નાગરિક પરિવારજનોની વિશિષ્ટ સિદ્ધિ બદલ બહુમાન કરાયું , સમાજ પાસેથી મેળવેલું સમાજને પરત આપીએ છીએ : દિનેશભાઇ પાઠક
રાજકોટ તા.૨૯ઃ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા બાદ યોજાયેલ પરિવારગોષ્ઠીમા નાગરિક પરિવારજનોએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધી બદલ બહુમાન કરાયું હતું. આ અવસરે ઉપસ્થિત અતિથિવિશેષે મનનીય વક્તવ્ય રજુ ર્ક્યું હતું.
નાગરિક પરિવારજનો પૈકી શ્રી દિનેશભાઇ પાઠક (સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનમાં વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ), શ્રી પ્રવિણભાઇ ધોળકીયા (ગુજરાત રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સમિતિનાં સદસ્ય), ડો. કમલભાઇ ડોડીયા (રાજકોટ સીવીલ હોસ્પીટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ), શ્રી હરીશભાઇ જોષી (રાજકોટ કન્ઝયુમર પ્રોડકટ ડીસ્ટ્રીબ્યુશન એસોસીએશન તરફથી એક્સલન્સ સપોર્ટ એન્ડ કો-ઓપરેશન એવોર્ડ વિજેતા), શ્રી સુરેશભાઇ નાહટા (ભારતીય શિક્ષણ મંડળ-સૌરાષ્ટ્ર પ્રાંતમાં પુનઃ નિયુક્તિ), શ્રી વલ્લભભાઇ દુધાત્રા (રાજકોટ શહેર ભાજપના મહામંત્રી), શ્રી નરેશભાઇ કેલા (જ્યોર્જીયાના ટીબીલીસી ખાતે આયોજીત યુનાઇટેડ નેશન્સ પબ્લીક સર્વિસ ફોરમ ૨૦૨૬માં ડેલિગેટ તરીકે વિશેષ નિમંત્રીત સદસ્ય), શ્રી પ્રદિપભાઇ જૈન (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ડીજીટલ માર્કેટીંગ એન્ડ ડીજીટલ મીડીયા કમીટીના ચેરમેન તરીકે નિયુક્તિ, ઇનડાયરેક્ટ ટેક્સ કમીટીના સદસ્ય તથા એક્ઝીક્યુટીવ કમિટિમાં આમંત્રિત સદસ્ય તરીકે નિયુક્તિ, ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોશીએશન કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિયુક્તિ), શ્રી ઓજસભાઇ ખોખાણી (ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્યુવેદના ટ્રસ્ટી, એમ. કે. શેઠીયા મેમોરીયલ ટ્રસ્ટમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે નિયુક્તિ)નું મહાનુભાવો દ્વારા બહુમાન કરવામાં આવ્યું.
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, ‘આપણે કરેલા સત્કર્મોને લીધે આપણી બેંક પ્રગતિ કરી રહી છે. સત્કર્મનો એક અન્ય ભાગ જોઇએ તો, સામાજિક ઉત્તરદાયિત્ત્વનાં કાર્યો. સભાસદ પરિવારજનોને કેન્સર અને કીડની જેવી બીમારીમાં આર્થિક સહાય કરીએ છીએ. સભાસદોના લાભાર્થે લેબોરેટરીમાં નિદાન માટે રૂા. ૮૮ લાખ ૯૩ હજારની સહાય કરી છે. સભાસદ માટે અકસ્માત વીમો લીધેલ છે. તેમાં ગત વર્ષે આકસ્મિક મૃત્યુ પામેલ સભાસદોના પરિવારજનોને રૂા. ૨૪ લાખનો આર્થિક સધિયારો આપ્યો. અત્યાર સુધીમાં સભાસદોને આકસ્મિક અવસાનના કિસ્સામાં રૂા. ૩ કરોડ ૪૯ લાખની આર્થિક સહાય કરી. આવી જ રીતે, સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર અને સ્કોલરશીપ આપીએ છીએ. શહેરના સૌંદર્યીકરણ માટે યોગદાન આપેલું છે. છેલ્લા ૨૮ વર્ષથી ૪ થી ૧૬ વર્ષના બાળકો માટે નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરીએ છીએ. સમાજ પાસેથી મેળવેલું સમાજને પરત આપીએ છીએ.’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સંઘચાલકજી શ્રી મુકેશભાઇ મલકાણે મનનીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘અનેક ચડાવ-ઉતાર, ઝંઝાવાત વચ્ચે, અનેક બેંકો ટકી ન શકી તેવા વાતાવરણમાં રાજકોટ નાગરિક સહકારી બેંક અવિરત પ્રગતિ કરી રહી છે, તે બદલ અભિનંદન. સહકારી સંસ્થા – બેંકને સફળતાથી ચલાવવી હોય તો, રિઝર્વ બેંક ઓફ ઇંડીયા-સહકારી ખાતુ વગેરેના તમામ નિયમોનું પાલન કરવું, બીજું, વિશ્વના જે ધારા-ધોરણો કે નિયમો છે તે તરફ લઇ જવી જોઇએ.
