શિવાલયમાં ભગવાન શિવ અને નંદીની વચ્ચે કચ્છપ(કાચબો) મૂકેલો છે.કાચબો ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતિક છે.શ્રીમદ ભગવદગીતા(૨/૫૮)માં સ્થિતપ્રજ્ઞ પુરૂષને કાચબાની ઉપમા આપી છે. “જેવી રીતે કાચબો બધી બાજુઓથી પોતાનાં અંગોને સમેટી લે છે એવી જ રીતે જ્યારે આ કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઇ જાય છે.” જ્યારે કાચબો ચાલે છે ત્યારે તેના ચાર પગ,એક પુંછડી અને મસ્તક આ છ અંગો દેખાય છે પરંતુ ભય દેખાતાં જ કાચબો પોતાનાં અંગો પોતાની અંદર સમેટી લે છે ત્યારે ફક્ત તેની પીઠ જ દેખાય છે તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ ભક્તો અને જ્ઞાની પુરૂષો ભટકતી પાંચ ઇન્દ્રિયો અને મનને વિષયોમાંથી પાછી વાળી અંદર સમેટી લે તે જ શિવને પ્રાપ્ત કરી શકે છે.શિવ પાસે જવું હોય તો જીવન સંયમી હોવું જોઇએ.ઇન્દ્રિયોનો ગુલામ જ્ઞાન પ્રાપ્તિ કરી શકતો નથી.કાચબો ધીમી પણ સતત સાધનાનું પ્રતીક છે.
નંદી ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે.જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્મ શરીરનું એટલે કે મનનું માર્ગદર્શન કરે છે.અમારૂં મન કાચબા જેવું કવચધારી,સુદ્રઢ બનવું જોઇએ.જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને,કલ્યાણનું ચિંતન કરે,આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે એટલે કે મનની ગતિ,વિચારોનો પ્રવાહ,ઇન્દ્રિયોના કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય..આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે.કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી પરંતુ શિવ તરફ જ જાય છે.અમારૂં મન પણ દેહાભિમુખ નહી પરંતુ આત્માભિમુખ બનેલું રહે ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે,શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ.
આગળ શ્રીમદ ભગવદ ગીતા(૨/૬૦-૬૧)માં કહ્યું છે કે “રસબુદ્ધિ રહેવાથી યત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે.કર્મયોગી સાધકે એ તમામ ઇન્દ્રિયોને વશમાં કરીને મારા પરાયણ થઇને બેસવું કારણ કે જે સાધકની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર છે.”ઈદ્રિયો બહુ જ બળવાન છે,સ્થિર થયેલા તથા અંતર્મુખ થયેલા મનને જેમ બળવાન પવન નૌકાને ખેંચી લઈ જાય છે તેમ બળજબરીથી વિષયો તરફ ખેંચી લઈ જાય છે એટલે પ્રથમ તે બધી ઇંદ્રિયોનો સંયમ કરી તેમને અંદર (કાચબાની માફક) સમેટી લે પછી મારા પરાયણ થઈને રહેવું.
ચંચળતાનાં અનેક કારણો છે.મન તો ચંચળ છે જ પણ સ્થિર થયેલા મનને પણ ઈંદ્રિયો ફરી ચંચળ કરી મૂકતી હોય છે.આપણે બજારમાં સહજ રીતે ફરી રહ્યા હોઇએ અને ઓચિંતાની આપણી નજર મીઠાઈની દુકાન ઉપર પડે અને દુકાન સરસ શણગારેલી હોય,જુદા જુદા પ્રકારની મીઠાઇઓ મુકેલી હોય તે જોતાં જ આપણી આંખ ત્યાં ચોંટી જાય છે,ખસવાનું મન થતું નથી અને મન પણ ત્યાં ચોટે છે,આંખ મનને ખેંચી લઈ જાય છે.ઘેરથી નીકળ્યા ત્યારે મીઠાઈની કલ્પના પણ નહોતી,વાસના નહોતી પણ જોવામાત્રથી ચંચળ અને પ્રબળ ઇંદ્રિયોએ મનને ખેંચી લીધું.મોઢામાં પાણી આવી જાય છે અને આપણે તે મીઠાઈની દુકાનમાં અનિચ્છાએ પણ પેસી જવાના અને ખવાશે તેટલી મીઠાઈ ખાઈ લેવાના.આ ઇંદ્રિયોનો ઉત્પાત હતો એટલે સંયમી પુરૂષે નીચે જોઈને ચાલવું હિતાવહ છે.અકારણ આમતેમ જોવું તે પણ ઠીક નથી.કોઈ એવી પણ જગ્યા હોય જ્યાં ઈદ્રિયો ચોંટી જાય,મનને અસ્થિર-ચંચળ બનાવી મૂકે.કાચબાની માફક જે ઈદ્રિયોને અંતર્મુખ કરી શકે છે તે જ ભગવાન શિવને પ્રાપ્ત કરવાની પાત્રતા મેળવી શકે છે.ઈંદ્રિયોને છૂટો દોર આપનારની ભૂંડી દશા થાય છે એટલે જ શિવાલયમાં નંદી(ધર્મ) તથા ભગવાન શિવની વચ્ચે કાચબો મૂક્યો છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)