New Delhi,તા.27
શું અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવતા ઈન્ડિયન્સની સંખ્યામાં એક જ વર્ષમાં જંગી ઘટાડો થયો છે? ભારત સરકારે 2026માં અમેરિકાથી પાછા આવેલા ઈન્ડિયન્સનો જે આંકડો જાહેર કર્યો તેના પરથી તો કંઈક આવું જ લાગી રહ્યું છે..
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2026થી અત્યારસુધીમાં 1700 ઈન્ડિયન્સને અમેરિકાથી પાછા મોકલવામાં આવ્યા છે જ્યારે 2025માં ડિપોર્ટ થનારાની સંખ્યા 3300 જેટલી રહી હતી. આ તમામ લોકોની સિટીઝનશિપ વેરિફાઈ કર્યા બાદ તેમને સ્વીકારવામાં આવ્યા હતા.
આ અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એવું પણ કહ્યું હતું કે ભારત સરકાર આ બાબતે વોશિંગ્ટન સાથે સતત સંપર્કમાં છે, જેનો અર્થ એવો થાય છે કે અમેરિકાથી ઈન્ડિયન્સનો ડિપોર્ટ થવાનો સિલસિલો યથાવત રહેવાનો છે.
2025માં ટ્રમ્પે મોટા ઉપાડે માસ ડિપોર્ટેશનનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે આખાય વર્ષ દરમિયાન 3300 જેટલા ઈન્ડિયન્સને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેની સરખામણીએ 2026માં ડિપોર્ટ કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યામાં લગભગ 48 ટકા જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે.
ટ્રમ્પની બીજી ટર્મના બીજા વર્ષમાં ભલે અમેરિકાથી ડિપોર્ટ થનારા ઈન્ડિયન્સનો આંકડો ઘટ્યો હોય પરંતુ તેનો અર્થ એવો પણ નથી થતો કે અમેરિકાથી પાછા આવનારા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે.
ભારત સરકાર દ્વારા જે આંકડા આપવામાં આવે છે તે માત્ર એવા લોકોના છે કે જેમની અમેરિકામાં ICE દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ અમેરિકાની સરકારે તેમને ડિપોર્ટ કર્યા હોય. જેમના ફાઈનલ રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ થઈ ગયા હોય તેમને સ્વેચ્છાએ અમેરિકા છોડવાનો ઓપ્શન પણ આપવામાં આવતો હોય છે.
સેલ્ફ ડિપોર્ટેશન લેનારા લોકો પોતાના પૈસે એર ટિકિટ લઈને ઈન્ડિયા આવતા હોય છે, જેથી તેમનું નામ અમેરિકાથી ડિપોર્ટ થયેલા લોકોના રેકોર્ડમાં નોંધવામાં નથી આવતું.
તેવી જ રીતે જેમની ICE દ્વારા ધરપકડ કરી લેવાઈ હોય તેવા ઘણા લોકો લાંબો સમય જેલમાં ના રહેવું પડે તે માટે રિમૂવલ પેપર્સ પર સાઈન કરી પોતાની રીતે અમેરિકાથી નીકળી જતા હોય છે, તેમના આંકડા પણ યુએસથી ડિપોર્ટ થયેલા ડેટામાં સમાવિષ્ટ નથી હોતા.
આ ઉપરાંત અમેરિકાની સરકારની નજરમાં આવ્યા વિના જ ઈન્ડિયા જવા માટે રવાના થઈ ગયા હોય તેમની સંખ્યા પણ ઘણી મોટી છે, પરંતુ તેમનો કોઈ ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. મતલબ કે, ભારત સરકારે ભલે ડિપોર્ટ થયેલા લોકોનો આંકડો 1700 જણાવ્યો હોય પરંતુ તેની વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી મોટી હોઈ શકે છે.

