Chennai તા.1
ભારતના પૂર્વ અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 2027 વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટના ભવિષ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અશ્વિન માને છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મોટા સ્ટાર્સની નિવૃત્તિ પછી 50 ઓવરનું ફોર્મેટ તેની પ્રાસંગિકતા ગુમાવી શકે છે.
અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “મને થોડી ચિંતા છે કે 2027 વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટનું શું થશે. મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટ માટે હજુ પણ જગ્યા છે, પરંતુ ખરેખર ODI ક્રિકેટ માટે કોઈ જગ્યા બાકી નથી.”
અશ્વિને કહ્યું, “જુઓ, જ્યારે રોહિત અને વિરાટ વિજય હજારે ટ્રોફી રમવા આવ્યા, ત્યારે લોકોએ તેને જોવાનું શરૂ કર્યું. આપણે જાણીએ છીએ કે રમત હંમેશા ખેલાડીઓ કરતા મોટી હોય છે, પરંતુ ક્યારેક રમતને સુસંગત રાખવા માટે મોટા ખેલાડીઓની વાપસી જરૂરી છે.
વિજય હજારે એક સ્થાનિક ટુર્નામેન્ટ છે જેને ઘણા લોકો જોતા નથી. પરંતુ વિરાટ અને રોહિતને કારણે, લોકો તેને જોવા આવ્યા. તો પછી પ્રશ્ન એ છે કે જ્યારે તેઓ ODI રમવાનું બંધ કરશે ત્યારે શું થશે?
દર ચાર વર્ષે ફક્ત એક જ વર્લ્ડ કપ હોવો જોઈએ
તેમણે ICC ને તેના કેલેન્ડર પર પુનર્વિચાર કરવા જણાવ્યું, એમ કહીને કે ઘણી બધી દ્વિપક્ષીય શ્રેણીઓ, બહુવિધ ફોર્મેટ અને વારંવાર વર્લ્ડ કપ ક્રિકેટને પ્રેશર રૂપ બનાવી રહ્યા છે.
અશ્વિન માને છે કે જો ODI ક્રિકેટને બચાવવી હોય, તો દર ચાર વર્ષે ફક્ત એક જ વર્લ્ડ કપ યોજવો જોઈએ. તેમણે કહ્યું, “દર વર્ષે, આવક માટે ICC ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. FIFA ને જુઓ. ત્યાં વિવિધ લીગ છે, અને વર્લ્ડ કપ દર ચાર વર્ષે એકવાર યોજાય છે. તેથી, વર્લ્ડ કપનું પોતાનું મહત્વ છે.”

