New Delhi, તા.૯
દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીની રવિવારે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશના વિવિધ શહેરોમાં ઘરો, બજારો, મંદિરો અને ઐતિહાસિક સ્થળો દીવાઓ, મીણબત્તીઓ તથા રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યાં હતાં. ક્યાંક આકાશમાં ફટાકડાની આતશબાજી જોવા મળી હતી, તો ક્યાંક હજારો દીવાઓ પ્રગટાવીને તહેવારની ખુશીઓ મનાવવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકથી લઈને પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર સુધી દિવાળીની ભવ્ય રોનક જોવા મળી હતી. જોકે, એક તરફ દેશભરમાં ઉત્સવનો માહોલ હતો, તો બીજી તરફ દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણે ચિંતા વધારી હતી.
દિવાળીના પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને મીઠાઈઓ અને ભેટસોગાદો આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીર સહિત દેશના વિવિધ રાજ્યોમાં ધાર્મિક સ્થળો અને જાહેર વિસ્તારોને વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરનો ઐતિહાસિક લાલ ચોક દિવાળીના અવસરે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીં આવેલા પ્રખ્યાત ઘંટાઘરને હજારો દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. સાંજ પડતાં જ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. લોકોએ દીવાઓ પ્રગટાવીને અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. કાશ્મીર ખીણના અન્ય વિસ્તારોમાં પણ સુરક્ષા દળોએ પોતાની છાવણીઓમાં દીવાઓ પ્રગટાવીને અને મીઠાઈઓ વહેંચીને તહેવાર મનાવ્યો હતો.
પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર ખાતે દિવાળીની સાથે શીખ ધર્મનો પવિત્ર તહેવાર ’બંદી છોડ દિવસ’ પણ પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે સમગ્ર સુવર્ણ મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સાંજે પવિત્ર સરોવરના કિનારે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને ભવ્ય આતશબાજીએ આકાશને ઝળહળતું કરી દીધું હતું.
શીખ ધર્મના છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોવિંદ સાહિબની મુઘલ કેદમાંથી મુક્તિની યાદમાં બંદી છોડ દિવસ ઉજવવામાં આવે છે. ઐતિહાસિક માન્યતા મુજબ, વર્ષ ૧૬૨૦માં ગુરુ હરગોવિંદ સાહિબની સાથે અન્ય ૫૨ રાજાઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના અમૃતસર આગમન નિમિત્તે લોકોએ દીવાઓ પ્રગટાવીને ખુશી વ્યક્ત કરી હતી.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં બાળકોએ આકાશમાં સ્કાય લેન્ટર્ન ઉડાડીને દિવાળીની ઉજવણી કરી હતી. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસરને માટીના દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ મંદિરોમાં દર્શન કરીને તહેવારની ખુશીઓ મનાવી હતી. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના શાંતિનિકેતનમાં યુવતીઓએ ફુલઝડી સળગાવીને ઉજવણી કરી હતી, જ્યારે નાદિયા જિલ્લામાં મહિલાઓએ રંગોળીની આસપાસ દીવાઓ પ્રગટાવીને દિવાળીની રોનક વધારી હતી.
રાજસ્થાનના જયપુર સ્થિત મ્છઁજી શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં દિવાળીના અવસરે વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. બીજી તરફ પંજાબ, હરિયાણા અને ચંદીગઢનાં શહેરોમાં બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘરો, દુકાનો અને ધાર્મિક સ્થળોને દીવાઓ, મીણબત્તીઓ તથા રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યાં હતાં.
દેશભરમાં દિવાળીની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ રાજધાની દિલ્હીમાં ફટાકડાના ધુમાડાને કારણે હવાની ગુણવત્તા કથળી હતી. રવિવારે સાંજે અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ ગયું હતું અને હવામાં ધુમાડાની ગંધ અનુભવાઈ હતી.
પ્રાપ્ત આંકડા મુજબ, રવિવારે સાંજે ૭ વાગ્યે દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (છઊૈં) ૩૭૧ નોંધાયો હતો, જ્યારે સમગ્ર દિવસનો સરેરાશ છઊૈં ૩૭૬ રહ્યો હતો. આ અગાઉ શનિવારે છઊૈં ૩૬૯ નોંધાયો હતો. દિલ્હીનાં ૫૯ હવા ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રોમાંથી ૧૯ કેન્દ્રો પર હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં નોંધાઈ હતી. જહાંગીરપુરી વિસ્તારમાં સૌથી વધુ ૪૬૦ છઊૈં નોંધાયો હતો.
આમ, દેશભરમાં દિવાળીના પર્વે રોશની, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શ્રીનગરના લાલ ચોકથી લઈને અમૃતસરના સુવર્ણ મંદિર સુધી દીવાઓની ઝળહળાટે તહેવારને યાદગાર બનાવ્યો હતો. જોકે, દિલ્હીમાં વધેલા પ્રદૂષણે તહેવારો દરમિયાન પર્યાવરણ અને સ્વચ્છ હવાના મહત્ત્વ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.

