Surendranagar,તા.8
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મુલાડીયા વિપુલભાઈ વજાભાઈ (ઉંમર 28) નામના યુવાનને રામદેવપુર ગામની સીમમાં ત્રણથી ચાર જેટલા છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ વચ્ચે હત્યાની ઘટનાઓ છાસવારે બની રહી છે. ત્યારે જિલ્લાના ધ્રાંગધ્રામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે.
ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગાળાની સીમમાં વિપુલ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અંગત અદાવતને પગલે વિપુલ નામના યુવક પર તીક્ષ્ણી હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ઘાતક હતો કે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ સનસનાટીભરી હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) સહિતની વિવિધ ટીમોને તાત્કાલિક ધોરણે કામે લગાડવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી હતી.
આ બનાવને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. જિલ્લામાં હત્યાની ઘટનાઓ વધી રહી હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ તંત્ર આ મામલે શું અને કેવી કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ હત્યા અગાઉ એક જ સમાજના બે યુવાનો વચ્ચે થયેલી માથાકુટના જૂના મનદુ:ખના કારણે થઈ હોવાનું સામે આવ્યું છે. હત્યારાઓ હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો કાફલો, જેમાં ડીવાયએસપી અને પીએસઆઇ સહિતનો સ્ટાફ સામેલ હતો, તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી હતી. આ હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે આરોપી યુવકની શોધખોળ આદરતા મોડી રાત્રે યુવકને હસ્તગત કરી લીધો હતો.
પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મૃતક અને આરોપી બંને યુવક રાજગઢ એક જ ગામના છે. તેમજ બંને વચ્ચે બોલાચાલી થઇ હશે અને ગાળાગાળી પણ થઇ હશે. પરંતુ રાત્રિના સુમારે રામદેવપુર ગામની સીમમાં બંને એક સાથે શા માટે ગયા હશે ? એ રહસ્ય ઘુંટાઇ રહયુ છે.

