Mumbai,તા.12
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર નસીમ શાહ શ્રીલંકા સામેની વન-ડે મેચની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે સોમવારે (10મી નવેમ્બર) સવારે ખૈબર પખ્તુનખ્વાના લોઅર ડીર જિલ્લાના મયાર વિસ્તારમાં આવેલા તેના ઘરે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અહેવાલો અનુસાર, પાંચ અજાણ્યા બંદૂકધારીઓએ નસીમ શાહના ઘરને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારના કારણે ઘરની બહાર પાર્ક કરેલી એક કારને નુકસાન થયું હતું અને ઘરની બારીઓ તૂટી ગઈ હતી. ઘરના મુખ્ય દરવાજા પર પણ ગોળીઓના નિશાન સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.જો કે, ઘટના સમયે ઘરમાં હાજર પરિવારના સભ્યો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે, નસીમ શાહનો જન્મ આ ઘરમાં 2003માં થયો હતો અને આ જ જગ્યાએથી તેણે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.
હુમલાખોરો ગોળીબાર કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. માહિતી મળતા જ મયાર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને ઘટનાના સંબંધમાં પાંચ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. હુમલાખોરોની ઓળખ કરવા માટે પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, નસીમ શાહનો પરિવાર શાંત સ્વભાવનો છે અને તેને કોઈની સાથે દુશ્મનાવટ નથી. આ ઘટના બાદ પોલીસે નસીમ શાહના ઘરની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. પોલીસ આ હુમલા પાછળનો હેતુ અને શંકાસ્પદોની ભૂમિકા જાણવા માટે સઘન તપાસ કરી રહી છે.

