Berlin,તા.16
યુક્રેન યુદ્ધનો અંત લાવવા અહીં યોજાઈ રહેલી મંત્રણામાં ભાગ લેતા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે જો સંપૂર્ણ સલામતીની ખાતરી મળે તો તેઓ નાટો નું સભ્યપદ છોડવા તૈયાર છે, પરંતુ યુક્રેનની એક ઇંચ જેટલી જમીન પણ છોડવા તૈયાર નથી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂતો સ્ટીલ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જારેદ કુશીનર બ્રિટન,ફ્રાંસ અને જર્મની તથા ઇટાલી સહિત યુરોપના અગ્રીમ નેતાઓ અહીં મળી રહ્યા છે.પ્રાપ્ય માહિતી પ્રમાણે તે નાટો દેશોએ યુક્રેનની નાટો મેમ્બરશિપ અસ્વીકાર્ય ગણી છે. ત્યારે ઝેલેન્સ્કી તેના વિકલ્પ તરીકે નાટો સભ્યોને અપાય છે તેવી સલામતીની ગેરેન્ટી માગે છે. તેઓ રશિયાના બીજા આક્રમણની પૂરી સંભાવના જોઈ રહ્યા છે. જે સામે કીવ સંપૂર્ણ સંરક્ષણની ગેરેન્ટી માગી રહ્યું છે.આ સાથે ઝેલેન્સ્કીએ તેમ પણ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, તે ખાતરી કરાર બાદ હોવી અનિવાર્ય છે. તેઓ આજે જર્મનીના વડાપ્રધાન ફ્રેડ્રિક યેત્ઝેને તેમજ અન્ય યુરોપીય નેતાઓને મળ્યા હતા.પ્રમુખ ટ્રમ્પ આ સંઘર્ષનો વહેલામાં વહેલી તકે અંત લાવવા માગે છે. પરંતુ શાંતિમાં મુખ્ય અવરોધ યુક્રેનના કોનેત્સ્ક વિસ્તારનો છે. આ વિસ્તાર પર રશિયાનો કબજો છે.
આ પરિષદમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ કહે છે કે અમારે ડોનેત્સક વિસ્તારમાંથી ખસી જવું જોઈએ અને તે વિસ્તારને સૈન્ય રહિત વિસ્તાર (ડીમીનિરાઇઝડ ઝોન) રાખવો જોઈએ, સાથે મુક્ત આર્થિક વિસ્તાર તરીકે પણ રાખવો જોઈએ. ઝેલેન્સ્કીએ આ સૂચનને ધરમૂળથી ફગાવી દીધું હતું. તેઓએ કહ્યું, આને હું યોગ્ય ગણતો નથી. કારણ કે તે વિસ્તારનો વહીવટ કોણ સંભાળશે ? જો યુક્રેની દળો પાંચથી દસ કિ.મી. પાછા હઠે તો રશિયન દળો પણ શા માટે તેટલા પાછા ન હઠે ? આ મુદ્દો ઘણો જ સંવેદનશીલ છે. આ સાથે તેઓએ અન્ય વિકલ્પ સૂચવતા તેમ પણ કહ્યું હતું કે, આ તબક્કે તો દળો જયા છે ત્યાં જ રહે તે એક માત્ર વિકલ્પ છે, વ્યવહારૂ પણ છે.
બીજી તરફ પ્રમુખ પુતિનના વિદેશ નીતિ અંગેના સલાહકાર પુરી ઉષાકાવે કહ્યું હતું કે રશિયન પોલીસ અને નેશનલ ગાર્ડ યુનિટસ, ડોનોત્સક ડી-મીલીટરાઈઝડ જાહેર કરાય છતાં પણ ત્યાં રહેશે. આ સાથે તેઓએ તેવી પણ ચેતવણી આપી હતી કે, તે સમાધાન દરખાસ્તોમાં યુક્રેને અને તેના યુરોપીય સાથીઓએ સૂચવેલા સુધારા યથાવત સ્વીકારી શકાય નહીં. અમેરિકા તો અમારી સ્થિતિ અને વલણ બરોબર જાણે જ છે.
દરમિયાન, જર્મનીના વડાપ્રધાન ફ્રેડ્રીક મેર્ઝે કહ્યું હતું કે, હવે, યુરોપ પેક્ષ-અમેરિકાના (અમેરિકાનાં સંરક્ષણ) નો આધાર રાખી શકે તેમ નથી. સાથે તેવો પણ આક્ષેપ કર્યો હતો કે, પુતિન યુરોપની સરહદો ફરી આંકવા માગે છે. જો યુક્રેનનું પતન થશે તો રશિયા ત્યાં અટકશે નહીં. જો કે રશિયાએ તેનો આવો હેતુ હોવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું, કે યુરોપીય દેશો ઉપર આક્રમણ કરવાનો રશિયાનો કોઈ ઇરાદો નથી.

