Virpur,તા.૧૭
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ના જીવનમંત્રને સાર્થક કરનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૭મી જન્મજયંતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો બાપાના દર્શનાર્થે વીરપુર ઉમટી પડ્યા છે. પ્રથમ આરતીનો લાભ લેવા સાથે દર્શન કરવા માટે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
જલારામ જયંતિના પાવન અવસરે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા બાપાની સમાધિ પર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારી ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.જન્મજયંતિની ઉજવણીને લઈને સમગ્ર વીરપુર નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. વીરપુરવાસીઓ દ્વારા ઘરે-ઘરે આકર્ષક રંગોળીઓ કરવામાં આવી છે. દરવાજે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે અને ઘરો પર અને ગેસ્ટ હાઉસ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જાણે વીરપુરમાં બીજી દિવાળીનો માહોલ સર્જાયો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
શહેરના મુખ્ય માર્ગો અને અલગ-અલગ ચોકમાં પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તેમજ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યાં હતાં અને જન્મજયંતિના અવસરે બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે વીરપુર પહોંચતા માર્ગો પર ભક્તોની સેવા માટે ઠેર-ઠેર પાણી, સરબત અને છાશના પરબ ઊભા કરવામાં આવ્યા હતાં. વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે ૨૨૭ કિલો બુંદીના પ્રસાદનું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ જલારામ બાપાની જન્મજયંતિની ખુશીમાં કેક કટિંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો
૨૬ વર્ષથી જલારામ બાપાના મંદિરે એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાત સ્વીકારવામાં આવતી નથી. છેલ્લા ૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી અવિરત પ્રમાણે અન્નક્ષેત્ર શરૂ છે. તેમજ સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવના ત્રિવેણી સંગમ સાથે સમગ્ર વીરપુર નગરી જલારામમય બની છે અને દેશ-વિદેશના લાખો ભક્તોની હાજરીથી વીરપુરમાં ભક્તિમય માહોલ છવાયો હતો

