રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ઓકટોબરમાં રેટ કટની અપેક્ષા, અમેરિકી ડોલર નબળો પડવા સહિતના પરિબળો અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ યથાવત રહ્યા છતાં કોર્પોરેટ ઈન્ડિયા માટે પ્રોત્સાહક પગલાંની પોઝિટીવ અસરે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો, તેમજ ટ્રમ્પ સરકાર દ્વારા મોટી ફાર્મા કંપનીઓ પર ૧૦૦% ટેરિફ હાલ તુરત મુલતવી રાખવામાં આવતાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું.
દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોવાના પોઝિટીવ પરિબળે મેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને વૈશ્વિક નિકાસ માંગની પણ અપેક્ષાએ ફંડોએ તેજી કરી હતી. પ્રાઈમરી માર્કેટમાં મેગા આઈપીઓની વણઝારને લઈ સેકન્ડરી માર્કેટમાં તેજી અટક્યા બાદ હવે આગામી દિવસોમાં મેગા ઈસ્યુઓ પૂરા થવાની સાથે લિક્વિડિટી સેકન્ડરી માર્કેટમાં મોટી તેજીની અપેક્ષાએ આજે ખેલંદાઓ, ફંડોએ મોટી ખરીદી કરી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં સરકારી શટડાઉનને એક સપ્તાહ કરતા પણ વધુ સમય વીતિ ગયો છે ત્યારે તેની પણ અર્થતંત્ર પર અસર પડવાની ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે શટડાઉનને કારણે મહત્વના સરકારી આંકડા પ્રસિદ્ધ થવામાં ઢીલ થઈ રહી છે, જેને કારણે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત કરાશે કે કેમ અનિશ્ચિતતાએ ગત સપ્તાહે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે ગત સપ્તાહમાં અમેરિકામાં મહત્વના ડિલિવરી મથક ખાતે ડબ્લ્યુટીઆઈનો સ્ટોક ઘટયો હોવાના અહેવાલે ક્રુડઓઈલમાં ભાવ ઊંચકાયા હતા.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વર્ષ ૨૦૨૫માં ભારતીય પ્રાઈમરી માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવામાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે પહોંચ્યું છે. ચાલુ વર્ષે ભારતીય કંપનીઓએ કુલ ૧૪.૨૦ અબજ ડોલર, એટલે કે અંદાજીત રૂ.૮૫,૨૪૦ કરોડ ઊભા કર્યા છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકાએ આઈપીઓ મારફતે ૫૨.૯૦ અબજ ડોલર ભંડોળ ઊભું કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે હોંગકોંગ ૨૩.૪૦ અબજ ડોલર સાથે બીજા અને ચીન ૧૬.૨૦ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી આશરે ૭૪ કંપનીઓએ આઈપીઓ દ્વારા મૂડી ઊભી કરી છે.
તાજેતરના કેટલાક મોટા જાહેર ભરણાં મળીને રૂ.૩૦,૦૦૦ કરોડ જેટલું ભંડોળ ઊભું કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન ઊભી કરાયેલી રકમનો આંક ત્રીજો સૌથી મોટો રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં ૯૧ આઈપીઓ દ્વારા રૂ. ૧.૫૯ લાખ કરોડ અને ૨૦૨૧માં ૬૩ કંપનીઓ દ્વારા રૂ.૧.૧૮ લાખ કરોડ ઊભા કરાયા હતા. એક તરફ પ્રાઈમરી માર્કેટમાં ઉછાળો જળવાઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ સેકન્ડરી માર્કેટમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત નાણાં બહાર ખેંચી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધી એફઆઈઆઈએ આશરે ૧૮ અબજ ડોલર બજારમાંથી પાછા ખેંચ્યા છે.
