ઘર નજીક રહેતા શખ્સે પ્રેમજાળમાં ફસાવી ત્રણ વાર દેહ ચૂંથ્યો
Rajkot તા.૩૧ઃ
શહેરના સંત કબીર રોડ નજીક રહેતી અને ધો.-૧૧ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઘર નજીક રહેતા શખ્સે ત્રણ વાર દુષ્કર્મ આચરી લીધો હતો. બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સંત કબીર રોડ નજીક રહેતા અને ચાંદીકામની મજૂરી કરતા પિતાએ પુત્રી સાથે બનેલી ઘટના અંગે ફરીયાદ આપતાં આરોપી તરીકે શુભમ નામના શખ્સનું નામ આપ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પત્નિ અને બે પુત્રી સાથે રહે છે. તેઓ ચાંદીકામ અને કેટરીંગ સર્વિસમાં મજૂરી કરે છે. તેમની નાની પુત્રી ૧૬ વર્ષ ચાર મહિનાની છે અને ધો.-૧૧ માં અભયાસ કરે છે. તેમના ઘર નજીક રહેતા શુભમ નામના શખ્સે સગીરાને એક વર્ષથી પ્રેમજાળમાં ફસાવી લીધી હતી અને પુત્રી જયારે ઘરે એકલી હોય ત્યારે અલગ અલગ સમયે ત્રણ વાર ઘરે આવી સગીરા પર દુષ્કર્મ ગુજારી લીધું હતું. જે અંગે પરિજનોને જાણ થતાં તેમણે જે તે સમયે શુભમને સગીર પુત્રીનો પીછો છોડી દેવા સમજાવ્યો હતો પણ હવસખોર શખ્સ સમજ્યો ન હતો.
દરમિયાન ગઈકાલે શુભમની ચડામણીથી સગીરા ઘરેથી એકલી નીકળી ગઈ હતી. જેથી દીકરી ઘરે નહિ મળી આવતા પરિજનોએ પુત્રીની શોધખોળ આદરી હતી. દરમિયાન એક જાગૃત નાગરિકે સગીરાને સંત કબીર રોડ નજીક એકલી અને મૂંઝવણ ભરેલી સ્થિતિમાં જોતા ૧૧૨ હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. જેથી તાતકાલિક ૧૧૨ ની ટીમ દોડી આવી હતી અને સગીરાનું ઘર-સરનામું જાણી તેણીને થોરાળા પોલીસ મથકે લઇ આવ્યા હતા. જ્યાંથી પોલીસે સગીરાના માતા-પિતાને જાણ કરતા તેઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા.
બાદમાં પોલીસે માતા-પિતાણી હાજરીમાં સગીરાની કુનેહપૂર્વક પૂછપરછ કરતા તેણી પર શુભમ નામના શખ્ઝે અલગ અલગ સમયે ત્રણ વાર ઘરે ધસી આવી દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું. જેથી પીઆઈ શક્તિસિંહ સોઢાની ટીમે બનાવની ગંભીરતાને પારખી તાત્કાલિક પિતાને બનાવ મામલે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પીડિતાના પિતાએ ફરીયાદી આપતાં થોરાળા પોલીસે શુભમ નામના શખ્સ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક આરોપીને હાથવેંતમાં લીધો હતો. આરોપી પુખ્યવયનો છે કે સગીર તે અંગે હવે પોલીસે તપાસ આદરી છે.

