(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૩ઃ
Jamnagar શહેર અને જિલ્લામાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન ઈમરજન્સી સેવા ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામ જોવા મળી હતી. તહેવારોના ત્રણ દિવસ દરમિયાન માર્ગ અકસ્માતના કુલ ૮૯ અને મારામારીના ૨૬ બનાવોમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા ૧૦૮ની મદદ લેવામાં આવી હતી.
૧૦૮ ઈમરજન્સી સેવાના આંકડા મુજબ, ત્રણ દિવસમાં માર્ગ અકસ્માતના સૌથી વધુ બનાવો નૂતન વર્ષના દિવસે નોંધાયા હતા. નવા વર્ષના એક જ દિવસમાં અકસ્માતના ૪૧ ઈમરજન્સી કોલ મળ્યા હતા. આમ, દિવાળીથી ભાઈબીજ સુધીના ત્રણ દિવસમાં કુલ ૮૯ માર્ગ અકસ્માતના બનાવોમાં ૧૦૮ની ટીમે તાત્કાલિક સેવા પૂરી પાડી હતી.
બીજી તરફ, તહેવારો દરમિયાન મારામારી અને ઝઘડાના બનાવોમાં પણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા ૧૦૮ની મદદ લેવામાં આવી હતી. ત્રણ દિવસ દરમિયાન મારામારીના કુલ ૨૬ કોલ નોંધાયા હતા. જેમાં દિવાળીના દિવસે સૌથી વધુ ૧૪, નૂતન વર્ષના દિવસે ૮ અને ભાઈબીજના દિવસે ૪ કોલ મળ્યા હતા.
આમ, દિવાળીના તહેવારોના ત્રણ દિવસ દરમિયાન માર્ગ અકસ્માત અને મારામારીના કુલ ૧૧૫ ઈમરજન્સી કોલમાં જામનગર જિલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સતત કાર્યરત રહી હતી.