જોકે, પ્રાઈમરી માર્કેટમાં તેમનું રોકાણ હજી પણ અંદાજીત પાંચ અબજ ડોલર જેટલું રહ્યું છે. આઈપીઓ બાદ લિસ્ટિંગમાં રોકાણકારોને મળતા આકર્ષક વળતરના કારણે પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ યથાવત રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૪ પછી લિસ્ટ થયેલા શેરોએ સરેરાશ ૨૨% લિસ્ટિંગ ગેઈન આપ્યા છે, જે રોકાણકારો માટે નોંધપાત્ર છે. વિદેશી રોકાણકારોના આઉટફ્લોને વચ્ચે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સે બજારમાં મહત્વનો ટેકો આપ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ, મ્યુચ્યુઅલ ફંડ્સે અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટીમાં રૂ.૪ લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જે ગયા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડની સરખામણીએ થોડું ઓછું છે, પરંતુ પ્રવાહ હજી મજબૂત છે.
મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮,૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭,૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨,૬૭૩.૯૧ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૦,૯૩૯.૧૬ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૫માં અંદાજીત રૂ.૯૮,૮૨૮.૫૫ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૫,૩૪૩.૫૯ કરોડની ખરીદી તેમજ ૦૯ ઓકટોબર ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૦,૦૮૯.૧૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧,૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૭,૬૬૬.૬૮ કરોડની વેચવાલી, ઓગસ્ટ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૬,૯૦૨.૯૨ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૫,૩૦૧.૩૬ કરોડની વેચવાલી તેમજ ૦૯ ઓકટોબર ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૭૨.૨૪ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ચોખ્ખા ઇક્વિટી રોકાણે રૂ.૪ લાખ કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક ફંડ મેનેજરોએ કુલ રૂ.૪.૦૨ લાખ કરોડનું રોકાણ સ્થાનિક ઇક્વિટીમાં કર્યું છે. પાછલા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડના રેકોર્ડ રોકાણ પછી, જો હાલની ગતિ જળવાઈ રહી તો ફંડ હાઉસો ૫ લાખ કરોડના સ્તર સુધી પહોંચી શકે છે. આ વર્ષ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઇક્વિટી ખરીદીનું સતત પાંચમું વર્ષ છે. કોરોના બાદના મજબૂત વળતરો સાથે રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહ્યો છે. એસઆઈપી દ્વારા પણ રોકાણ પ્રવાહ મજબૂત રહ્યો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન એસઆઈપી મારફતે કુલ રૂ.૨.૨ લાખ કરોડનું રોકાણ થયું છે, જેમાંથી આશરે ૯૦% ફંડ્સ ઇક્વિટી સ્કીમમાં જ મૂકવામાં આવ્યા છે.
ખાસ નોંધનીય એ છે કે સુસ્ત બજાર પરિસિ્થતિ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા થયેલી વેચવાલી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સનો રોકાણ પ્રવાહ ચાલુ રહ્યો છે. આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારથી રૂ.૧.૬ લાખ કરોડની નિકાસ કરી છે. સ્થાનિક ફંડ હાઉસોના આ મજબૂત રોકાણથી વિદેશી વેચવાલીનો દબાણ સંતુલિત થયો છે, જેના કારણે બજારમાં મોટો ઘટાડો અટકાવવામાં સહાય મળી છે. અગાઉની મંદી દરમિયાન પણ રિટેલ રોકાણકારોનો વિશ્વાસ ટક્યો હતો, પરંતુ લાંબા ગાળાની નબળાઈ સેન્ટિમેન્ટને અસર કરી શકે છે. અસ્થિરતા અને ટૂંકા ગાળાના ઘટાડા વચ્ચે પણ રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહેવું બજાર માટે સકારાત્મક સંકેત છે, ત્યારે આગામી દિવસોમાં તેજી તરફી માહોલ યથાવત્ રહે તેવી શક્યતા છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!
