Surendranagar,તા.19
ચુડા તાલુકાના કંથારિયા ગામે ૩૮ વર્ષીય યુવકની પાંચ શખ્સો અંગત અદાવતમાં તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓએ લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ યુવાનની હત્યા કરી નાસી છુટતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવ અંગે મૃતકની બહેનની ફરિયાદના આધારે પોલીસે ગામમાં જ રહેતા પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કંથારિયા ગામે રહેતા અશ્વિનભાઇ સોલંકીએ બે મહિના પહેલા મુકેશભાઇ નાગરભાઇ ફોરણીયાની બાઇકની સીટ સળગાવી દીધી હતી. જેની જાણ રમેશભાઇ બચુભાઇ ફોરણીયા (ચું.કોળી) (ઉં.વ.૩૮)એ મુકેશભાઇને કરી હતી. તેનો ખાર રાખી અશ્વિનભાઇ અવારનવાર મૃતક રમેશભાઇ ફોરણીયાને ધમકાવી ઝઘડો કરી મારમારવાની ધમકી આપતો હતો. જે અંગે રમેશભાઇએ મુકેશભાઇને જાણ કરતા તેેઓ રમેશભાઇનું ઉપરાણું લઇ અશ્વિનભાઇને ધમકાવ્યો હતો કે એક તો મારૂ બાઇક સળગાવ્યું છે તો રમેશભાઇને કેમ ધમકાવો છો? હવે પછી રમેશભાઇનું નામ લેતા નહીં.
જેનું મનદુઃખ રાખી અશ્વિનભાઇ કિરણભાઇ સોલંકી, અનિલભાઇ કિરણભાઇ સોલંકી, પ્રદિપ ઉર્ફે વિશાલ કિરણભાઇ સોલંકી, ડાર્વિન ઉર્ફે લાલો કિરણભાઇ સોલંકી અને કિરણભાઇ સોલંકી એક સંપ થઇ ધારદાર હથિયાર લઇ રમેશભાઇના માથાની જમણી બાજુ કાનથી ઉપર બે ઘા કરી તેમજ જમણા હાથના કાંડાના ભાગે ઘા કરી કાંડુ ભાંગી નાંખી તેમજ જમણા પગના ધુંટણથી ઉપરના ભાગે પણ ગંભીર ઇજા પહોંચાડી હતી હત્યા નિપજાવી હતી.
પાંચેય આરોપીઓએ મૃતક રમેશભાઇને આંગણ વાડીના ઓટાથી ઢસડીને ત્યાં બાજુમાં આવેલા રમેશભાઇના ધરના ખુલ્લા ફળીયામાં લઇ જઇ પુરા વાનો નાશ કરવાના ઇરાદે લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરી નાસી છુટયા હતા. આ બનાવની જાણ ચુડા પોલીસને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રમેશભાઈની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવ અંગે મૃતકની બહેનએ પાંચેય આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ લઈને સુરેન્દ્રનગર એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતની ટીમો દ્વારા રમેશભાઈની હત્યા કરનાર હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.