Ahmedabad,તા.૨૩
દિવાળી ભલે રંગેચંગે ઊજવાઈ ગઈ હોય, પરંતુ તહેવારોની ઉજવણી બાદ હવે રસોડાનું બજેટ બગડી રહ્યું છે, કારણ કે રસોડામાં સિંગતેલ એ માત્ર ખાદ્યતેલ નથી, પરંતુ રોજિંદા ભોજનનો અભિન્ન હિસ્સો છે. દાળમાં વઘાર કરવો હોય, શાક બનાવવું હોય કે ફરસાણનો સ્વાદ માણવો હોય, સિંગતેલની હાજરી સામાન્ય છે. હવે આ જ સિંગતેલ અમદાવાદીઓના ઘરખર્ચનું ગણિત બગાડી રહ્યું છે. હાલ ૧૫ કિલોના ડબાનો ભાવ અંદાજે રૂ. ૩૩૦૦ છે ત્યારે મગફળીમાંથી તેલ કાઢવા માટે વપરાતી ગુણવત્તાવાળી મગફળીની અછતના કારણે આગામી સમયમાં ભાવ રૂ. ૩૩૦૦થી વધીને રૂ. ૩૮૦૦થી રૂ. ૪૦૦૦ સુધી પહોંચે તેવી વેપારીઓને આશંકા છે.
એક તરફ મગફળીના ઉત્પાદનમાં ઘટાડાની આગાહી છે, બીજી તરફ સારી ગુણવત્તાવાળી મગફળીનો ઉપયોગ ખારી સિંગ, ચેવડો અને અન્ય ફરસાણમાં વધી રહ્યો છે, પરિણામે તેલ કાઢવા માટે મગફળી કેટલી ઉપલબ્ધ રહેશે તે પણ મુશ્કેલ વાત છે. અમદાવાદમાં રોજિંદા વપરાશ માટે સિંગતેલ ખરીદતા પરિવારોને હવે માત્ર ડબાનો ભાવ જ નહીં, પરંતુ તેલની શુદ્ધતા અંગે પણ સાવચેત રહેવું પડશે. તાજેતરમાં સરકારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જે મગફળીના ઉત્પાદન માટે જાણીતા વિસ્તારો છે. ઓછા વરસાદની અસરના કારણે આ વિસ્તારોમાં ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે.
વેપારીઓના મતે આ વર્ષે સારી ગુણવત્તાવાળી મગફળી ખાવા માટે વધુ વપરાય છે. ખારી સિંગ, ચેવડા અને અન્ય ફરસાણમાં મગફળીની માગના પગલે તેલ કાઢવા યોગ્ય જી-૨૦ પ્રકારની મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા છે. આ કારણથી સિંંગતેલના ભાવ પર દબાણ વધી શકે છે, જેથી આગામી સમયમાં ડબાનો ભાવ રૂ. ૪૦૦૦ સુધી પહોંચવાની શક્યતા છે.

