બાલાજી જવેલર્સના કરણભાઈ દોશીએ ૨૩૦૦ ગ્રામ સોના માટે મારૂતી જવેલર્સ પેઢીના સંચાલકને થી રૂપીયા આપ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો
રમેશચંદ્ર એન્ડ સન્સ નામની સોનાની પેઢીનું ૫ કિલો સોનુ ઓળવી ગયાની ફરીયાદ નોંધાઈ હતી
Rajkot તા.૩૧ઃ
દિવાળી પૂર્વ જ સોની બજારમાંથી બુલિયન પેઢીનું કરોડોમાં ઉઠમણું થતાં વેપારીઓમાં મોટો ફફડાટ ફેલાયો હતો. સોની બજારમાં આવેલ મારૂતી જવેલર્સ પેઢીનો સંચાલક ૭.૭૭ કરોડનું ફુલેકુ ફેરવી ભૂગર્ભમાં ઉતરી જતાં વેપારીઓ પોલીસ મથકે દોડી ગયાં હતાં અને જે મામલે એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી અન્ય ભોગ બનનારને સામે આવવા અપીલ કરતા પેલેસ રોડ પર પેઢી ધરાવતા વેપારી પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેમની સાથે પણ આરોપીએ રૂ.૩.૫૨ કરોડની ઠગાઈ આચરી હોવાની વાત કરતાં વધું એક સાહેદ તરીકે જોડી આરોપીની સૌરાષ્ટ્રભરમાં તપાસ આદરી છે.
બનાવ અંગે જોઈએ તો જુની ગધીવાડ શેરીમાં રમેશચંદ્ર એન્ડ સન્સ નામની સોનાની પેઢી ધરાવતાં જતીનભાઈ પાટડીયાએ આરોપી હસમુખ ઉર્ફે હસુને રૂ.૭.૭૬ કરોડનું ૫ કિલો ફાઇન સોનુ કમીશનથી વેંચવા આપ્યું બાદ ફોન સ્વીચઓફ કરી શહેરમાંથી પોબારા ભણી ગયો હતો અને અન્ય ત્રણ વેપારી પાસેથી સોના ખરીદવાના રોકડ રૂ.૫૨ લાખથી વધુની રકમ પણ પડાવી લીધાનું સામે આવ્યું હતું.
જે મામલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.વી.વાઢીયાએ ગુનો નોંધ્યા બાદ સોની વેપારીઓને અપીલ પણ કરી હતી કે, જો કોઈ આરોપી હસમુખ ઉર્ફે હસુનો ભોગ બન્યા હોય તો તેઓ પણ પોલીસ મથકે આવી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. જે બાદ આ આરોપીનો ભોગ બનનાર અને પેલેસ રોડ પર બાલાજી જ્વેલર્સ નામની પેઢી ધરાવતા વેપારી કરણભાઈ પરેશભાઈ દોશી ગઈકાલે પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી પાસેથી તેઓને ૨૩૦૦ ગ્રામ સોનુ ખરીદવાનું હતું. જે મામલે બંને વાતચીત થયા બાદ આરોપીને તેઓએ આરટીજીએસ મારફત ૩.૫૨ કરોડ ટ્રાન્સફર કર્યા હતાં. જે બાદ આરોપી ફોન સ્વીચઓફ કરી ફરાર થઇ ગયો હતો.
જે મામલે પોલીસે અગાઉ નોંધેલ ફરીયાદમાં વેપારીને સાહેદ તરીકે જોડી આરોપીને પકડવા સૌરાષ્ટ્રભરમાં દરોડા પાડ્યા છે. ઉપરાંત હાલ સુધીમાં આરોપીઓએ કુલ ૧૧.૨૯ કરોડની છેતરપિંડી આચાર્યની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

