Ahmedabad, તા.૨૪
ગોમતીપુરમાં સગાઈ કરવાથી યુવતીના પરિવારે ઇનકાર કરી દીધા બાદ પણ યુવતી જોડે સંપર્ક રાખતા યુવતીના પરિવારજનોએ યુવક પર ધોકા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. યુવક બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ યુવક સાથે સગાઈ કરવાની ના પાડી દીધી હતી. તેમ છતાં બંને વચ્ચે વાતચીત ચાલુ રહેતાં યુવતીના મામા, મામી અને માતાએ ગોમતીપુરના હરિભાઈ ગોદાણી સર્કલ પાસે યુવકને ઘેરી લીધો હતો અને યુવતીના મામાએ લાકડાના ધોકાથી યુવકને માર માર્યા બાદ માથામાં ચપ્પુ મારી દેતાં યુવક લોહીલુહાણ થયો હતો. આ મામલે ગોમતીપુર પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સરસપુરમાં સરસ્વતી હાઈસ્કૂલ પાછળ જાલમપુરીની ચાલીમાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે ઝેંગો નરેશભાઈ પટણી (ઉં. વ. ૨૩) કાલુપુર મસ્કતી માર્કેટમાં સાફા-પાઘડીની દુકાનમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૨૪માં ઇન્સ્ટાગ્રામ મારફતે તેનો સીમા પટણી નામની યુવતી સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રકાશના પરિવારજનોએ સીમાના ઘરે સગપણની વાત કરતાં શરૂઆતમાં સગાઈ કરવાનું નક્કી થયું હતું. જોકે, બાદમાં યુવતીના પરિવારજનોએ સગાઈ કરવાની ના પાડી દીધી હતી. તેમ છતાં બંને વચ્ચે ફોન પર વાતચીત ચાલુ રહેતાં યુવતીના પરિવારજનો નારાજ હતા. ૧૩ નવેમ્બરે દિવાળીની રજા હોવાથી બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે પ્રકાશ ગોમતીપુરની પઠાણની ચાલીમાં રહેતાં પોતાના નાની જશીબેનને મળવા ગયો હતો. ત્યાંથી મિત્રો રોહિત ઉર્ફે છોટુ પટણી અને રવિ પટણી સાથે હરિભાઈ ગોદાણી દવાખાના સામે નાસ્તો કરવા ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર સીમાના મામા સુનીલભાઈ પટણી અને મામી રેખાબેને તેને જોઈને મારી ભાણી સાથે કેમ વાત કરે છે? કહી ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો. પ્રકાશે વિવાદ ટાળવા ત્યાંથી નીકળી ઘરે જઈ માતા-પિતાને સમગ્ર વાત જણાવી હતી.બપોરે ૨ઃ૩૦ વાગ્યે પ્રકાશ માતા જોસનાબેન અને પિતા નરેશભાઈ સાથે હરિભાઈ ગોદાણી સર્કલ પાસે રોડ પર ઊભો રહી વાતચીત કરી રહ્યો હતો. ત્યારે સીમાની માતા કોકીલાબેન અને મામી રેખાબેન રિક્ષામાં ત્યાં પહોંચ્યાં હતાં. બંનેએ પ્રકાશ સાથે ઝઘડો શરૂ કરી ગાળો ભાંડી હતી. આ દરમિયાન મામા સુનીલભાઈ લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને પ્રકાશને માર માર્યો હતો. ત્યારબાદ ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી તેના માથામાં મારતાં તેને ગંભીર ઈજા થઈ હતી. આસપાસના લોકો અને પ્રકાશના માતા-પિતાએ વચ્ચે પડી તેને વધુ મારથી બચાવ્યો હતો. ઈજાગ્રસ્ત પ્રકાશને ખાનગી રિક્ષામાં પ્રથમ શારદાબેન હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર બાદ રજા મળતાં તેણે ૧૪ નવેમ્બરે વહેલી સવારે ૧ઃ૩૦ વાગ્યે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સુનીલભાઈ પટણી, રેખાબેન પટણી અને કોકીલાબેન પટણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

