New Delhi, તા.૩૧
પાકિસ્તાનના કરાચી બંદર પર એક Indian ship પાછલા ૭ મહિનાથી ફસાયેલું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આ જહાજ પર ચીફ ઓફિસર વિનીત કિશોર મિશ્રા સહિત ૬ ભારતીય નાવિકો અટવાયેલા છે. લાંબા સમયથી વતન વાપસી ન થતાં નાવિકોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે, જેને પગલે ચીફ ઓફિસરનો પરિવાર પોતાના બાળકો સાથે દિલ્હી પહોંચીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રાલય સમક્ષ જહાજ પર ફસાયેલા તમામ ભારતીય નાવિકોને સુરક્ષિત પરત લાવવા આજીજી કરી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે રહેતા વિનીત કિશોર મિશ્રાએ ૨૫ ફેબ્રુઆરીના રોજ ઈરાનના બંદર અબ્બાસ નજીક સમુદ્રમાં આ કાર્ગો શિપ પર પોતાની ડ્યુટી જોઈન કરી હતી. આ જહાજ ૧૭ એપ્રિલના રોજ પાકિસ્તાનના કરાચી બંદર પર પહોંચ્યું હતું. ત્યાર બાદ, સ્થાનિક કોર્ટના આદેશને પગલે ૨૯ એપ્રિલથી આ જહાજને ત્યાં અટકાવી રાખવામાં આવ્યું છે. પોતાના એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં આ ભારતીય નાવિકોને જહાજ પરથી ઉતરવાની મંજૂરી આપવામાં આવી નથી.ચીફ ઓફિસર વિનીત મિશ્રાએ ભારતીય દૂતાવાસને પત્ર લખીને આ અંગે જાણ કરી હતી.
નાવિકોનો આરોપ છે કે તેમના પાસપોર્ટ અને સિફેઅરર્સ બુક સ્થાનિક અધિકારીઓ અથવા જહાજના એજન્ટના કબજામાં છે, જેના કારણે તેઓ જાતે પણ ભારત પરત ફરવાની વ્યવસ્થા કરી શકતા નથી. જહાજ પર પાછલા ઘણા સમયથી વીજળી પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. નાવિકોને બંદર પ્રશાસન તરફથી જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ જરૂરી પુરવઠો ન હોવાથી ક્રૂ મેમ્બર્સની તબિયત લથડી રહી છે અને તેમની જાન પર ગંભીર જોખમ ઊભું થયું છે.લગાતાર પ્રયાસો છતાં કોઈ ઉકેલ ન આવતા વિનીતની પત્ની નેહા તેમના ૩ વર્ષના પુત્ર વેદાંશ, ૧૦ મહિનાની પુત્રી અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા સસરા લલિત કિશોર મિશ્રા સાથે દિલ્હી પહોંચ્યા છે. પરિવાર પહાડગંજની એક હોટેલમાં રોકાયો છે અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ તથા નેતાઓને મળીને મામલામાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી રહ્યો છે.
નેહાના જણાવ્યા મુજબ, ૩ વર્ષનો પુત્ર વારંવાર પિતા વિશે પૂછે છે અને હાલમાં પરિવાર સસરાની પેન્શન પર જ ગુજારા કરી રહ્યો છે.આ સંવેદનશીલ મુદ્દે સ્થાનિક સાંસદ અને વિધાયકે પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને મદદની ગુહાર લગાવી છે. પરિવારને પૂર્ણ આશા છે કે ભારત સરકારના તાત્કાલિક રાજદ્વારી હસ્તક્ષેપથી પાકિસ્તાનમાં ફસાયેલા તમામ ૬ ભારતીય નાવિકો ટૂંક સમયમાં જ સહીસલામત પોતાના ઘરે પરત ફરશે.

