Ahmedabad , તા.૨૪
હિંદુઓનાં સૌથી મોટા તહેવાર દિવાળી પર્વમાં નાગરિકો લાખો રૂપિયાનાં ફટાકડા ફોડી ઉજવણી કરી લીધા બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગૃત થયેલાં મ્યુનિ.તંત્ર દ્વારા હવે ફટાકડાનાં ગેરકાયદે સ્ટોલ અને લારીઓ સામે પોલીસ ફરિયાદ સહિતનાં પગલા લેવાની જાહેરાત કરી છે.મ્યુનિ. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ મ્યુનિ.હદમાં છેવાડાનાં વિસ્તારોમાં ધમધમતી ફટાકડાની ફેક્ટરીઓ તે સમયે બંધ કરાવવામાં આવી હતી, તેમજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં બીયુ સહિતનાં નિયમોનુ પાલન કરાવવાનાં નામે ફટાકડાની સંખ્યાબંધ દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. જોકે વિસ્ફોટની દુર્ઘટનાનાં દિવસો બાદ ફટાકડાનાં વેપારીઓએ રાજકીય વગ સાથે રજૂઆતો કરતાં મ્યુનિ.સત્તાધીશોએ વહિવટીતંત્રને ફટાકડાનાં ધંધાર્થીઓ તરફ નરમાશ દાખવવા સૂચના આપી હતી.ત્યારબાદ દિવાળીનો તહેવાર નજીક આવતાં જ તમામ વિસ્તારોમાં ઠેર ઠેર ફટાકડાનાં સ્ટોલ અને લારીઓનો રાફડો ફાટ્યો હતો, જેમાંથી તે સમયે જે તે ઝોનનાં એસ્ટેટ ખાતાની દબાણ ટીમો વગેરેએ ભરપેટ લાભ લીધો હતો. બીજી બાજુ નવા વર્ષનાં દિવસે જ નિકોલમાં બેસતા વર્ષના દિવસે વહેલી સવારે શહેરના નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર આવેલી ઉમા સ્કૂલની સામે કાચા મંડપ ઊભા કરી ફળ, ડ્રાયફ્રુટ, ચંપલ, ફૂલો અને ફટાકડા સહિતની ચીજ વસ્તુઓના સ્ટોલની આગળના ભાગે પણ ફટાકડાના નાના સ્ટોલ અને લારીઓ ઉભી રાખવામાં આવેલી હતી. જેમાં આગ લાગી ત્યારબાદ આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. જેને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.બેસતા વર્ષની ઘટનાને ગંભીરતાથી લઇ મ્યુનિ.કમિશનરે ફટાકડાનાં ગેરકાયદે સ્ટોલ તથા લારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સાથે પોલીસ ફરિયાદ નોંધાવવા એસ્ટેટ તથા ફાયર બ્રિગેડ વિભાગને સૂચના આપી હોવાનુ જાણવા મળ્યુ છે.

