આલેખનઃ વિનોદ માછી નિરંકારી
ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું પર્વ શક્તિની ઉપાસના,શ્રદ્ધા,ભક્તિ અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે.નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આ પર્વ સાથે જોડાયેલી મહિષાસુરના વધની કથા આપણને અહંકાર-અત્યાચાર અને અન્યાયના અંતનો સંદેશ આપે છે. પૌરાણિક કથાઓ અનુસાર મહિષાસુર અસુરોનો એક શક્તિશાળી રાજા હતો, તેના પિતા રંભ અસુરોના રાજા હતા.એક કથા મુજબ રંભને મહિષી નામની એક સ્ત્રી સાથે પ્રેમ થયો અને બંનેના સંયોગથી એક પુત્રનો જન્મ થયો તેથી આ પુત્રનું નામ મહિષાસુર પડ્યું.સંસ્કૃતમાં મહિષનો અર્થ ભેંસ થાય છે.
Mahishasuraને ઇચ્છા અનુસાર સ્વરૂપ બદલવાની શક્તિ પ્રાપ્ત હતી.તે ક્યારેક મનુષ્યનું સ્વરૂપ ધારણ કરતો તો ક્યારેક ભેંસના સ્વરૂપમાં આવી જતો હતો.આ શક્તિને કારણે તે યુદ્ધમાં પોતાના વિરોધીઓને છેતરવામાં અને તેમને પરાસ્ત કરવામાં સક્ષમ હતો. સમય જતાં મહિષાસુર અત્યંત શક્તિશાળી બન્યો. શક્તિની સાથે તેના મનમાં અહંકાર પણ વધતો ગયો, તે માત્ર પોતાના રાજ્યથી સંતુષ્ટ ન રહ્યો પરંતુ ત્રણેય લોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરવાની ઇચ્છા રાખવા લાગ્યો.
Mahishasura જાણતો હતો કે દેવતાઓને પરાજિત કરવા માટે તેને અસાધારણ શક્તિની જરૂર પડશે તેથી તેણે ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપશ્ચર્યા શરૂ કરી, તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા અને તેને વરદાન માગવા કહ્યું. મહિષાસુરે અમરત્વનું વરદાન માગ્યું પરંતુ બ્રહ્માજીએ તેને અમરત્વ આપવાનો ઇનકાર કર્યો, ત્યારબાદ મહિષાસુરે એવી યુક્તિ વિચારી કે કોઈ દેવ કે પુરૂષ તેના વધનું કારણ ન બની શકે, તેણે બ્રહ્માજી પાસે વરદાન માગ્યું કે કોઈ દેવ કે પુરૂષ તેના વધમાં સફળ ન થાય, તેને એવો વિશ્વાસ હતો કે સ્ત્રી તેની સામે યુદ્ધ કરીને તેને હરાવી શકશે નહીં તેથી તેને લાગ્યું કે આ વરદાન મળ્યા પછી તેને કોઈ મારી શકશે નહીં અને તે લગભગ અમર બની જશે.
બ્રહ્માજીએ તેની પ્રાર્થના સ્વીકારી અને વરદાન આપ્યું. વરદાન મળતાં મહિષાસુરનો આત્મવિશ્વાસ અહંકારમાં ફેરવાઈ ગયો, તે પોતાની શક્તિને સર્વોપરી માનવા લાગ્યો અને તેને લાગ્યું કે હવે કોઈ તેને પડકાર આપી શકશે નહીં પરંતુ તે ભૂલી ગયો કે શક્તિનો સાચો અર્થ બીજાઓ પર અત્યાચાર કરવાનો નથી, શક્તિનો ઉપયોગ ધર્મની રક્ષા અને નિર્બળ લોકોના કલ્યાણ માટે થવો જોઈએ.
