રાજકોટ જીલ્લા સહકારી બેંકે સૌપ્રથમ ૦% વ્યાજે KCC ધીરાણની કરી હતી વ્યવસ્થા : જયેશ રાદડીયા
ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશનની સમય મર્યાદામાં ૧૫ દિવસના વધારાની જાહેરાત કરતા પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી
Jamkandorna તા.૨૯ઃ
Jamkandorna ખાતે રાજકોટ જિલ્લાકક્ષાની વિવિધ સહકારી સંસ્થાઓની વર્ષ ૨૦૨૫-૨૦૨૬ની વાર્ષિક સાધારણ સભા ગઇકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતા અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગાયના છાણમાંથી બાયો-સી.એન.જી. અને પ્રાકૃતિક ખાતર બનાવી ખેડૂતો માટે નવી આવકના સ્ત્રોત ઉભા કરી શકાય છે. તેમણે પોતાના ખેતરમાં છેલ્લા ૦૯ વર્ષથી ડી.એ.પી. કે યુરિયા વિના કુદરતી ખેતી કરીને મેળવેલી સફળતાનું દ્રષ્ટાંત આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સહકાર મંત્રાલયની રચના થઈ હતી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારી સંસ્થાઓ દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે.
આ અવસરે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જામકંડોરણાની ધરતી પરથી સહકારી પ્રવૃત્તિઓનો જે છોડ રોપાયો હતો, તે આજે વટવૃક્ષ બનીને સૌરાષ્ટ્રના ખેડૂતો અને પશુપાલકો માટે આધારસ્તંભ બન્યો છે. આજે સહકારી સંસ્થાઓ પ્રગતિના નવા શિખર સર કરી રહી છે. સભાસદનું આકસ્મિક મૃત્યુ થતા તેમના પરિવારને રૂ. ૧૫ લાખ સુધીની સહાય અને ખેડૂતો માટે શૂન્ય ટકા વ્યાજે ધિરાણ જેવી વિવિધ આર્થિક તથા સામાજિક સુરક્ષા યોજનાઓ ઉપરાંત પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગોબરધન યોજના, બાયો-સી.એન.જી. પ્લાન્ટ્સ તથા દૈનિક દૂધ એકત્રીકરણની કામગીરીની મંત્રીએ સરાહના કરી હતી.
આ સાથે મંત્રીશ્રીએ ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. ખરીફ પાકો જેવા કે મગફળી, સોયાબીન, મગ અને અડદના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તા. ૧૦ ઓક્ટોબર હતી, તેમાં ખેડૂતોની સુવિધા અર્થે વધુ ૧૫ દિવસનો વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ મંત્રીએ કરી હતી.
આ તકે ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની સહકારી બેંક રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી રહી છે, જેની પાછળ સામાન્ય ખેડૂતો, મંડળીઓના સભાસદો અને સુદ્રઢ વહીવટી માળખાનું મહત્વનું યોગદાન રહ્યું છે. રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોથી આજે ગુજરાતનું સહકારી ક્ષેત્રનું મોડેલ અન્ય રાજ્યો માટે આદર્શ બન્યું છે. ખેડૂત કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે સૌની યોજના અમલમાં આવી અને છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈનું પાણી પહોંચતું થયું છે.
આ વેળાએ જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, લાખો ખેડૂત સભાસદોના વિશ્વાસના બળે રાજકોટ જિલ્લા સહકારી બેંક આજે પ્રગતિના શિખરો સર કરી રહી છે. વર્ષ ૨૦૨૫માં બેંકની ડિપોઝિટ રૂ. ૯,૭૭૦ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૬માં વધીને રૂ. ૧૧ હજાર કરોડ થઈ છે. આમ, એક જ વર્ષમાં રૂ. ૦૧ હજાર કરોડનો વધારો નોંધાયો છે.
સમગ્ર દેશમાં સૌ પ્રથમ ૦% વ્યાજે કે.સી.સી. ધિરાણ આપવાની વ્યવસ્થા રાજકોટ જિલ્લા સહકારી બેન્કે કરી હતી. ગુજરાતમાં સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાકાર થયો છે. ગ્રામીણ અર્થતંત્રના વિકાસથી લઈને ખેડૂતો અને પશુપાલકોના સશક્તિકરણ સુધી, સહકારી પ્રવૃત્તિઓ ક્ષેત્રે ગુજરાત આજે સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી રોલ મોડેલ બન્યું છે.
