ચંદ્રવંશી રાજા દુષ્યંતના વંશમાં સંકૃતિ નામના એક રાજા થયા.રાજા સંકૃતિના બે પૂત્રો હતાઃગુરૂ અને રન્તિદેવ.તેમાં રન્તિદેવ ઘણા જ ન્યાયશીલ,અતિ પરોપકારી,ધર્માત્મા,દયાળુ રાજનીતિમાં નિપુણ રાજા હતા. પ્રજાની ગરીબાઇ તેઓ જોઇ શકતા નહોતા.પોતાની તમામ સંપત્તિ તેમણે દીન-દુઃખીઓમાં વહેંચી દઇને ઘણી જ કઠીનાઇથી પોતાના પરીવારનો નિર્વાહ કરતા હતા.આવી દશામાં પણ તેમણે જે કંઇ મળે તે પોતે ભૂખ્યા રહીને પણ જરૂરતમંદોને આપી દેતા હતા.ગમે તેવા ધનવાન,વિદ્વાન,ગુણવાન અને ભક્તરાજ હોય તો પણ જો તેનામાં દયા ન હોય તો તેનાથી બીજા જીવોને કાંઇ લાભ થતો નથી.આજે આપણે દયાળુ અને પરોપકારી રાજા રન્તિદેવના જીવનમાંથી પ્રેરણા મેળવીએ.
રન્તિદેવ પ્રજાની રીતભાત અને સુખ-દુઃખને જોવા તથા કોઇ ચોર-લૂંટારૂઓ પ્રજાને હેરાન કરતા નથી તે જોવા રાજા દિવસ-રાત છુપાવેશે નગરચર્ચા કરતા હતા અને હરહંમેશાં પ્રજાની ચિંતા કરતા હતા તથા પ્રજાને રૂબરૂ બોલાવી દર મહિને સભા ભરતા હતા.નરેશ પ્રજાનું દુઃખ જાણીને તેને તત્કાળ દૂર કરતા હતા. આવા પ્રાણીમાત્રમાં ભગવાનનાં દર્શન કરતા પરદુઃખભંજન,દિલના દયાળુ રાજા અન્ય કોઈ થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ.તેમને અનેક યજ્ઞો કરાવ્યા હતા.પોતે વિપત્તિઓ વેઠીને પણ ઘણા જ દાન કરતા હતા,તેમનામાં અપાર ધીરજ હતી.
એક સમયે સતત બાર વર્ષ સુધી દુકાળ પડ્યો હતો.રાજા રંતીદેવ દર વર્ષે પ્રજાજનો પાસે અન્નનો સંગ્રહ કરાવતા હતા.પહેલા વર્ષે દુકાળ પડ્યો,તે દુકાળની અસર કોઈને થઇ નહિ તેમ છતાં રાજા દરરોજ ગામે ગામ જઇને પ્રજાને સુખ-દુઃખની ખબર પૂછતા હતા.બીજું વર્ષ પણ કોરૂં ગયું અને બીજા વરસે ચોમાસું વરસ્યું નહિ વર્ષ કોરું કઠણ ગયું ત્યારપછીના વર્ષે વાવણી થશે તેમ રાહ જોતાં આઠ માસ કોરા ગયા આમ ત્રીજા ચોમાસાના દિવસો પણ કોરા ગયા.આકાશમાં વરસાદના કોઈ ચિહ્ન દેખાયા નહિ.ઉપરાઉપરી દુષ્કાળના વર્ષો આવ્યા.કોઠીઓમાં અન્ન ખૂટી ગયા.રાજાએ અનાજની વખારો ભરી હતી તે ખાલી કરવા માંડી.અન્ન ખાવા મળે પણ પાણી પીવાનું ના મળે તેવી પરિસ્થિતિથી પ્રજા ખૂબ મુશ્કેલીમાં મૂકાઇ તેથી રાજા ચિંતાતુર બન્યા.નદીઓ અને તળાવમાં ટીપું પાણી નથી.વાવ,કૂવા,સરોવરોનું પાણી પણ પાતાળમાં ગયું.પૈસા ખર્ચતા પણ ક્યાંય પાણી મળતું નથી.પશુ-પક્ષીને ચારો મળતો નથી.ભૂખના દુઃખથી મુંગા પશુ-પક્ષીઓ મરવા લાગ્યા.રાજા પ્રજાને ધીરજ આપે છે.આવી ઉપાધિમાં રાજાને દિવસ-રાત ઉંઘ આવતી નથી. રાજાએ અગિયાર વર્ષ સુધી લોકોના ઘેર અનાજ પહોચાડ્યું.બારમા વર્ષે પણ દુષ્કાળ પડ્યો જેમાં દસ માસ સુધી લોકોને અન્નનો પુરવઠો પહોંચાડ્યો પછી રાજા નિરાશ થઇ ગયા.જ્યારે અન્નનો કોઈ આધાર ના રહ્યો તેથી લોકો ભૂખથી પીડાવા લાગ્યા.પેટમાં અને પૃથ્વી ઉપર અગ્નિએ જોર પકડ્યું.પ્રજામાં હાહાકાર થઈ ગયો.ભૂખના દુઃખથી નરનારીઓ મરવા માંડ્યાં.હવે રાજા પાસે પણ અનાજનો જથ્થો ખલાસ થઇ ગયો.
