Washington,તા.૨૦
અમેરિકાએ સીરિયામાં ઈસ્લાંમિક સ્ટેટના ઠેકાણા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલાનો હેતુ આ મહિનાની શરૂઆતમાં ૨ અમેરિકી સૈનિકોની હત્યાનો બદલો લેવાનો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને જવાબદાર હત્યારા આતંકીઓ વિરુદ્ધ ગંભીર કાર્યવાહી ગણાવી. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરતા કહ્યું કે સીરિયામાં આઇએસઆઇએસ દ્વારા કરાયેલા ક્રૂર હુમલાના પરિણામ સ્વરૂપે અમે જવાબી હુમલો કર્યો. અમે સીરિયામાં આઇએસઆઇએસના ગઢો પર જોરદાર હુમલા કરી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ અમેરિકાએ સીરિયામાં આઇએસઆઇએસના ૭૦થી વધુ ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમારા બહાદુર સૈનિકોના મોત બાદ આ જરૂરી પગલું હતું. અમે આઇએસઆઇએસને નષ્ટ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને સીરિયાની સરકારનું સમર્થન અમારી સાથે છે. તેમણે એ પણ ચેતવણી આપી કે અમેરિકા પર કોઈ પણ પ્રકારના હુમલા બદલ જવાબી કાર્યવાહી પહેલા કરતા પણ વધુ તીવ્ર અને ઘાતક હશે. અમેરિકી રક્ષા સચિવ પીટ હેગસેથે આ યુદ્ધની શરૂઆત નહીં પરંતુ એક બદલાની કાર્યવાહી ગણાવી. તેમણે કહ્યું કે આ યુદ્ધ નથી પરંતુ અમારા નાયકોની હત્યાનો બદલો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં અમે ક્યારેય અમારા લોકોની રક્ષા માટે સંકોચ કરીશું નહીં. અમેરિકી અધિકારીઓના જણાવ્યાં મુજબ ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈકમાં એફ-૧૫ ઈગલ ફાઈટર જેટ્સ, છ-૧૦ થંડરબોલ્ટ એટેક એરક્રાફ્ટ અને એએચ-૬૪ અપાચે હેલિકોપ્ટર સામેલ હતા. વ્હાઈટ હાઉસના ઉપપ્રેસ સચિવ અન્ના કેલીએ નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વચન આપ્યું હતું કે આઇએસઆઇએસ દ્વારા અમેરિકી સૈનિકોની હત્યાનો બદલો લેવાશે અને તેઓ પોતાનું વચન નિભાવી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે ૧૩ ડિસેમ્બરના રોજ સીરિયાના રણમાં થયેલા હુમલામાં બે આયોવા નેશનલ ગાર્ડના સભ્ય અને એક અમેરિકી નાગરિક માર્યા ગયા હતા. આ હુમલાનો આરોપ આઇએસઆઇએસ પર લગાવવામાં આવ્યો હતો. આ સૈનિકોની હત્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટનાનો બદલો લેવાનું વચન આપ્યું હતું. અમેરિકી સૈનિકોના મોતના તરત બાદ ટ્રમ્પ પ્રશાસને સીરિયામાં અમેરિકી અને સીરિયન સુરક્ષા દળો વચ્ચે તાલમેળ વધારવાના પ્રયત્નોને વધુ મજબૂત કરવાનું કહ્યું હતું.