ફયુચર રોકાણ
(૧)હેવેલ્સ ઇન્ડિયા (૧૫૦૫) : કન્ઝયુમર ઇલકેટ્રોનિકસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૩ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)અદાણી પોર્ટ (૧૪૧૯) : અ /ઝ+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૩૮૮) : રૂ.૧૩૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૪૪ બીજા સપોર્ટથી રિફાઇનરી । માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) ભારતી એરટેલ (૧૯૫૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સેલ્યુલર અને ફિકસ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૦ આસપાસ સપોર્ટથી રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૦૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૮ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) HCL ટેકનોલોજી (૧૪૮૪) : રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૧૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૫૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬)ઓરબિન્દો ફાર્મા (૧૧૩૭) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૭૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૧૪ થી રૂ.૧૧૦૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)કોલ ઈન્ડિયા (૩૭૮): A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૬૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૫૫ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૯૩ થી રૂ.૪૦૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨)રેલ વિકાસ નિગમ (૩૪૦)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૧૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૩૫૭ થી રૂ.૩૬૪ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૩૧૫)ઃ રૂ.૩૦૩નો પ્રથમ તેમજ રૂ.૨૮૮ ના બીજા સપોર્ટથી ટૂંકાગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪)આરબીએલ બેન્ક (૨૮૦)ઃ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૬૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫)એલએન્ડટી ફાઈનાન્સ (૨૫૦) : રૂ.૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૨૩૦ના સ્ટ્રોંગ સપોર્ટથી નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૭ થી રૂ.૨૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬)રાઇટ્સ લિમિટેડ (૨૪૭) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૩૪ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૬૩ થી રૂ.૨૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)શિપિંગ કોર્પોરેશન (૨૨૩) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૦૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૨૩૭ થી રૂ.૨૪૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮)ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (૧૫૫) :ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી । માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦ આસપાસ સપોર્ટથી રોકાણકારે રૂ.૧૬૪ થી રૂ.૧૭૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૩ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)IDBI બેન્ક (૮૮) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૪ થી રૂ.૧૦૩ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨) HFCL લિમિટેડ (૭૦)ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરનાં આ સ્ટોકને રૂા.૬૪ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૮ થી રૂ.૮૪ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
(૩) ટાટા ટેલિસર્વિસીસ (૫૭) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦ નો પ્રથમ તેમજ રૂ.૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટેલિકોમ-સેલ્યુલર અને ફિકસ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂા.૬૩ થી રૂ.૬૭ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) IRB ઇન્ફ્રાસ્ટ્રકચર (૪૨) : રૂ.૩૭ના સ્ટ્રોંગ સપોટ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૪૭ થી રૂ.૫૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
જીએસટી ઘટાડાથી વસ્તુઓ સસ્તી, વેચાણમાં ભારે વૃદ્ધિ…!!
આ વર્ષે નવરાત્રિના તહેવારો દરમિયાન રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓ અને રિટેલર્સે દાયકાનો રેકોર્ડ તોડી નાખે એવું જોરદાર વેચાણ નોંધાવ્યું છે. જીએસટી દરમાં થયેલા ઘટાડા અને તહેવારોને અનુલક્ષી આકર્ષક ઓફરોને કારણે ગ્રાહકોની ખરીદીમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. આ જ પ્રવૃત્તિ દિવાળી અને બાદની સિઝનમાં પણ ચાલુ રહેવાની ધારણા વ્યક્ત થઈ રહી છે. નવા જીએસટી દર ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થયા બાદ લગભગ ૪૦૦ ચીજવસ્તુઓ પર કરમાં રાહત મળી છે.
અહેવાલો મુજબ અનેક બ્રાન્ડ્સે પોતાના વેચાણમાં ૨૫% થી લઈને ૧૦૦% સુધીની વૃદ્ધિ નોંધાવી છે. લાંબા સમયથી સુસ્ત પડેલા બજારમાં આ કંપનીઓ માટે મોટો હકારાત્મક સંકેત છે. મોટાભાગની કંપનીઓએ જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકોને આપ્યો છે, તેમજ વધારાના તહેવારી ડિસ્કાઉન્ટ્સથી માંગને વધુ ગતિ મળી છે.