પ્રજાનું દુઃખ ના જોવાતું હોવાથી રાજાએ પોતાના શરીરનો અંત લાવવાના ઇરાદાથી વનની વાટ પકડી,તેમની પાછળ તેમની રાણી-રાજકુંવર તથા કુંવરી પણ તેમની પાછળ રાજાને પાછા લાવવા વિનંતી કરે છે ત્યારે રાજા કહે છે કે પ્રજાનું દુઃખ હવે મારાથી જોયું જતું નથી અને વનની વાટ બહુ વિકટ છે તેથી તમે બધાં પાછા નગરમાં જાઓ.ત્યારે પરીવાર કહે છે કે સુખના સમયે અમે તમારી સાથે રહ્યા અને હવે દુઃખના સમયે તમારો સાથ છોડી દઈએ તો અમારા જેવા અધમ કોઇ ના કહેવાય.આ વિશે એક દ્રષ્ટાંત જોઇએ..
વનમાં એક વડલો સળગ્યો પણ કોઈ પંખી વટવૃક્ષ ઉપરથી ઉડ્યાં નહિ.ત્યારે વડલો કહે છે કે હે પંખીઓ..તમે ઝટ ઉડી જાઓ,બીજા વૃક્ષ ઉપર માળો કરો.આ સાંભળીને પંખીઓ બોલ્યા કે ‘સુખના સમયે અહીં વાસ ર્ક્યો,પાન બગાડ્યાં,ફળ સારી પેઠે ખાધાં,આપની શીતળ છાયામાં ગાન કર્યું, સુખમાં સદાય સાથે રહ્યાં.હવે તમારૂં દુઃખ જોઇને ઉડી જઈએ તો અમારા જીવનને ધિક્કાર છે.ભોગ તમે આપ્યો અને હવે અમારાથી બીજાનો આશરો કેમ લેવાય? તેવી જ રીતે રન્તિદેવ અને તેના પરિવારને વનમાં પ્રવાસ કરતા કરતાં અડતાલીસ દિવસ સુધી અન્ન-જળ કે ફળ મળ્યાં નહિ તેમછતાં દરરોજ ઉમંગ-ઉત્સાહમાં પસાર થયા. છેલ્લે ઓગણપચાસમો દિવસ આવ્યો,સવાર પડ્યું અને અન્ન-જળ મળ્યું તે સમયે ઈશ્વરનો ઉપકાર જાણી તેમણે અન્ન-જળનો સ્વીકાર કરી તેના ચાર ભાગ કર્યા.રાજાએ સંકલ્પ કર્યો કે આ સમયે કોઈ અભ્યાગત આવે તો ઈશ્વરરૂપ જાણી અન્ન આપી દઉં,ત્યાં જ અભ્યાગત શિકારી શ્વાન સાથે આવ્યો,તેને આવીને હાથ જોડીને ભોજનની માંગણી કરી જેને રાણી-કુંવર અને દિકરીએ દિલથી ભોજન આપી દીધું. તરસ છીપાવવા પાણી હતું ત્યાં તો ચિંથરેહાલ એક ચાંડાલ આવ્યો અને મને બચાવો..એમ કહીને પોક મૂકીને કહ્યું કે પાણી વિના મારા પ્રાણ જશે.આ સાંભળી બધું પાણી તેમને પ્રેમથી આપી દીધું.પાણી પીને જળનું પાત્ર ફોડીને ચાંડાળ તો ચાલ્યો ગયો.રન્તિદેવ રાજા બોલ્યા કે આપણાં ભાગ્ય કેવાં સારાં છે કે ઓગણપચાસ દિવસ પછી અન્ન-પાણી મળ્યું તે પણ અતિથિની સેવામાં કામ આવી ગયું.આવું બોલ્યા ત્યાં બ્રહ્મા-વિષ્ણુ અને મહાદેવ પ્રગટ થઇને કહે છે કે રાજાન ! તમે જે માંગશો તે તમામ તમને આપીશું ત્યારે રાજા રંતિદેવે કહ્યું કે મારે ધન-દૌલતની જરૂર નથી,ઈંદ્રિયોના સુખની ઈચ્છા નથી,ભોગ વિલાસની ઈચ્છા નથી,હું તો એટલું જ માગું છું કે તમામ પ્રાણધારી જીવો પીડાય છે,ભૂખ-તરસના દુઃખે દુઃખી છે તે તમામ પ્રાણીમાત્ર સુખ આપો અને તેમના જીવનમાં આવતાં દુઃખ હું ભોગવું એ સિવાય કાંઈ ઈચ્છા નથી.જે જન ઈચ્છે બીજાનું સુખ તો તેમને ક્યારેય નહિ આવે દુઃખ..આવા મહાદુઃખમાં પણ રાજા રન્તિદેવની ધીરજ ડગી નહિ.ત્રિદેવોની કૃપાથી તૃપ્ત ધરતીમાં અમૃતની વૃષ્ટિ થઈ,વન પાંગર્યાં,અનાજ પાક્યાં,તમામ પ્રાણીઓ સુખ પામ્યા.છેલ્લે રાજાનો પરિવાર પ્રભુના ધામને પામ્યા.જેની કીર્તિ આજે પણ દેવતાઓ અને મુનિજનો ગાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)