બે વર્ષ પહેલાં આ બ્રીજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર એક વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ થવાનું હતુ
Valsad તા.૧૩
વલસાડના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન શુક્રવારે ગર્ડરના સેન્ટિંગ માટેનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના સમયે ભૂકંપ જેવો અનુભવ થતા લોકો આજુબાજુથી દોડી આવ્યા હતા. વલસાડમાં કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન શુક્રવાર સવારે બ્રિજના બે પિલર વચ્ચેના સ્પાનનો ગર્ડર બનાવવા ઉભા કરેલા સ્ટેજિંગ ઉપર તૈયાર કરેલું સેન્ટીંગનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતા કામ કરતા પાંચ શ્રમિકોને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગે પાંચેયને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, સવારે આ દુર્ઘટના થઇ એમાં પાંચ લોકોને ઇજા થઇ છે. જેમાં ચાર લોકોની તબિયત સારી છે. જ્યારે એકની હાલત ગંભીર છે. શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા ત્યારે ગર્ડર માટે ઊભા કરેલા સ્ટેજિંગમાં લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી હોવાનું અનુમાન છે.વધુમાં જણાવ્યું કે, ૪૨ કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. બે વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર એક વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઇમલાઇન છે. આગળમાં અમે કમિટીની રચના કરીને તપાસ કરીશું જે તપાસમાં આવશે એ મુજબ આગળીની કાર્યવાહી કરવામાં આવશે.આ મામલે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયાએ જણાવ્યું કે, સુરતના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તપાસ સોંપવામાં આવી છે અને એક-બે દિવસમાં રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. પ્રાથમિક રીતે એવું લાગે છે કે, ગર્ડરનું સેન્ટિંગ કરવા માટે જે જેક ચઢાવવાનો હોય એ જેક ચઢાવવામાં ભૂલ કરી એટલે સ્લીપ થઈ ગયો હોય તો આવું બની શકે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે સવારના અરસામાં ઔરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગર્ડર મૂકવામાં આવ્યો હતો, જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્લિપ થઇ ગયો હતો. અહીં કામ કરી રહેલા પાંચ મજૂરોને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે.પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, હાલ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે ડિટેઇલ તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઇ મોત થયું નથી. પાંચ લોકોને ઇજાઓ પહોંચી છે, જે સારવાર હેઠળ છે. અમે અમારા અધિકારીઓ સાથે મિટિંગ કરીશું અને ક્ષતિ ક્યાં રહી એ તપાસ કરીશું, જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.“આ બ્રિજ બનાવતા કોન્ટ્રાકટર જયેશ પટેલે જણાવ્યું કે, હ્યુમન એરર લાગે છે અને આ ટેમ્પરરી સ્ટ્રકચર છે, પાંચને ઇજા થઇ છે. તમામ લોકોનો અને બ્રિજનો ઇન્સોરન્સ લીધો છે. અહીં આજે પાચ લોકો જ કામ કરતા હતા.