વૈશ્વીક નકશો સામે રાખીને આપણી બેંકને સમગ્ર વિશ્વમાં લઇ જવા માટે પ્રયત્નો કરવા જોઇએ. જે સંચાલન થાય છે તે સામુહિક નિર્ણયોથી થવું જોઇએ. એક ટીમ બને અને એ ટીમ દ્વારા સંચાલન થાય. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં આ પ્રકારને મોટા ભાગનાં કાર્યો થાય છે. ઘણીવાર સારા કાર્યકર્તા મળતા નથી પરંતુ જેવો મળે તેનો લ્યો, જોઇએ તેવો બનાવો. વ્યવસાયનું સતત મૂલ્યાંકન અને નિયમીત સમીક્ષા થવી જોઇએ. આંતરીક અને બાહ્ય જગતમાં શ્રેષ્ઠીઓ, અધિકારીઓ, અગ્રણીઓ સાથે સંબંધો વધારવા. રાજકોટ નાગરિક સહકારી બેંકે અત્યાર સુધી નાના કે મોટા અનેકને ટેકો આપ્યો છે અને આગળ વધાર્યા છે તે માટે ભૂતકાળના અને વર્તમાનનાં દરેક સંચાલકો અને કર્મચારીગણને અભિનંદન પાઠવું છું. બીજું, રાષ્ટ્રીય રમતોને પ્રોત્સાહન આપવું જોઇએ. વિશ્વગુરૂ બનવાની આપણી ઇચ્છા છે તેમાં આર્થિક માટે આપ સહુ તેના લડાયક સૈનિકો છો. આપ પણ આ દિશામાં આગળ વધો એ જ શુભકામના.’
રાજકોટના લોકપ્રિય સંસદસભ્ય શ્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, ‘અહીં પ્રમુખશ્રીએ કર્મચારીઓને બિરદાવ્યા એ એક ઉત્તમ પ્રકારની પ્રણાલિકાનું વહન ર્ક્યું છે. બેંકનું જે બ્રાન્ડીંગ થાય છે, તે શાખાઓમાં થાય છે. બેંક છે એ શાખથી ચાલે છે. ૭૩ વર્ષ પહેલા શરૂ થયેલી આ બેંકની શાખને આપ સહુ સાચવીને-જાળવીને આગળ વધારી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપણે ત્યાં કો-ઓપરેટીવ યુનિવર્સિટીની સ્થાપના થઇ છે અને તે પણ ત્રિભુવન પટેલના નામે. આ કો-ઓપરેટીવ ક્ષેત્રની મોટામાં મોટી ઉપલબ્ધી છે. રાજ્ય અને દેશમાં રાજકોટ નાગરિક સહકારી બેંક સહકારી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. કોઇપણ વ્યવસાયમાં સહકારીતાને પાયામાં રાખવામાં આવે તો હજુ પણ ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરવાનું બાકી છે.
આ તકે બેંકના સંચાલકગણ અને તમામ સહકારી અગ્રણીઓને જણાવું છું કે આપ જે કાર્ય કરી રહ્યા છો તે વારસામાં મળેલી પ્રવૃત્તિ છે અને તેને જાળવીને ખૂબ જ સારી રીતે આગળ વધારી રહ્યા છો તે અભિનંદને પાત્ર છે પરંતુ જ્યારે આ શરૂ થયું ત્યારે તેમની પાસે સાધનો કે સગવડ નહોતી. એમાંથી એમણે એક વિચારબીજને પકડયું. એને વાવ્યું, પાળ્યું, પોષ્યું તો અત્યારે આ વટવૃક્ષ બન્યું અને આપણને ફળ મળી રહ્યા છીએ. નવી સહકારી પ્રવૃત્તિ શરૂ કરવી. નાની-મોટી પ્રવૃત્તિઓનો જન્મ થાય અને તે પણ યુવાનોની અંદર થાય તે જરૂરી છે. યુવાનો તે પ્રવૃત્તિના વાહક બને અને આમાં તો સ્કાય ઇઝ ધ લિમિટ છે. આવા કાર્યોમાં મેન્ટરશીપ તરીકે નાગરિક બેંક વિચારે કે પીઠબળ આપે તો તેના બીજા સારા સુફળ આપણને મળે. સહકારી ક્ષેત્રના માધ્યમથી નવી પ્રવૃત્તિ ઉભી થાય તો સહકારી ક્ષેત્ર સાચા અર્થમાં સહકારથી સમૃદ્ધિ જે રસ્તો છે તે રસ્તામાં આગળ વધી શકે.’

