તર્પણ કરવું એટલે તૃપ્ત કરવા,સંતુષ્ટ કરવા.મનુસ્મૃતિમાં તર્પણને પિતૃયજ્ઞ કહ્યો છે અને સુખ-સંતોષની વૃદ્ધિના માટે તથા સ્વર્ગસ્થ આત્માઓની તૃપ્તિના માટે તર્પણ કરવામાં આવે છે.તર્પણમાં પિતૃઓને અર્પણ કરવામાં આવેલ જળ દૂધ જવ ચોખા ચંદન અને પુષ્પોથી મંત્રોચ્ચાર કરતી વખતે કુશની મદદથી જળ ચઢાવવાથી તેઓ તૃપ્ત થાય છે.
જ્યારેઆદર,કૃતજ્ઞતા,સદભાવના,પ્રેમ અને શુભકામનાઓ સાથે જલાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે તર્પણનો હેતુ સિદ્ધ થાય છે અને પૂર્વજો સંતુષ્ટ થાય છે. શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞતાપૂર્વક પિતૃઓના સ્મરણ કરવાના દિવસો છે.પિતૃતર્પણ એ તિથિએ કરવામાં આવે છે કે જે દિવસે પૂર્વજો આ દુનિયા છોડીને પરલોકમાં ગયા હોય છે.જે લોકોને તેમના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ના હોય તેઓએ ભાદરવા વદ અમાસ એટલે કે સર્વપિતૃમોક્ષ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરવું જોઇએ જેથી પૂર્વજોને શાંતિ મળે.જ્યાં સુધી વંશજો દ્વારા મૃતાત્માના નામે શ્રાદ્ધ કરવામાં ના આવે ત્યાં સુધી દિવંગત આત્માને શાંતિ મળતી નથી અને તે ભટકતી રહે છે.
પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી તે પિતૃઓને પ્રાપ્ત થાય છે.શાસ્ત્રોમાં એવો નિર્દેશ છે કે માતા-પિતા વગેરે નિમિત્તે તેમનાં નામ અને ગોત્રના નામનું ઉચ્ચારણ કરીને મંત્રો દ્વારા જે અર્પણ કરવામાં આવે છે તે તેમને પ્રાપ્ત થાય છે.શ્રાધ્ધપક્ષ એટલે પિતૃઓને પ્રસન્ન કરવાનો સમય.હિન્દુધર્મની અનેક વિશિષ્ટતાઓ પૈકીની એક છે શ્રાદ્ધપક્ષ.ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસો દરમિયાન પિતૃઓનું સ્મરણ કરવાની આ અનોખી પરંપરાના વિવિધ આયામો અને તેની પાછળના હેતુઓ પણ એટલા જ વિશિષ્ટ છે.પિતૃઓના નિમિત્તે જે કર્મ કરવામાં આવે છે તેને જ શ્રાદ્ધ કહે છે.હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત માતા-પિતા અને પૂર્વજોને યાદ કરીને કરવામાં આવે છે.જ્યારે પુર્વજો સદેહે હાજર ન હોય ત્યારે તેમના આત્માને તૃપ્ત કરી આશીર્વાદ મેળવવા માટે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ.
