સામાન હટાવી લેવાનું કહેતા બેલડીએ વૃદ્ધ અને તેના જમાઈને ગાળો ભાંડી, છરી-પાઇપ વડે હુમલાની કોશિશ
Rajkot
શહેરના જિલ્લા ગાર્ડન ચોક નજીક ભારત હોટેલ ધરાવતા વૃદ્ધને મંડપ સર્વિસના ધંધાર્થીએ ખૂનની ધમકી આપી હતી. સામાન હટાવી લેવાનું કહેનાર વૃદ્ધ અને તેના જમાઈને મંડપ સર્વિસના ધંધાર્થી અને તેના સાગરીતે બેફામ ગાળો ભાંડી છરી-પાઇપ વડે હુમલાની કોશિશ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, જંકશન પ્લોટ મોરબી હાઉસ પાસે હાલીમાં મંઝીલમાં રહેતા અકબરભાઇ અબ્દુલભાઈ ખિયાણી (ઉ.વ. ૬૨) નામના વૃદ્ધે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અરબાઝ દાઉદાણી અને સૈફુ સલીમભાઈ સંઘારના નામ આપ્યા છે.
જમાઈ નિઝામભાઈ ગોરી જિલ્લા ગાર્ડન ચોક ખાતે ભારત ચાની હોટલ છે ત્યાં ગયા હતા અને વૃદ્ધની હોટલમાંથી ફ્રીઝ કાઢવું હોય પરંતુ હોટલની બહાર અરબાઝ દાઉદાણીનો મંડપ સર્વિસનો સામાન નડતો હોય જેથી અરબાઝને સામાન લઈ લેવાનું કહેતા તેણે સામાન લેવાની ના પાડી ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી વૃદ્ધના જમાઈએ ગાળો બોલવાની ના પાડતા અરબાઝ સાથે રહેલા સૈફુ સંઘારે બાજુમાં આવેલી ઓફિસમાંથી છરી તથા પાઇપ લઈ આવી વૃદ્ધના જમાઈ ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી. ત્યારે વૃદ્ધે સૈફુ પાસેથી હથિયાર લઈ લીધું હતું અને ત્યારબાદ અહીં માણસો એકત્ર થઈ જતા વૃદ્ધના જમાઈના ફોનમાંથી ૧૧૨ માં ફોન કરતા અરબાઝ અને સેફુ અહીંથી ભાગી ગયા હતા. બાદમાં આ મામલે વૃધ્ધે આ બંને શખસો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