આ સભા દરમિયાન વિવિધ સહકારી સંઘના ચેરમેનોએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યા હતા. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્ક તથા રાજકોટ ડેરી દ્વારા ગ્રુપ પી.એ. પોલિસી અન્વયે ૧૬ સભાસદોના વારસદારોને રૂ. ૧૫ લાખ લેખે અકસ્માત વીમાના ચેકોનું વિતરણ કરાયું હતું. ઉપરાંત, વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના હેઠળ ૦૫ લાભાર્થી મંડળીઓને રૂ. ૨૫ હજાર લેખે સહાય આપવામાં આવી હતી તેમજ ખેતી મંડળીઓને પ્રોત્સાહન ઇનામી યોજના અંતર્ગત વિજેતા મંડળીઓને મોટરસાયકલ આપવામાં આવ્યા હતા.
વધુમાં, આ વાર્ષિક સાધારણ સભામાં વર્ષ ૨૦૨૫-૨૬માં સૌથી વધુ રૂ. ૨.૦૫ કરોડનો અંતિમ ભાવ મેળવનારી દડલી મહિલા દૂધ મંડળી તથા રૂ. ૩.૪૦ લાખથી વધુનો અંતિમ ભાવ મેળવનાર દૂધ ઉત્પાદક શ્રી રેખાબેન રાતડીયાનું બુકે, શાલ અને શીલ્ડ આપીને સન્માન કરાયું હતું. આ સાથે શ્રેષ્ઠ મહિલા મંડળી તરીકે મોટી પાનેલી કિસાન મહિલા દૂધ ઉત્પાદક મંડળીને રૂ. ૨૧ હજારના ચેકથી પુરસ્કૃત કરવામાં આવી હતી.
સહકારી ક્ષેત્રે દીર્ઘકાલીન સેવાઓ આપનારા અગ્રણીઓને બિરદાવતા સતત ૪૫ વર્ષથી સળંગ પ્રમુખ તરીકે સેવા આપનાર શ્રી ડાયાભાઈ પટેલને સાફો, બુકે, શાલ, શીલ્ડ અને રૂ. ૫૧ હજારનો પુરસ્કાર ચેક તથા ૧૪ વર્ષથી સળંગ પ્રમુખ તરીકે સેવા આપનારા ૧૧ અગ્રણીઓને રૂ. ૨૧ હજારના પુરસ્કાર ચેક અને સન્માનચિહ્ન આપી, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
છેલ્લા બે દાયકામાં રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકને દેશભરમાં મોખરાનું સ્થાન અપાવનાર સહકારી ખેડૂત નેતા વિઠલભાઈ રાદડીયાના અનુગામી તરીકે બેંકની જવાબદારી સંભાળનાર જયેશભાઈ રાદડીયાએ બેંકની રાજકોટ ખાતે સભાસદોની વિશાળ હાજરીમાં ૬૭મી વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે ખેડૂતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડૂતોએ આ બેંકને અદના આદમીની અડીખમ બેંક નામ આપ્યું છે.
ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ કરેલી જાહેરાતો
૧. ૨૦૨૫-૨૦૨૬ના વર્ષનો ચોખ્ખો નફો રૂ. ૧૩૫.૧૦ કરોડ થતા સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ અપાશે. ૨. વર્ષ ૨૦૨૬-૨૭ના કે.સી.સી. ખરીફ ધિરાણ પર મંડળીઓ માટે ૧.૫૦% વ્યાજ માર્જિન રખાશે. (કુલ રકમ રૂ. ૭૫ કરોડ)૩. કૃષિ તત્કાલ લોનની મર્યાદા રૂ. ૦૭ લાખથી વધારી રૂ. ૧૦ લાખ કરી.૪. કૃષિ વિકાસ લોનની મર્યાદામાં રૂ. ૦૨ લાખનો વધારો કરી, રૂ. ૦૬ લાખ કરી. ૫. કેન્દ્ર સરકારની સહકારથી સમૃદ્ધિ યોજના અન્વયે પ્રોત્સાહિત રકમ રૂ. ૧૦ હજાર અપાશે.૬. ખેતી આનુષંગિક વ્યવસાય માટે વર્કીંગ કેપીટલની જરૂરીયાત પૂરી પાડવા માટે ૯.૫૦% વ્યાજ દરે રૂ. ૨૫ લાખની પેકસ – કેશ ક્રેડિટ લોન યોજનાની જાહેરાત, જેમાં રાજય સરકાર દ્વારા ૦૫% વ્યાજ સહાય મળવા પાત્ર થશે.૭. વર્ષ ૨૦૨૭-૨૮માં નવા કે.સી.સી. હોલ્ડર જોડાવા નિમિત્તે મંડળીને પ્રોત્સાહિત કરવા અંદાજીત રૂ. ૨૫ લાખનું ઈન્સેન્ટીવ અપાશે.