ઓટો સેક્ટરમાં મારૂતિ સુઝુકીએ નવરાત્રિ દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં બમણું વેચાણ નોંધાવ્યું છે, જે છેલ્લા દસ વર્ષનું શ્રેષ્ઠ પરિણામ છે. કંપનીને માત્ર નવરાત્રિ દરમિયાન જ ૭૦૦,૫૩૦ પૂછપરછો મળી હતી. મહિન્દ્રા, હ્યુન્ડાઇ સહિતની અન્ય કંપનીઓના વેચાણમાં પણ તેજી જોવા મળી છે. નાની કારથી લઈને એસયુવી અને મલ્ટી-પરપઝ વ્હીકલ સુધી તમામ સેગમેન્ટમાં માંગ વધેલી છે.
ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે પણ મોટો ઉછાળો નોંધાયો છે. હેયરના વેચાણમાં ૮૫% નો વધારો થયો છે, જ્યારે મોંઘા ૮૫ થી ૧૦૦ ઇંચના ટેલિવિઝનનો દિવાળીના પહેલા જ સ્ટોક પૂરો થઈ ગયો છે. ટીવી, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને ડીશવોશર જેવા ઉપકરણોમાં કિંમતો ઘટતાં વેચાણમાં દસકા આંકડાની વૃદ્ધિ થઈ છે.દેશના મોટા શહેરોના મોલ્સ, સુપરમાર્કેટ્સ અને રિટેલ સ્ટોર્સે પણ ગયા વર્ષની તુલનામાં ૨૦-૨૫% વધુ વેચાણ નોંધાવ્યું છે. ખાસ કરીને સ્માર્ટફોન, બ્રાન્ડેડ રેડીમેડ કપડાં, ફેશન એસેસરીઝ અને લાર્જ સ્ક્રીન ટીવી માટે ગ્રાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. બે-વ્હીલર સેગમેન્ટમાં ગ્રાહકોની આવક બમણી થઈ છે, ખાસ કરીને બાઇક્સ અને ઇલેક્ટ્રિક સ્કૂટર્સની માંગમાં જોરદાર વધારો થયો છે.
PSUબેંકોમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો,ખાનગી બેંકોમાં નબળાઈ…!!
જુલાઈ – સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ખાનગી બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ સારો દેખાવ કર્યો હતો. એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના અહેવાલ અનુસાર,ખાનગી બેંકોના પ્રદર્શન પર વ્યવસાયિક અનિશ્ચિતતાઓ અને બજારની નબળી ભાવનાનો પ્રભાવ રહ્યો હતો. વિશ્લેષણ મુજબ એચડી એફસી બેંકના બજાર મૂડીકરણમાં ૪.૮% અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ૬.૭% ઘટાડો નોંધાયો હતો. કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંક સહિત અન્ય ખાનગી બેંકોમાં પણ ઘટાડાનો ઝોક રહ્યો હતો.તેની સામે, જાહેર ક્ષેત્રની બેંકોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. ઈન્ડિયન બેંકે બજાર મૂડીકરણમાં ૧૬.૭% નો ઉછાળો નોંધાવ્યો – જે ટોચની ૨૦ બેંકોમાં સૌથી વધુ હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બજાર મૂડીકરણમાં ૧૦% નો વધારો નોંધાયો હતો, જ્યારે કેનેરા બેંક ૮.૩%, બેંક ઓફ બરોડા ૩.૯% અને પંજાબ નેશનલ બેંક ૨.૧% વધ્યા હતા.ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકે ત્રીજા ત્રિમાસિક ગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેમાં બજાર મૂડીકરણમાં ૧૫.૭% નો ઘટાડો નોંધાયો હતો. કુલ ૨૦ મુખ્ય બેંકોમાંથી ૧૨ બેંકોએ ત્રીજા ક્વાર્ટરમાં પોતાનું બજાર મૂડીકરણ ગુમાવ્યું હતું.
સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની ગતિ ધીમી, છતાં વેપાર ભાવિ અંગે આશાવાદ યથાવત…!!
