મનનશીલ સંયમી મનુષ્યને સંસાર રાત્રી જેવો દેખાય છે,તે અંગે આ પ્રશ્ન ઉઠે કે શું તે સાંસારીક પદાર્થોના સંપર્કમાં આવતો જ નથી? જો નથી આવતો તો તેનો જીવનનિર્વાહ કેવી રીતે થાય છે? અને જો આવે છે તો તેની સ્થિતિ કેવી રીતે રહે છે? આ બાબતોનું વિવેચન કરવા શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ૨/૭૦માં ભગવાન કહે છે કે
આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્
તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે સ શાન્તિમાપ્નોતિ ન કામકામી
જેમ બધી બાજુંથી ભરપુર,અચળ,પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરૂષમાં કોઇપણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પુરૂષ પરમ શાંતિને પામે છે.ચોમાસા દરમ્યાન નાની-મોટી નદીઓનું જળ ખુબ જ વધી જાય છે,કેટલીય નદીઓમાં પૂર આવી જાય છે પરંતુ તે જળ જ્યારે ચારે બાજુએથી જળ દ્વારા પરીપૂર્ણ સમદ્રમાં આવીને મળે છે ત્યારે સમુદ્ર ઉભરાતો નથી,પોતાની મર્યાદામાં રહે છે,પરંતુ જ્યારે ઉનાળામાં નદીઓનું પાણી ઓછું થઇ જાય છે ત્યારે સમુદ્ર ઘટતો નથી,સમુદ્રમાં કોઇ ફરક પડતો નથી.
માનવીની તમામ એષણાઓ આત્મકામ,આત્મસ્વરૂ૫માં વિલિન થઇ જાય છે ત્યારે જ પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે.સંસારના તમામ ભોગો પરમાત્માતત્વને જાણવાવાળા સંયમી મનુષ્યને પ્રાપ્ત થાય છે અને તેની સામે આવે છે પરંતુ તેના કહેવાતા શરીરમાં કે અંતઃકરણમાં સુખ-દુઃખરૂપી વિકારો પેદા કરી શકતા નથી.આથી તે પરમશાંતિને પ્રાપ્ત થાય છે.તેની જે શાંતિ છે તે ભોગપદાર્થોના કારણે નહી પરંતુ પરમાત્મા તત્વના કારણે હોય છે.
પ્રસિદ્ધિ મનની શાંતિમાં અવરોધ પેદા કરે છે.સફળતા મેળવવા મનને શાંત કરવું આવશ્યક છે.એક અશાંત મનથી સારા પરીણામની આશા રાખી શકાતી નથી.અશાંત મન કોઇપણ કામમાં પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી જેનાથી અમે કોઇપણ કાર્યમાં સર્વશ્રેષ્ઠ લક્ષ્યને પ્રાપ્ત કરી શકતા નથી.આપના જીવનમાં જો શાંતિ છે તો આપ સંસારના સૌથી સુખી વ્યક્તિ છો.
કોઇપણ સમાજમાં શાંતિને વ્યક્તિથી અલગ જોઇ શકાતી નથી.વ્યક્તિ તમામ ભૌતિક સુખો મળ્યા પછી પણ સંતુષ્ઠ થતો નથી કારણ કે જ્યાંસુધી મનુષ્ય માનસિકરૂપથી શાંત ના હોય ત્યાંસુધી ભૌતિક વસ્તુઓ તેને સુખ-શાંતિ આપી શકતાં નથી.ક્યારેક વ્યક્તિની પ્રસિદ્ધિ પણ તેની શાંતિનો નાશ કરે છે કારણ કે પ્રસિદ્ધિ ટકાવી રાખવા માટે વ્યક્તિ પોતાની તમામ શક્તિ લગાવી દેતો હોય છે,કેટલાક સમય સુધી લોકપ્રિયતાથી તેને ખુશી મળે છે પરંતુ ત્યારબાદ ગુસ્સો અને નિરસતા તેના જીવનમાં આવી જાય છે.
