(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૫
જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અલગ-અલગ સ્થળોએ દારૂના ત્રણ કેસ નોંધાયા છે. જેમાં એક સ્થળેથી અંગ્રેજી દારૂની બોટલ, અન્ય સ્થળેથી વિદેશી દારૂના ચપલા અને અલીયા ગામે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જામજોધપુર પોલીસ સ્ટેશનની ટીમે ધ્રાફા ફાટક પાસે એક શખ્સને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ બ્રાન્ડની ૭૫૦ મિલીલીટરની બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂ. ૮૦૭.૮૪ના મુદ્દામાલ સાથે કાર્યવાહી કરી હતી.
જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલીયા ગામની સીમમાં નવોદય શાળા પાછળ આવેલી વાડીની ઓરડીમાં દરોડો પાડતાં કાચો આથો, દારૂ બનાવવાના સાધનો, બેરલ, ચુલ્લો અને ગેસ બાટલો સહિત રૂ. ૬,૬૨૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે આરોપી પોલીસ દરોડા સમયે હાજર મળી આવ્યો ન હતો અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.આ ઉપરાંત જામનગર સીટી બી. ડિવિઝન વિસ્તારમાં ગોમતીપુર ખાતે વિક્ટોરિયા પુલ નીચે એક શખ્સ પાસેથી પરમિટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂના ચાર ચપલા મળી આવતા પોલીસે રૂ. ૧,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી.સંબંધિત પોલીસ મથકોએ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