આપણા પિતૃઓના ચરણોમાં શ્રાદ્ધ રૂપે શ્રદ્ધા સુમન સમર્પિત કરવા વિશે શાસ્ત્રોમાં કહ્યું છે કે માનવીની ઉપર ત્રણ પ્રકારના ઋણ હોય છે.દેવઋણ,ઋષિઋણ કે આચાર્યઋણ અને પિતૃઋણ.આપણે શાંત,કલ્યાણકારી અને પવિત્ર જીવન જીવી શકીએ તે માટે તેઓએ પોતાના સુખ-સવગડોનું બલિદાન આપ્યું છે તેવા નિઃસ્વાર્થ કર્મયોગીઓના ઋણમાંથી મુક્ત થવા આપણે શું શું કરવું જોઇએ? તેનો વિચાર કરવાનો છે.જેને પોતાના જીવન દરમિયાન ભાવથી ઉતારવાનું હોય છે.દેવી દેવતાઓનું સતત ધ્યાન-પૂજન તેમજ સ્મરણ કરનાર દેવઋણમાંથી મુક્ત થાય છે.દેવો અજર-અમર અને અભય છે તો માનવે પણ તેવા બનવું જોઇએ. આપણે તેમના દિવ્યગુણોને અમારા જીવનમાં કર્મરૂપમાં વણી લેવા સંકલ્પ કરવો જોઇએ.આપણી ભારતીય સંસ્કૃતિની મહાનતા,ભવ્યતા,દિવ્યતા ઋષિઓની કૃપાનું પરીણામ છે.ઋષિઓનું ઋણ ચુકવવા તેમના વિચારોનો પ્રચાર પ્રસાર કરવો જોઇએ.આચાર્યઋણ ગુરૂપૂર્ણિમા જેવા દિવસે ગુરૂદક્ષિણા આપીને તથા તેમના વચનોને કર્મરૂપમાં આચરણમાં લાવીને તેમનું ઋણ ઉતારવાની કોશિશ કરતા હોઈએ છીએ. પિતૃઋણ ભાદરવા સુદ પૂર્ણિમાથી અમાસ સુધીના સોળ દિવસોમાં તર્પણ કરીને ઉતારીએ છીએ જેને શ્રાદ્ધ કહેવામાં આવે છે.
જેમને આપણને જન્મ આપ્યો,જેમની કૃપાથી આપણે નાનાથી મોટા થયા,આપણા કલ્યાણના માટે જેમને પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો છે તે પિતૃઓનું અમારા ઉપર ઋણ છે.તેમની તૃપ્તિ થાય તેવું કરવું એ જ પિતૃઋણમાંથી મુક્ત થવાનો ઉપાય છે.પ્રતિકૂળતાઓના કારણે પિતૃઓ પોતાના નિશ્ચિંત ધ્યેય સિદ્ધ ના કરી શક્યા હોય તો તે સિદ્ધ કરવાની જવાબદારી પૂત્રની છે.પૂત્ર આ અભિલાષા પૂર્ણ કરે તો પિતા સંતુષ્ટ થાય છે.
મહાભારતના શાંતિપર્વમાં યુધિષ્ઠિર ભિષ્મ પિતામહને પુછે છે કે શ્રાદ્ધની ઉત્પત્તિ કોણે કરી? અને શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ? ત્યારે પિતામહ ભિષ્મ જવાબ આપે છે કે દેવલોકમાં પણ શ્રાદ્ધ કરવામાં આવે છે.સૌ પ્રથમ શ્રાદ્ધ બ્રહ્માએ પિંડદાન મૂકીને કર્યું હતું જ્યારે મૃત્યુલોકમાં સૌ પ્રથમ શ્રાદ્ધ નેમીરાજાએ પીંડદાન મુકીને કર્યું હતું એટલે શ્રાદ્ધનો ઇતિહાસ માનવીના પૃથ્વી ઉપરના અસ્તિત્વથી જ શરૂ થયેલ છે અને દેવલોક તેમજ મૃત્યુલોકમાં તેને અનુસરવામાં આવે છે.
શ્રાદ્ધને દિવસે બ્રહ્મભોજનનું મહત્વ છે.પહેલાં બ્રાહ્મણો કર્મકાંડ સિવાય આર્થિક ઉપાર્જન માટે કોઈ વ્યવસાય કરતાં ન હતા એટલે તેમનો જીવન નિર્વાહ ચાલતો રહે એ માટે બ્રહ્મભોજન કરાવી દાન-દક્ષિણા આપવાનો એક મહિમા છે.પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓ વર્ષભર પ્રસન્ન રહે છે.ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ગૃહસ્થ પોતાના પૂર્વજોના પિંડનું દાન કરે છે તેને લાંબુ આયુષ્ય,પુત્ર-પૌત્ર,કીર્તિ,સ્વર્ગ, પુષ્ટિ,બળ,લક્ષ્મી,પ્રાણીઓ,સુખ-સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે.
શ્રાદ્ધ દરમિયાન પૂર્વજો આશા રાખે છે કે તેમના પુત્રો અને પૌત્રો પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરીને તેમને સંતુષ્ટ કરશે.આ આશા સાથે તેઓ પૂર્વજની દુનિયામાંથી પૃથ્વી પર આવે છે.આ જ કારણ છે કે હિંદુ ધાર્મિક ગ્રંથોમાં દરેક હિંદુ ગૃહસ્થને પિતૃપક્ષ દરમિયાન ચોક્કસપણે શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવ્યું છે.