અમોને શાંતિ કેવી રીતે મળે? એ જાણવું એ જીંદગીની વાસ્તવિકતા છે.ઘણું બધું ધન કમાવી લેવા માત્રથી વ્યક્તિ ધનવાન તો બની શકે છે પરંતુ મનની શાંતિને પ્રાપ્ત કરી શકતો નથી અને છેલ્લે તે શાંતિની શોધમાં પરમાત્માને પ્રાર્થના કરે છે.જો મનને સુંદર બનાવવું છે,આ મનને આનંદ પ્રદાન કરવો છે તો અમારે પા૫ કર્મોથી બચવાનું છે.જો અમે ઘૃણા અને નફરત જેવા પા૫ કર્મોથી મુક્ત છીએ તો અમારા જીવનમાં શાંતિ અવશ્ય આવશે.જીવનમાં સુખ શાંતિ આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.વિષયોનો ઉ૫ભોગ કરવાથી શાંતિ મળતી નથી ૫ણ અગ્નિમાં ઘી નાખીએ તેમ જ્વાળાઓ વધતી જ જાય છે.
જયારે જયારે મનમાં અશાંતિ થાય ત્યારે સમજવું જોઇએ કે અમે પ્રભુ પરમાત્માને ભુલી ગયા છીએ એટલે તે સમયે પ્રભુ પરમાત્માનું સ્મરણ કરવું જોઇએ.જો કોઇ અત્યંત દુરાચારી ૫ણ અનન્ય ભક્ત બનીને મને ભજે છે તો તેને સાધુ જ માનવાયોગ્ય છે કેમકે તેણે ખૂબ સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે,એ સત્વરે એ જ ક્ષણે ધર્માત્મા થઇ જાય છે અને સદા રહેનારી પરમશાંતિને પામે છે,તમે મારી પ્રતિજ્ઞા જાણો કે મારા ભક્તનો વિનાશ થતો નથી.જે ફક્ત ધાર્મિક ક્રિયાઓથી ધર્માત્મા બને છે તેના હૈયામાં ભોગ અને એશ્વર્યની કામના હોવાથી તેને ભોગ અને ઐશ્વર્ય મળી જાય છે પણ શાંતિ મળતી નથી.ભગવાન સાથે હ્રદયથી એક થઇ જાય છે ત્યારે તેના અંતરમાં કામના કે અસતનું મહત્વ રહેતું નથી એટલા માટે તેને નિરંતર રહેવાવાળી શાંતિ મળે છે.(ગીતાઃ૯/૩૦-૩૧)
ભગવાન કહે છે કે મને તમામ યજ્ઞો અને તપોનો ભોક્તા, તમામ લોકોનો ઇશ્વર તેમજ તમામ પ્રાણીઓનો સુહ્રદ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમી જાણીને ભક્ત શાંતિને પ્રાપ્ત થઇ જાય છે.જે મને તત્વતઃ જાણી લે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.(ગીતાઃ૫/૨૯) ભગવાનની આ વાતને અમે સાંભળીએ છીએ પરંતુ તેને માનતા નથી અને માની લઇએ તો અમારૂં કામ થઇ જાય.પોતાની આવશ્યકતાઓ ઓછી કરીને આ૫ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો.જો અમે ઘૃણા અને નફરત જેવા પા૫ કર્મોથી મુક્ત છીએ તો અમારા જીવનમાં શાંતિ અવશ્ય આવશે.
જે જીતેન્દ્રિય તથા સાધન પરાયણ છે એવો પરમ શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને તત્કાળ પરમશાંતિને પ્રાપ્ત થાય છે.(ગીતાઃ૪/૩૯) શ્રદ્ધાની ઓળખાણ માટે ભગવાને બે વાતો કહી છે.જેની ઇન્દ્રિયો વશમાં છે અને પોતાના સાધનમાં તત્પરતાથી લાગેલો છે.ઇન્દ્રિયોનો સંયમ ના હોય તો તે વિષયભોગો તરફ જાય છે.પરમાત્મા,મહાપુરૂષો,ધર્મ અને શાસ્ત્રોમાં પ્રત્યક્ષની જેમ આદરપૂર્વક વિશ્વાસ હોવો એ શ્રદ્ધા છે.જ્યાંસુધી પરમાત્મા તત્વનો અનુભવ ના થાય ત્યાંસુધી પરમાત્મામાં પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ હોવો જોઇએ.પરમશાંતિનો અનુભવ ન થવાનું કારણ છે જે પોતાની અંદર છે તેને બહાર શોધે છે.મનુષ્ય પરમશાંતિસ્વરૂપ પરમાત્માથી વિમુખ થઇ જાય છે અને સાંસારીક વસ્તુઓમાં શાંતિ શોધે છે.
