Gandhinagar, તા.૧૦
નવગુજરાત સમય , ગાંધીનગરના સેક્ટર-૪ છમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરિણીત યુવકે આડા સંબંધમાં અડચણરૂપ પત્નીની પ્રેમિકા સાથે મળીને ગળેટૂંપો આપી હત્યા કરતા સનસનાટી મચી છે. હત્યાને આત્મહત્યા કે કુદરતી મોતમાં ફેરવવાનો કારસો નિષ્ફળ જતાં સેક્ટર-૭ પોલીસે કાવતરું ઘડનાર પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ વિરમગામ તાલુકાના શિયાળ ગામની સંગીતાબેનના લગ્ન ૨૦૧૨માં ઓગણ ગામના રોહિતજી ઠાકોર સાથે થયા હતા. લગ્નજીવનથી તેમને ચાર સંતાનો પણ છે. રોહિતજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ગાંધીનગરમાં આવ્યો હતો, જ્યાં લાયબ્રેરીમાં અભ્યાસ કરતી દાહોદના ફતેપુરાની વર્ષા સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બંને સેક્ટર-૪ છમાં ભાડે રહેવા લાગ્યા હતા અને ખાનગી નોકરી કરતા હતા.થોડા સમય અગાઉ સંગીતાબેન બાળકો સાથે ગાંધીનગર આવી ગયા હતા. પતિ અને તેની પ્રેમિકા એક જ મકાનમાં રહેતા હોવાની ગંધ આવતાં જ સંગીતાબેને પોતાના સંસારને બચાવવા માટે આ અનૈતિક સંબંધનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પત્ની પ્રેમ પ્રકરણમાં અડચણરૂપ બનતાં રોહિતજી અને પ્રેમિકા વર્ષાએ તેને રસ્તામાંથી હટાવવાનું ભયંકર કાવતરું ઘડી કાઢ્યું હતું.સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ સંગીતાબેનને મૃત જાહેર કર્યા બાદ ગળાના ભાગે ફાંસાના નિશાન દેખાતાં મામલો શંકાસ્પદ બન્યો હતો. સેક્ટર-૭ પોલીસે સ્થળ પર પહોંચી પતિ રોહિતજીની કડક પૂછપરછ કરતાં તેણે પ્રેમિકા વર્ષા સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મૃતકના સગા મેરૂભાઈ વાસણીયાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.ગત ૮ ઓક્ટોબરની મધરાતે બાળકો બીજા રૂમમાં ઊંઘતા હતા ત્યારે રોહિત અને વર્ષાએ સંગીતાબેનને હાથરૂમાલ વડે ગળાના ભાગે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા સંગીતાને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી અને સંગીતાએ ઝેરી દવા પીધી હોવાનું નાટક કરાયું હતું.