વરદાન પ્રાપ્ત કર્યા પછી મહિષાસુરે પોતાની વિશાળ અસુરસેના સાથે સ્વર્ગ પર આક્રમણ કર્યું, તે સમયે સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્ર હતા.મહિષાસુરની સેનાએ દેવતાઓ સામે ભયંકર યુદ્ધ કર્યું. દેવરાજ ઇન્દ્રે પોતાના વજ્રનો પ્રયોગ કર્યો પરંતુ મહિષાસુરની શક્તિ અને તેની વિશાળ સેનાની સામે દેવતાઓ ટકી શક્યા નહીં અંતે દેવતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો અને તેમણે સ્વર્ગ છોડવું પડ્યું. મહિષાસુરે સ્વર્ગ પર કબજો જમાવી દીધો, તે પોતાને સર્વશક્તિમાન માનવા લાગ્યો, તેની આજ્ઞાનો વિરોધ કરનારને દંડ આપવામાં આવતો અને અનેક લોકો પર અત્યાચાર કરવામાં આવતો, તેની સત્તા વધવાની સાથે અન્યાય અને ભયનું વાતાવરણ પણ વધતું ગયું.
દેવતાઓ માટે આ પરિસ્થિતિ અત્યંત દુઃખદ હતી, તેઓ જાણતા હતા કે મહિષાસુરને મળેલા વરદાનને કારણે તેનો વધ કરવો સરળ નહોતો તેથી તેઓ સહાય મેળવવા માટે ભગવાન બ્રહ્મા-ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની શરણમાં ગયા. દેવતાઓએ પોતાની વ્યથા ત્રિદેવ સમક્ષ રજૂ કરી. મહિષાસુરના અત્યાચારથી સમગ્ર દેવસમાજ દુઃખી હતો.દેવતાઓને સ્વર્ગ પાછું મેળવવું હતું અને ધર્મની સ્થાપના કરવી હતી. મહિષાસુરને એવું વરદાન મળ્યું હતું કે કોઈ દેવ કે પુરૂષ તેનો વધ કરી શકશે નહીં. તેથી તેની સામે એવી શક્તિનું પ્રાગટ્ય જરૂરી હતું જે તેના વરદાનની મર્યાદામાં રહીને તેનો અંત લાવી શકે. મહિષાસુરના અત્યાચારથી ક્રોધિત થયેલા ભગવાન બ્રહ્મા-ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના શરીરમાંથી દિવ્ય તેજ પ્રગટ થયું. અન્ય દેવતાઓના શરીરમાંથી પણ તેજ નીકળ્યું, આ તમામ દિવ્ય તેજ એકત્રિત થતાં એક મહાન શક્તિનું સ્વરૂપ પ્રગટ થયું.
આ દિવ્ય શક્તિ દેવી દુર્ગા તરીકે પ્રગટ થઈ. તેઓ આદિશક્તિ જગદંબા અને ભવાની તરીકે પણ પૂજાય છે.મહિષાસુરનો વધ કરવા માટે પ્રગટ થયેલી દેવીને મહિષાસુરમર્દિની કહેવામાં આવે છે. મર્દિનીનો અર્થ સંહાર કરનાર કે પરાજિત કરનાર એવો થાય છે. આ કથા આપણને સમજાવે છે કે જ્યારે અન્યાય અને અત્યાચાર વધી જાય છે ત્યારે ધર્મની રક્ષા માટે દૈવી શક્તિનું પ્રાગટ્ય થાય છે.
દેવી દુર્ગાના પ્રાગટ્ય પછી તમામ દેવતાઓએ તેમને પોતાની શક્તિ અને શસ્ત્રો અર્પણ કર્યાં. ભગવાન શિવે તેમને ત્રિશૂળ આપ્યું,ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર અર્પણ કર્યું. દેવરાજ ઇન્દ્રે પોતાનું વજ્ર અને ઘંટ અર્પણ કર્યાં, અન્ય દેવતાઓએ પણ પોતાની શક્તિ અનુસાર વિવિધ શસ્ત્રો અને દિવ્ય વસ્તુઓ અર્પણ કરી, આ રીતે દેવી દુર્ગા અનેક શસ્ત્રોથી સુસજ્જ થયાં. દેવીને સિંહનું વાહન પ્રાપ્ત થયું. સિંહ શક્તિ-સાહસ અને નિર્ભયતાનું પ્રતીક માનવામાં આવે છે.દેવીનું આ સ્વરૂપ દર્શાવે છે કે ધર્મની રક્ષા માટે જ્ઞાન, શક્તિ, હિંમત અને દ્રઢ સંકલ્પનું એકત્રિત થવું જરૂરી છે.
