ગઠિયાઓએ બોસનો ફોટો ડીપીમાં મૂકીને તથા મોબાઇલમાં બોસના નામથી નંબર સેવ કરીને એકાઉન્ટન્ટને મેસેજ કર્યો હતો
Ahmedabad, તા.૯
અમદાવાદ નહીં દેશભરમાં બોસ સ્કેમમાં સાયબર ગઠિયા લાખો રૂપિયા પડાવી રહ્યા છે ત્યારે જ એલિસબ્રિજમાં આવેલી ખાનગી ફાઇનાન્સ કંપનીમાં સાયબર ગઠિયાઓએ કંપનીના બોસના નામે મેસેજ કરીને એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવી લીધા હતા. ગઠિયાઓએ બોસનો ફોટો ડીપીમાં મૂકીને તથા મોબાઇલમાં બોસના નામથી નંબર સેવ કરીને એકાઉન્ટન્ટને મેસેજ કર્યો હતો. આ મેસેજને સાચો માની એકાઉન્ટન્ટે આપેલા બેંક એકાઉન્ટમાં ૯૫.૮૦ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા.
જોકે બીજા જ દિવસે ફરીથી ૧.૨૬ કરોડ ટ્રાન્સફર કરવા માટે મેસેજ આવતા એકાઉન્ટન્ટને શંકા ગઈ હતી. તેણે સીધા બોસ સાથે વાત કરતાં સમગ્ર સાયબર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.સેટેલાઇટ ખાતે રહેતા અશ્વિનભાઇ શાહ (૫૧) એલિસબ્રિજ ખાતે આવેલી ખાનગી ફાઇનાન્સ કંપનીમાં છેલ્લા છ મહિનાથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. કંપનીના નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાની જવાબદારી પણ તેમની પાસે છે. થોડા સમય પહેલા અશ્વિનભાઇ શાહના વોટ્સએપ પર કંપનીના બોસના નામથી સેવ કરાયેલા નંબર પરથી મેસેજ આવ્યો હતો.
નંબરના ડીપીમાં પણ બોસનો જ ફોટો હોવાથી એકાઉન્ટન્ટને કોઈ શંકા ગઈ નહોતી.વોટ્સએપ મેસેજમાં ગઠિયાએ એક બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમાં ૯૫.૮૦ લાખ ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી. કંપનીના બોસનો મેસેજ હોવાનું માની એકાઉન્ટન્ટે કોઈ વધુ ચકાસણી કર્યા વિના આપેલા ખાતામાં ૯૫.૮૦ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ બીજા દિવસે ફરીથી એ જ નંબર પરથી મેસેજ આવ્યો હતો અને અન્ય એકાઉન્ટમાં ૧.૨૬ કરોડ ટ્રાન્સફર કરવા જણાવાયું હતું.આ વખતે એકાઉન્ટન્ટ અશ્વિન શાહને કંઈક ગરબડ હોવાની શંકા જતા તેણે ઓફિસમાં જઈને સીધા બોસ સાથે વાત કરી હતી. બોસે આવા કોઈ મેસેજ કર્યા જ ન હોવાનું જણાવતાં સમગ્ર મામલો સ્પષ્ટ થયો હતો. અગાઉ ૯૫.૮૦ લાખ ટ્રાન્સફર કરવા માટે પણ બોસે કોઈ સૂચના આપી નહોતી તેવું બહાર આવ્યું હતું. ત્યારબાદ કંપનીમાં તપાસ કરતાં ગઠિયાઓએ કંપનીના મોબાઇલ અને કમ્પ્યૂટરની માહિતીનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરી હોવાનું મનાય છે.

