(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૩ઃ
Jamnagar શહેરના અતિવ્યસ્ત અને મહત્વના ગણાતા દીપક ટોકીઝથી ચાંદી બજાર સુધીના માર્ગને સીસી રોડ બનાવવાની મહાનગરપાલિકાની યોજના સામે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર સીસી રોડ બનાવવાની કામગીરી હાલ તુરંત બંધ રાખવા અથવા પુનઃવિચારણા કરવાની માંગ સાથે સ્થાનિક વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગ્રણીઓને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, દીપક ટોકીઝથી ચાંદી બજાર સુધીનો આ માર્ગ શહેરના અત્યંત વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે, જેની સાથે અનેક મહત્વપૂર્ણ સુવિધાઓ, વ્યવસાયો અને લોકોની રોજીરોટી જોડાયેલી છે. આ માર્ગ પર પોસ્ટ ઓફિસ આવેલી હોવાથી નાગરિકોની દૈનિક અવરજવર માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે. ઉપરાંત, આ માર્ગ પર બે મોટા ધાર્મિક આસ્થાના સ્થળો આવેલા હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે.
આ વિસ્તારમાં અનાજ બજાર સહિત અનેક ચીજવસ્તુઓની હેરાફેરી અને સપ્લાય કરવામાં આવતો હોવાથી જો માર્ગ પર અવરજવર ખોરવાય તો વેપાર-વાણિજ્ય અને સપ્લાય વ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે તેમ છે. ચાલુ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે વેપાર-ધંધા પહેલેથી જ મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં વેપાર બંધ રાખવાની કે અવરજવરમાં મુશ્કેલી ઊભી થાય તો વેપારીઓ માટે આર્થિક સંકટ વધુ ગંભીર બની શકે છે.
છેલ્લા બે વર્ષના વિકાસ કાર્યોના અનુભવને ધ્યાનમાં લેતા અનેક કામો નિર્ધારિત સમયમયાર્દામાં પૂર્ણ થયા ન હોવાથી, જો ફરીથી કોઈ મોટું કામ શરૂ કરવામાં આવે તો સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ લાંબા સમય સુધી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વળી, તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગો પર પણ પહેલેથી જ ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય, જો આ મુખ્ય માર્ગ બંધ કરવામાં આવે તો ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ છે.તેથી, જનહિત અને વેપારીઓના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને દીપક ટોકીઝથી ચાંદી બજાર સુધીના માર્ગ પર સીસી રોડ બનાવવાની કામગીરી હાલ પૂરતી બંધ રાખવા અથવા આ માર્ગના વૈકલ્પિક આયોજન અંગે ગંભીરતાથી પુનઃવિચારણા કરવા સ્થાનિક વેપારીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