દેવી દુર્ગા માત્ર યુદ્ધ કરનાર શક્તિ નથી પરંતુ તેઓ કરૂણા,રક્ષણ,ન્યાય અને માતૃત્વનાં પ્રતીક પણ છે,તેઓ પોતાના ભક્તોની રક્ષા કરે છે અને દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે એવી ભક્તોની માન્યતા છે. પ્રચલિત કથા અનુસાર દેવી દુર્ગા સિંહ પર સવાર થઈને મહિષાસુરના પ્રદેશ તરફ આગળ વધ્યાં. જ્યારે મહિષાસુરને દેવીના આગમન વિશે જાણ થઈ ત્યારે તેણે તેમની શક્તિને ગંભીરતાથી લીધી નહીં. મહિષાસુરે દેવીના સ્વરૂપથી આકર્ષિત થઈને તેમની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો,તેણે પોતાની સત્તા અને શક્તિનો ગર્વ દર્શાવ્યો પરંતુ દેવી દુર્ગાએ તેના અહંકાર અને દુષ્કર્મોને કારણે તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢનાર અને નિર્બળો પર અત્યાચાર કરનાર મહિષાસુરને દેવી દુર્ગાએ તેના કર્મોનું પરિણામ ભોગવવાની ચેતવણી આપી.મહિષાસુરને પોતાના વરદાન પર એટલો વિશ્વાસ હતો કે તેને લાગ્યું કે કોઈ સ્ત્રી તેને હરાવી શકે નહીં. આ રીતે અહંકારથી ભરેલો અસુર અને ધર્મની રક્ષા માટે પ્રગટ થયેલી દેવી વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું.
મહિષાસુરની વિશાળ સેનાએ દેવી સામે યુદ્ધ કર્યું, તેના અનેક શક્તિશાળી સેનાપતિઓ અને અસુર યોદ્ધાઓ પણ યુદ્ધમાં જોડાયા પરંતુ દેવી દુર્ગાની દિવ્ય શક્તિ સામે અસુરસેનાની એક પછી એક ટુકડીઓ પરાજિત થવા લાગી. દેવી દુર્ગાએ નવ દિવસ સુધી અસુરસેના સામે યુદ્ધ કરીને તેનો નાશ કર્યો. આ નવ દિવસને નવરાત્રિના પવિત્ર દિવસો સાથે જોડવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવીનાં વિવિધ સ્વરૂપોની ઉપાસના કરીને ભક્તો શક્તિ, સાહસ, શુદ્ધતા અને સદબુદ્ધિની પ્રાર્થના કરે છે.
નવ દિવસના ભયંકર યુદ્ધ પછી દસમા દિવસે દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે નિર્ણાયક યુદ્ધ થયું. મહિષાસુરે પોતાના સ્વરૂપ બદલવાની શક્તિનો ઉપયોગ કર્યો,તે ક્યારેક ભેંસનું અને ક્યારેક અન્ય સ્વરૂપોનું રૂપ ધારણ કરીને દેવીને પરાજિત કરવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ દેવી દુર્ગાએ તેના દરેક પ્રયત્નનો સામનો કર્યો.મહિષાસુરનું બળ,તેની સેના અને તેના વરદાનનો અહંકાર અંતે તેની રક્ષા કરી શક્યા નહીં. મહિષાસુર જ્યારે ભેંસનું સ્વરૂપ ધારણ કરીને યુદ્ધ કરતો હતો ત્યારે દેવી દુર્ગાએ તેના પર પ્રહાર કર્યો અને અંતે પોતાના ત્રિશૂળથી તેનો વધ કર્યો.