સપ્ટેમ્બર મહિનામાં ભારતના સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ થોડું ધીમી પડી છે.એસએન્ડપી ગ્લોબલદ્વારા તૈયાર કરાયેલએચએસબીસી સર્વિસ પીએમઆઈઓગસ્ટના ૬૨.૯૦ની સરખામણીએ ઘટીને૬૦.૯૦રહ્યો છે. નિકાસ તથા વેપાર પ્રવૃત્તિ મંદ પડવાથી તથા નવા ઓર્ડર અને રોજગારમાં મંદ વૃદ્ધિને કારણે આ ઘટાડો નોંધાયો છે.જો કે, સતત ચોથા મહિને પીએમઆઈ ૬૦ની ઉપર રહ્યો છે, જે દર્શાવે છે કે સેવા ક્ષેત્ર હજુ પણ વિસ્તરણ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટનો ઈન્ડેકસ પંદર વર્ષની ટોચે રહ્યો હતો. સામાન્ય રીતે પીએમઆઈ ૫૦થી ઉપર રહે ત્યારે તે ક્ષેત્રમાં વિસ્તરણ દર્શાવે છે, જ્યારે ૫૦થી નીચેના પીએમઆઈ સંકોચનનો સંકેત આપે છે.રિપોર્ટ મુજબ, નવા ઓર્ડર, નિકાસ અને રોજગાર વૃદ્ધિમાં ધીમાપોજોવા મળ્યો છે, તેમ છતાં કુલ કામકાજની સ્થિતિ હજી પણ સાનુકૂળ છે. અમેરિકા દ્વારા ઓગસ્ટથી લાગુ કરાયેલ ટેરિફ છતાં સેવા ક્ષેત્રની વૃદ્ધિ પર વિશેષ અસર જોવા મળી નથી.વેપાર ભાવિ અંગે કંપનીઓમાં આશાવાદ મજબૂતરહ્યો છે. સેવા ક્ષેત્રમાં ભવિષ્ય પ્રવૃત્તિ ઈન્ડેકસ માર્ચ બાદ ઊંચી સપાટીએ રહ્યો છે, જે દર્શાવે છે કે કંપનીઓ આગામી મહિનાઓમાં વૃદ્ધિની આશા રાખી રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય માગમાં સુધારો ધીમો રહ્યો છે અને નિકાસ વૃદ્ધિ દર માર્ચ બાદના નીચલા સ્તરે નોંધાયો છે. સેવા માટેના દર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નહીં રહેતા નવા ઓર્ડરમાં વધારો મર્યાદિત રહ્યો છે. રોજગાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ ધીમી રહી છે – સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી પાંચ ટકા કરતાં પણ ઓછી કંપનીઓએ નવા કર્મચારીઓની ભરતી કરી હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનિય છે કે ગયા સપ્તાહે જાહેર થયેલાઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) પીએમઆઈમાં પણ ઘટાડો નોંધાયો હતો – ઓગસ્ટમાં ૫૯.૩૦થી ઘટીને સપ્ટેમ્બરમાં ૫૭.૭૦, જે છેલ્લા ચાર મહિનાનો તળિયો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓના પરિણામો સામાન્ય રહેવાની શક્યતા…!!
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓની કામગીરી સામાન્ય રહેવાની સંભાવના છે. નિફ્ટી કંપનીઓ માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે આશરે ૬-૭% વધવાનો અંદાજ છે. ક્વાર્ટર દરમિયાન માંગનું વાતાવરણ ધીમું રહેતા અને ૨૨ સપ્ટેમ્બર સુધી ખર્ચ રોકી રાખવામાં આવતા ગ્રાહકલક્ષી કંપનીઓના પરિણામો સામાન્ય રહેવાની શક્યતા છે.ત્રિમાસિક ગાળામાં રૂપિયામાં ૩%થી વધુનો ઘટાડો નિકાસકારો માટે આકરો પુરવાર થયો છે. સાથે જ ભારે અને લાંબા ચોમાસાના કારણે પેઇન્ટ અને ફાસ્ટ-ફૂડ ક્ષેત્રના વેચાણ પર પણ અસર પડી હોવાનું મનાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં તેલ-ગેસ, ધાતુઓ અને સિમેન્ટ જેવા ક્ષેત્રોમાં સુધારાની ધારણા છે, જ્યારે બેંકોના પરિણામો નબળા રહેવાની શક્યતા છે. ચોખ્ખા વ્યાજ માર્જિનમાં સંકોચન અને ટ્રેઝરી આવકમાં ઘટાડાને કારણે બેંકિંગ ક્ષેત્રની આવક વૃદ્ધિ પર અસર થવાની સંભાવના છે.
