Vadodara,તા.01
એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ મેલેરિયા માટે ત્રણ કમ્પાઉન્ડનો ઉપયોગ કરીને બનાવેલી દવાને પેટેન્ટ એનાયત કરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે આ દવા બનાવવા માટે સંશોધકોએ કુમેરિન, સલ્ફોનેમાઈડ અને પિપેરાઝિન નામના ત્રણ કમ્પાઉન્ડનો ઉપયોગ કર્યો હતો. વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.પ્રદીપ દેઓતાના હાથ નીચે આ સંશોધન કરનાર નિધિ કહારનું કહેવું છે કે, આ દવામાં બેકેટરિયા સામે લડવાની ક્ષમતા પણ દેખાઈ છે તો બીજી તરફ એન્ટી ફંગલ એક્ટિવિટી પણ જોવા મળી છે. તેની સાથે સાથે મેલેરિયાની ક્લોરોક્વિન દવા જેવા ગુણધર્મો પણ તેમાં જોવા મળ્યા છે. આમ મેલેરિયા સામે પણ તે અસરકારક નીવડી શકે છે તેવું અમને લેબોરેટરીમાં સેલ પર કરેલા અખતરાથી જાણવા મળ્યું છે.
તેમના કહેવા અનુસાર હાઈબ્રિડ મોલેક્યુલર ફ્રેમવર્ક આધારિત આ દવા મેલેરિયાની બીમારીમાં કામ લાગી શકે છે. બજારમાં મળતી મેલેરિયાની કેટલીક દવાઓના કારણે ક્યારેક દર્દીઓને ઉલટી, ઉબકા, માથું દુખવું જેવી આડઅસરો થતી હોય છે પણ અમે વિકસાવેલી દવા આવી કોઈ આડઅસર ના કરે તેવી શક્યતા છે. જોકે તેના માટે આ દવાની ક્લિનિકલ ટ્રાયલ લેવી જરૂરી છે. સાત મહિનામાં જ અમને આ દવા માટે ભારત સરકારના પેટન્ટ વિભાગ દ્વારા પેટન્ટ એનાયત કરાઈ છે.