મન જયારે ઈશ્વરના આકારનું ચિંતન કરે છે,વૃત્તિ જયારે બ્રહ્માકાર-કૃષ્ણાકાર બને.ત્યારે શાંતિ મળે છે. રામ વગર આરામ મળતો નથી.જીવ માત્ર આરામ-શાંતિને શોધે છે.જીવ માત્ર શાંતિનો ઉપાસક છે.એવી શાંતિ ખોળે છે કે જેનો ભંગ ન થાય.મર્યાદાનું પાલન થાય તો જ આવે શાંતિ મળી શકે.ધર્મનું ફળ છે શાંતિ અને અધર્મનું ફળ છે અશાંતિ.ધર્મની મર્યાદાનું પાલન ન કરે તેને શાંતિ મળતી નથી.સ્ત્રી-સ્ત્રીની મર્યાદામાં રહે અને પુરુષ પુરુષની મર્યાદામાં રહે અને મર્યાદા જ્યાં સુધી ઓળંગે નહિ ત્યાં સુધી અશાંતિ આવતી નથી.
સંસારના ચિંતનનો અભાવ થવાથી અંતઃકરણ વિક્ષેપ રહિત થઇ જવાથી તેમાં જે સાત્વિક પ્રસન્નતા થાય છે તથા અંતઃકરણમાં રાગદ્વેષજનિત ખળભળાટ ન થવો એ શાંતિ છે.સંસારની સાથે રાગ-દ્વેષ કરવાથી અંતઃકરણમાં અશાંતિ આવે છે.અનુકૂળતાથી જૂના પુણ્યોનો નાશ થાય છે અને તેમાં પોતાનો સ્વભાવ સુધારવાની અપેક્ષાએ બગડવાની સંભાવના વધુ રહે છે પરંતુ પ્રતિકૂળતા આવતાં પાપોનો નાશ થાય છે અને પોતાના સ્વભાવમાં સુધારો થાય છે આ વાત સમજાય તો શાંતિનો અનુભવ થાય છે.જ્ઞાતાએ જે વસ્તુ જાણવાની હોય તેને પૂર્ણતાથી જાણી લીધા બાદ જ્ઞાતા અને જ્ઞાનનો જે સ્થાનમાં લય થાય છે તે સ્થાન(બ્રહ્મ)ને શાંતિ નામથી ઓળખવામાં આવે છે.
ઘણા લોકો પુછે છે કે શાંતિ કેવી રીતે મળે? હું તેમને એ પુછું છું કે પહેલાં એ કહો કે તમે અશાંત કેવી રીતે થયા? અશાંતિમાં જ શાંતિ મેળવવાની ચાવી છુપાયેલી છે.અમારા જીવન જીવવાના ઢંગથી અમે અશાંત છીએ.સ્વાસ્થ્ય શું છે? બિમારીઓનો અભાવ એ સ્વાસ્થ્ય છે.ર્ડાકટર સ્વાસ્થ્ય નથી આપતા પરંતુ બિમારીને દૂર કરે છે.જો આપણે વિચારીએ કે પરમાત્મા અમોને શાંતિ આપશે તો એ અમારી ભૂલ છે.પ્રભુ પરમાત્મા સાથે સબંધ ત્યારે જ જોડાશે કે જ્યારે અમે શાંત હોઇશું.શાંત માણસ જ પ્રાર્થના કરી શકે છે એટલે ભગવાન પાસે શાંતિ ના માંગશો.અમે શાંતિ લઇને જઇશું તો અમોને ત્યાંથી આનંદ મળશે.શાંતિ અમારી પાત્રતા છે અને આનંદ તેમનો આપેલ પ્રસાદ છે.નદી પાણી આપે છે પરંતુ અમારે પાત્ર લઇને જવું પડે છે.લોકો પરમાત્માની પાસે પાત્ર માંગે છે.શાંતિ અમારા અંતર્મનમાં છે જે અમારે પોતે શોધવી પડશે.કોઇ ગુરૂ સાધુ કે યોગી તે આપી શકવાના નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