શ્રાદ્ધ સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે બહુ ઓછા લોકો જાણે છે પરંતુ શ્રાદ્ધ કરતા પહેલા આ વાતો જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે ક્યારેક જો તમે યોગ્ય રીતે શ્રાદ્ધ કરતા નથી તો પિતૃઓ તમને શ્રાપ પણ આપે છે.પિતૃઓને તૃપ્ત કરવાના હેતુથી ભક્તિભાવથી કરવામાં આવતા તર્પણ, બ્રાહ્મણ ભોજન, બહેન દિકરી કે ભાણેજને આપવામાં દાન વગેરે જેવા કર્મોને શ્રાદ્ધ કે પિતૃયજ્ઞ પણ કહેવાય છે.શ્રાદ્ધ દ્વારા વ્યક્તિ પોતાના પૂર્વજોના ઋણમાંથી મુક્ત થાય છે અને પૂર્વજોને સંતુષ્ટ કરીને આત્મમુક્તિના માર્ગે આગળ વધે છે.
હિંદુ ધર્મમાં મરણોત્તર સંસ્કાર પૂર્ણ કરવામાં પુત્રનું આગવું સ્થાન માનવામાં આવે છે.શાસ્ત્રોમાં લખ્યું છે કે પૂત્ર દ્વારા જ નરકમાંથી મુક્તિ મળે છે તેથી શ્રાદ્ધ અને પિંડદાન માટે ફક્ત પુત્રને જ યોગ્ય માનવામાં આવે છે અને દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તેને એવો પુત્ર મળે કે જે તેને નરકથી બચાવે.જો પુત્ર ન હોય તો શ્રાદ્ધ કરવા માટે કોણ હકદાર બની શકે છે?
પિતાનું શ્રાદ્ધ માત્ર પૂત્રએ જ કરવું જોઈએ.પૂત્રની ગેરહાજરીમાં પત્ની શ્રાદ્ધ કરી શકે છે.જો પત્ની ન હોય તો ભાઈ અને તેની ગેરહાજરીમાં સંબંધીઓએ શ્રાદ્ધ કરવું જોઈએ.જો એક કરતાં વધુ પૂત્ર હોય તો સૌથી મોટો પુત્ર શ્રાદ્ધ કરે છે.દીકરીનો પતિ અને દીકરીનો દીકરો પણ શ્રાદ્ધ કરી શકે છે.પૂત્રની ગેરહાજરીમાં પૌત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે.પૂત્ર કે પૌત્રની ગેરહાજરીમાં તેમની વિધવા શ્રાદ્ધ કરી શકે છે.પત્નીનું શ્રાદ્ધ ત્યારે જ કરી શકાય જ્યારે પુત્ર ન હોય.પુત્ર પૌત્ર કે પુત્રીને પુત્ર ન હોય તો ભત્રીજો પણ શ્રાદ્ધ કરી શકે છે.દત્તક લીધેલ પુત્ર પણ શ્રાદ્ધનો હકદાર છે.
માર્કંડેયપુરાણ અનુસાર શ્રાદ્ધથી સંતુષ્ટ થયા પછી પિતૃઓ શ્રાદ્ધ કરનારને દીર્ધાયુષ્ય,સંતાન,ધન, સંપત્તિ વગેરે સુખ પ્રદાન કરે છે.અત્રિસંહિતા અનુસાર શ્રાદ્ધ કરનારને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.જો શ્રાદ્ધ કરવામાં ના આવે તો પિતૃઓ ખૂબ જ દુઃખી થાય છે.બ્રહ્મપુરાણમાં ઉલ્લેખ છે કે જો શ્રાદ્ધ કરવામાં ના આવે તો પિતૃઓ શ્રાદ્ધ કરનારને શ્રાપ આપે છે અને તેનાથી તે નિઃસંતાન રહે છે એટલે કે પુત્રહીન થઈ જાય છે અને તેને જીવનભર દુઃખ સહન કરવું પડે છે.ઘરમાં બિમારી ચાલુ રહે છે તેથી શ્રાદ્ધ-કર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવું જોઈએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)