New Delhi,તા.૧
એશિયા કપ ૨૦૨૫ની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવ્યું. ફાઇનલ પછી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. ભારતીય ટીમે એશિયા કપ જીત્યો, પરંતુ ટ્રોફી વિના ઉજવણી કરી. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ મોહસીન નકવી એશિયા કપ ટ્રોફી સાથે પોતાની હોટલ પરત ફર્યા. ભારતીય ખેલાડીઓએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં અને માંગ કરી હતી કે તે અમીરાત ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ દ્વારા તેમને સોંપવામાં આવે. જોકે, નકવીએ આ શરત સ્વીકારવાનો ઇનકાર કર્યો. મેચ જીતવા છતાં ભારતીય ખેલાડીઓએ લગભગ એક કલાક રાહ જોઈ. આખરે, તેઓ ટ્રોફી વિના ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોહસીન નકવીને સ્પષ્ટપણે કહ્યું કે ટ્રોફી ભારતને સોંપવી જોઈએ. જો કે, મોહસીન નકવી એકનો બે ના થયો. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, નકવીએ બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાની અપીલને પણ ફગાવી દીધી. શુક્લાએ ૩૦ સપ્ટેમ્બરે એસીસીની બેઠકમાં એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવાની જોરદાર માંગ કરી હતી, પરંતુ નકવીએ આગ્રહ કર્યો હતો કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી સ્વીકારવા માટે છઝ્રઝ્ર ઓફિસમાં આવવું પડશે.
બીસીસીઆઇના સચિવ દેવજીત સૈકિયાએ મોહસીન નકવીના વર્તનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને રમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “અમે મોહસીન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે ટ્રોફી અને મેડલ લઈને ભાગી જવું જોઈએ. આ શરમજનક છે અને અમને આશા છે કે કપ ટૂંક સમયમાં ભારતને સોંપવામાં આવશે.”
આ મુકાબલા પછી બીસીસીઆઇના અધિકારીઓએ આગ્રહ કર્યો કે એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવામાં આવે. મીડિયા અહેવાલ મુજબ, એસીસીની બેઠકમાં આ મુદ્દા પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે ભારતે એશિયા કપ ૨૦૨૫ જીત્યો છે, પરંતુ ટ્રોફી હજુ પણ મોહસીન નકવી પાસે છે. આ મામલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સુધી પહોંચી શકે છે.