New Delhi, તા.૨૯
શિવસેના સાંસદ Sanjay Raut સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અંગેની ટિપ્પણી સાથે જોડાયેલા કોર્ટની અવમાનનાના મામલે બિનશરતી માફી માગી છે. રાઉતે કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે ન્યાયતંત્રની ગરિમા, સ્વતંત્રતા અને સત્તાનું અપમાન કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. જોકે, સુપ્રીમ કોર્ટે તેમને આગામી ૧૭ નવેમ્બરે વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. હવે આ સુનાવણીમાં કોર્ટ તેમના માફીનામા અંગે વિચારણા કરશે.
Sanjay Raut પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેઓ પોતાની સ્વેચ્છાથી બિનશરતી માફી માગી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની ગરિમા અને પ્રતિષ્ઠા જાળવવી મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવતાં તેમણે સ્પષ્ટ કર્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા કે સત્તાને ઓછી કરવાનો તેમનો કોઈ આશય નહોતો. અગાઉ સુપ્રીમ કોર્ટે આ મામલે રાઉતને કોર્ટની અવમાનના સંબંધિત નોટિસ પાઠવી હતી. જોકે, ૨૮ ઓક્ટોબરે થયેલી સુનાવણી દરમિયાન રાઉત તરફથી કોઈ વકીલ હાજર રહ્યા નહોતા અને કોર્ટના રેકોર્ડમાં તેમનું માફીનામું પણ નોંધાયેલું ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કોર્ટે તેમને વ્યક્તિગત રીતે હાજર રહેવા આદેશ આપ્યો હતો.
હવે માફીનું સોગંદનામું રજૂ થયા બાદ પણ ૧૭ નવેમ્બરે તેમની હાજરી જરૂરી રહેશે. આ દરમિયાન કોર્ટ માફીનામા અને કેસ સાથે જોડાયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લઈ શકે છે.
આ સમગ્ર વિવાદ સંજય રાઉતની સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો હતો. તેમણે અલ્બાનિયામાં થયેલાં હિંસક પ્રદર્શનોનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સાથેની ટિપ્પણીમાં તેમણે ભ્રષ્ટ વડાપ્રધાનોને મદદ કરવાના આરોપો અને ન્યાયતંત્ર સામેના વિરોધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારત સહિત અન્ય દેશોએ પણ આ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ તેવી વાત કરી હતી.
આ પોસ્ટને પગલે રાજકીય વિવાદ ઊભો થયો હતો. ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)એ રાઉતની ટિપ્પણી સામે વાંધો ઉઠાવી તેમના પર દેશમાં અરાજકતા ફેલાવવાનો, હિંસાને પ્રોત્સાહન આપવાનો અને ન્યાયતંત્રને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
સંજય રાઉતે માફી માગીને ન્યાયતંત્ર પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ આ માફીનો સ્વીકાર કરે છે કે નહીં તે મહત્ત્વપૂર્ણ રહેશે. ૧૭ નવેમ્બરે યોજાનારી સુનાવણીમાં તેમના સોગંદનામા અને કેસની અન્ય વિગતોની સમીક્ષા બાદ આગળનો નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યાં સુધી આ મામલે કોર્ટની કાર્યવાહી પર રાજકીય વર્તુળો અને કાનૂની ક્ષેત્રની નજર રહેશે.

