Ahmedabad, તા.૧૦
ચાંદખેડામાં રહેતી પરિણીતાએ તેના પતિ, સસરા અને નણંદો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના સાસરિયા દહેજ પેટે રૂપિયા માગીને શારિરક અને માનસિક ત્રાસ આપતા હતા, જ્યારે તેનો પતિ દારૂ પીને બળજબરીથી સંબંધ બાંધતો અને અનૈતિક માગણીઓ કરતો હતો. પરિણીતાના સસરાએ પણ અનૈતિક સંબંધોની માગણી કરી હતી.
એટલું જ નહીં, પરિણીતા પતિ સાથે ગોવા ફરવા ગઈ ત્યારે તેણે દારૂ પીને વાઈફ સ્વેપિંગની માગણી કરી હતી. જોકે, પરિણીતાએ ઈનકાર કરતા તેની સાથે મારઝૂડ કરીને પાંચ મિત્રોને ઘરે મોકલીને રેપ કરાવી મર્ડર કરાવવાની ધમકી આપી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ રાજકોટની ૩૭ વર્ષીય મહિલાએ વર્ષ ૨૦૧૧માં ચાંદખેડામાં રહેતા યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. લગ્ન બાદ સસરા અને નણંદ દહેજ માગતા હોવાથી પરિણીતાએ પિયરમાંથી એક લાખ રૂપિયા લાવીને આપ્યા હતા. પતિએ વારંવાર પિયરમાંથી નાણાં લાવવા દબાણ કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પરિણીતાનો પતિ વારંવાર દારૂ પીને પુત્રીની હાજરીમાં મારઝૂડ કરતો હતો. વર્ષ ૨૦૨૦માં પરિણીતાના પતિએ નશાની હાલતમાં અકસ્માત સર્જતા ૯ માસ સુધી પથારીવશ રહ્યો હતો. જેથી પરિણીતાએ તેના સસરા પાસે આર્થિક સહાય માગતા સસરાએ અનૈતિક સંબંધ રાખવા દબાણ કર્યું હતું. સસરાએ ‘તું મારી વહુ છે, તું જવાન છે તારો પતિ પથારીવશ છે જેથી તારી શારીરિક જરૂરિયાત પૂરી કરવા હું તૈયાર છું’ તેવું કહેતા પરિણીતાએ માંડ માંડ પોતાનો બચાવ કર્યો હતો. એક તરફ પતિ અવાર નવાર દારૂ પીને અનૈતિક સંબંધ બાંધી મારઝૂડ કરતો ત્યાં બીજી તરફ પરિણીતાના સસરા પણ વિકૃત માગણીઓ કરતા હોવાથી પરિણીતા ત્રાસી ગઈ હતી.
પરિણીતાનો પતિ અન્ય સ્ત્રીઓ સાથે મેસેજથી વાતચીત કરતો અને પરિણીતાએ તેને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં પકડી પાડ્યો હતો. થોડા સમય પહેલા પરિણીતા તેના પતિ અને દીકરી સાથે ગોવા ફરવા ગઈ ત્યારે પતિએ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં વાઈફ સ્વેપિંગની માગણી કરી હતી. જોકે, પરિણીતાએ ઈન્કાર કરતા તેને માર મારીને પાંચ મિત્રોને ઘરે મોકલીને રેપ કરાવીને મર્ડર કરાવી નાખીશ તેવી ધમકી આપી હતી. અંતે કંટાળેલી પરિણીતાએ પોલીસને જાણ કરી હતી. ચાંદખેડા પોલીસે પરિણીતાના પતિ, સસરા અને નણંદ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.પરિણીતાનો પતિ રાજકોટમાં એક કલર લેબમાં નોકરી કરતો હતો ત્યારે તેણે પૈસાનો ગોટાળો કર્યો હોવાથી બંનેને રાજકોટ શહેર છોડવું પડ્યું હતું. બંને બોપલમાં રહેવા આવ્યા ત્યારે આર્થિક સ્થિતિ નાજુક હોવાથી પરિણીતા તેના પિયરમાંથી પૈસા લાવીને ગુજરાન ચલાવતી અને પતિને મદદ મળે તે માટે નોકરી પણ કરતી હતી.
પરિણીતાનો પતિ ૯ માસ પથારીવશ હતો ત્યારે સસરાએ અનૈતિક સંબંધ રાખવાની માગણી કરી હતી. જેથી પરિણીતાએ માંડ પોતાનો બચાવ કર્યો હતો. પરિણીતાના સસરા વિરુદ્ધ અગાઉ તેની ભત્રીજીએ જ બળાત્કારની ફરિયાદ નોંધાવતા સસરાને જેલવાસ ભોગવવો પડ્યો હતો.

