સૌરાષ્ટ્રનાં આઠ જિલ્લા અને ચાર કોર્પોરેશન વિસ્તારના પ્રથમ વિજેતા કલાકારો વચ્ચે સ્પર્ધાનું આયોજન
Amreli તા.02
આગામી તા-૬, થી તા.૮-૧૨-૨૫ ડીસેમ્બરનાં રોજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમરેલીનાં રાહબરી હેઠળ કે.કે. પારેખ અને મહેતા આર.પી વિદ્યાલય અમરેલીનાં સહયોગથી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી સંચાલિત સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ માટે કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય ખાતે ઉદઘાટન કાર્યક્રમ ૬ ડીસેમ્બર નાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે.
અમરેલીમાં યોજાનાર મહાકુંભમાં સૌરાષ્ટ્રનાં આઠ જિલ્લા અને ચાર કોર્પોરેશન સહિત બાર જિલ્લાનાં પ્રથમ વિજેતા કલાકારો ભાગ લેશે. અમરેલી જિલ્લામાં કુલ ત્રીસ કૃતીનું આયોજન કરવામાં આવશે. જેમાં તા. ૬ નાં રોજ લોકનૃત્ય, સમુહગીત, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, લોકવાર્તા, કાવ્યલેખન, ગઝલ શાયરી, ચિત્રકલા, વાયોલીન, ઓરગન, તબલાની સ્પર્ધા થશે.
જ્યારે તા. ૭નાં રોજ રાસ, લોકગીત ભજન, સુગમ સંગીત, કથ્થક, દુહા-છંદ-ચોપાઈ, નિબંધ, વકતૃત્વ, સર્જનાત્મક કારીગરી, ગીટાર, સિતાર, વાંસળીની સ્પર્ધા થશે અને અંતિમ દિવસે તા.૮નાં રોજ ગરબા, લગ્નગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની), મોહિની અટ્ટમ, ઓડીસી, કુચીપુડી, હાર્મોનિયમ, સ્કલબેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આમ ત્રણ દિવસ પ્રદેશકક્ષા કલા મહાકુંમ યોજાશે જેમાં સૌરાષ્ટ્રનાં બહોળી સંખ્યામાં કલાકારો ભાગ લેશે એવું જિલ્લા યુવા વિકાસ અધિકારી અમરેલીની એક યાદીમાં જણાવ્યું છે.