સોનામાં વૈશ્વિક રોકાણ વધ્યું, યુ.એસ. ટોચે અને ભારત ટોપ ૧૦…માં!!
વર્ષ૨૦૨૫માં વિશ્વભરમાં સોનાની ખરીદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધી સોનાના ભાવમાં આશરે ૪૮% જેટલો વધારો નોંધાયો છે. આ ઉછાળાના મુખ્ય કારણોમાં વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની સતત ખરીદી, વૈશ્વિક રાજકીય તણાવ અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓનો સમાવેશ થાય છે. સોનાને હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે સરળતાથી વેપારયોગ્ય છે અને લાંબા ગાળે સ્થિર વળતર આપે છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના આંકડા મુજબ, જુલાઈ ૨૦૨૫ સુધી વિશ્વની કેન્દ્રીય બેંકો પાસે કુલ૩૬,૩૫૯ ટન સોનુંહતું.
સૌથી વધુ સોનું યુનાઇટેડ સ્ટેટ્સ પાસે છે – આશરે૮,૧૩૩ ટન. તેના પછી જર્મની, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ , ઇટાલી અને ફ્રાન્સનો ક્રમ આવે છે. ભારત ૮૮૮ ટન સોનું ધરાવતું વિશ્વમાં નવમા ક્રમે છે, જ્યારે જાપાન ૮૪૬ ટન સાથે દસમા સ્થાને છે. ભારતે ૨૦૨૫માં અત્યાર સુધીમાં કુલ ૩.૮ ટન સોનું ખરીદ્યું છે – જેમાં જાન્યુઆરીમાં ૨.૮ ટન, માર્ચમાં ૦.૬ ટન અને જૂનમાં ૦.૪ ટનની ખરીદીનો સમાવેશ થાય છે. આ પગલાથી ભારતના સોનાના ભંડારને વધુ મજબૂતી મળી છે અને તે દર્શાવે છે કે ભારત લાંબા ગાળે સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોવાનું ચાલુ રાખે છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, ઓગસ્ટ ૨૦૨૫માં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ મળીને ૧૫ ટન સોનું ઉમેર્યું હતું. કઝાકિસ્તાનની નેશનલ બેંક સતત છઠ્ઠા મહિનાથી સોનું ખરીદી રહી છે અને હવે તેની પાસે ૩૧૬ ટનસોનું છે. બલ્ગેરિયાએ પણ ઓગસ્ટમાં ૨ ટન ઉમેર્યું હતું – જે જૂન ૧૯૯૭ પછીનો તેનો સૌથી મોટો માસિક વધારો છે. તે જ રીતે, ચીનની પીપલ્સ બેંક સતત દસમા મહિનાથી સોનાની ખરીદી કરી રહી છે. હાલમાં તેની પાસે ૨,૩૦૦ ટનથી વધુ સોનું છે, જે તેના કુલ આંતરરાષ્ટ્રીય અનામતના આશરે ૭% જેટલું છે. નિષ્ણાંતોના મતે, વૈશ્વિક તણાવ વચ્ચે સોનામાં રોકાણનું પ્રમાણ વધતું રહેવાની શક્યતા છે, કારણ કે કેન્દ્રીય બેંકો પોતાના વિદેશી ચલણ અનામતનું વિવિધીકરણ કરવા ઈચ્છે છે.

