ગોડાઉનમાં રાખેલા ફાઈબરના સેટ ચપેટમાં આવતા આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ત્રણ ફાયર ફાઇટરોએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો,
Rajkot તા.૨૯ઃ
શહેરના માધાપર ચોકડી નજીક વોરા સોસાયટી પાસે આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં ગઈકાલે સમીસાંજે ભીષણ આગ ભભુકતા નાસભાગ મચી હતી. ઝેડ ઇવેન્ટ નામના ગોડાઉનમાં આગનો કોલ મળતા ત્રણ ફાયર ફાઇટરો દોડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પણ આગની ઘટનામાં આશરે એકાદ કરોડની મતા બળીને ખાખ થઇ ગઈ હતી. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
આગની ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર માધાપર ચોકડી નજીક વોરા સોસાયટી સામે ભરત ઓઇલ મીલ સમર્થ પેકેજીંગ ગોડાઉન જેમાં હાલ મંડપ સર્વિસનો સામાન રાખવામાં આવે છે તે મંડપ સર્વિસના ઝેડ ઇવેન્ટ છે તેના ગોડાઉનમાં ગઈકાલે સાંજના સાતેક વાગ્યે આસપાસ આગની ઘટના બની હતી. જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પ્રથમ રામાપીર સ્ટેશનથી એક ફાયર ફાઈટર બનાવસ્થળે પહોંચ્યું હતું. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય સ્થિતિની ગંભીરતાને જાણી તુરંત અન્ય ફાયર ફાઇટર તેમજ રેલનગરથી એક ફાયર ફાઈટર સહિત કુલ ત્રણ ફાયર ફાઈટર અહીં આગ બુજાવાની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા હતા.ફાયરના સ્ટાફ દ્વારા અંદાજિત બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગના લીધે અહીં પેસેજ લોન્જ, મેઇન સ્ટેજ સહિતની જગ્યાઓએ સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. જોકે, નજીકમાં જ આવેલા કારખાના સુધી આગ પ્રસરતા અટકાવવામાં આવી હતી. જેના લીધે મોટી દુર્ઘટના બનતા અટકી હતી.
આગની આ ઘટના અંગે વધુમાં મળતી વિગતો મુજબ, સાધુ વાસવાણી રોડ પર ગણેશપાર્ક સફર એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ સુભાષભાઈ મકાતી કે જેઓ ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેમણે આગની ઘટના અંગે જાણ કરી હતી.
આગની આ ઘટના અંગે જયેશભાઇ મકાતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં દાખલ કરવવામાં આવેલી જાણવા જોગ એન્ટ્રીમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, તેમના કૌટુંબિક ભાઈ ધર્મેશભાઈ કિશોરભાઈ મકાતીએ માધાપર ચોકડી નજીક વોરા સોસાયટીમાં ભરત ઓઇલ તરીકે ઓળખાતા ગોડાઉનમાં મંડપ સર્વિસનો માલ સામાન રાખે છે અને મંડપ સર્વિસનું નામ ઝેડ ઇવેન્ટ છે. જેમાં આગની ઘટના બની હતી. અહીં અલગ અલગ મંડપ સર્વિસનો માલ જેમાં ફાઇબરના સેટ, ફાઇબરના મંદિરની થીમ, ફાઇબરના ઈજીપ્ત થીમ, ચાઇના થીમ, રોમન થીમ તથા અન્ય ફાઇબરનો માલ પ્લાયવુડના સેટઅપ રાખ્યા હતા. આગની આ ઘટનામાં ગોડાઉનના મેદાનમાં રાખેલ સામાન સળગીને ખાખ થઈ ગયો હતો અને ગોડાઉનની દિવાલની સાઈડમાં આવેલી દિવાલ પાસે પણ સનસીટી બેગના ગોડાઉન બહાર શેરીમાં દિવાલ પાસે બેગના કચરામાં આગ લાગી હતી.આગની આ ઘટનામાં મંડપ સર્વિસના ગાડાઉનમાં સામન સળગી જતા અંદાજિત એકાદ કરોડનું નુકસાન થયું હોવાનું જયેશભાઈ જણાવ્યું હતું.
મંડપ સર્વિસના ગોાઉનમાં આગ કયાં કારણોસર લાગી હતી તે હજુ સ્પષ્ટ થયું નથી જેથી અહીં આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે જેના આધારે આગ લાગવાનું સચોટ કારણ સામે આવશે.

