાભેર”મહાદેવ… મહાદેવ” નો નાદ કરી અભિવાદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિત પદાધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