મહિષાસુરના વધ સાથે દેવતાઓને તેની ભયાનક સત્તામાંથી મુક્તિ મળી.દેવતાઓએ આનંદ વ્યક્ત કર્યો અને દેવી દુર્ગાની સ્તુતિ કરી.સ્વર્ગમાં ફરી ધર્મ અને ન્યાયની સ્થાપના થઈ.મહિષાસુરના વધને કારણે દેવી દુર્ગા મહિષાસુરમર્દિની તરીકે પ્રસિદ્ધ થયાં.આ પ્રસંગની યાદમાં નવરાત્રિ પછી દશેરા કે વિજયાદશમીનું પર્વ ઉજવવામાં આવે છે.ભારતીય પરંપરામાં વિજયાદશમીને ધર્મના વિજય અને અધર્મના પરાજયના પવિત્ર દિવસ તરીકે જોવામાં આવે છે.કેટલીક પરંપરાઓમાં આ દિવસને ભગવાન શ્રીરામ દ્વારા રાવણના વધ સાથે પણ જોડવામાં આવે છે.
મહિષાસુર અને દેવી દુર્ગાની કથા માત્ર એક પૌરાણિક યુદ્ધનું વર્ણન નથી,તે માનવજીવન માટે પણ અનેક પ્રેરણાદાયી સંદેશો આપે છે.અહંકારનો અંત નિશ્ચિત છે-મહિષાસુર પાસે અપાર શક્તિ અને વરદાન હતાં છતાં તેના અહંકાર અને દુષ્કર્મોએ તેનો વિનાશ કર્યો તેથી શક્તિ કે સફળતા મળતાં નમ્રતા ગુમાવવી નહીં.શક્તિનો ઉપયોગ રક્ષણ માટે કરવો-સાચી શક્તિ બીજાઓને દબાવવામાં નહીં પરંતુ નિર્બળોની મદદ કરવામાં અને અન્યાય સામે ઊભા રહેવામાં છે.
સ્ત્રીશક્તિનું સન્માન કરવું-મહિષાસુરે સ્ત્રીશક્તિને ઓછી આંકી હતી.દેવી દુર્ગાએ તેના અહંકારનો અંત લાવીને સ્ત્રીની શક્તિ-સ્વાભિમાન અને સામર્થ્યનું મહત્વ દર્શાવ્યું.અન્યાય સામે એકતા જરૂરી છે-દેવી દુર્ગાનું પ્રાગટ્ય તમામ દેવતાઓના તેજના એકીકરણથી થયું-એવી કથા છે તેનો પ્રતીકાત્મક સંદેશ એ છે કે સારા હેતુ માટે સૌની શક્તિ અને સહકાર જરૂરી છે.દુર્ગુણો સામે આંતરિક યુદ્ધ લડવું-મહિષાસુરને અહંકાર,ક્રોધ,લોભ અને અન્યાયનું પ્રતીક માની શકાય.નવરાત્રિ આપણને પોતાના મનમાં રહેલા આવા દુર્ગુણો ઓળખીને તેને દૂર કરવાનો સંકલ્પ કરવાની પ્રેરણા આપે છે.
નવરાત્રિ શક્તિની આરાધના અને આત્મચિંતનનું પવિત્ર પર્વ છે.દેવી દુર્ગા અને મહિષાસુરની કથા આપણને શીખવે છે કે અન્યાય ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, અંતે ધર્મ,સત્ય અને ન્યાયનો માર્ગ જ શ્રેષ્ઠ છે. દેવી દુર્ગાની ઉપાસનાનો સાચો અર્થ માત્ર પૂજા કે વિધિ પૂરતો સીમિત નથી.પોતાના જીવનમાં સત્ય, નમ્રતા, કરૂણા, સાહસ અને ન્યાયને સ્થાન આપવું પણ શક્તિની આરાધના છે.આ નવરાત્રિએ આપણે સૌ સંકલ્પ કરીએ કે મનમાંથી અહંકાર,ઈર્ષ્યા,દ્વેષ અને ક્રોધ જેવા દુર્ગુણો દૂર કરીશું,સત્યના માર્ગૅ ચાલીશું અને જરૂરિયાતમંદોની મદદ કરીશું.માતા દુર્ગા સૌને સદબુદ્ધિ, શક્તિ, શાંતિ અને સુખ-સમૃદ્ધિ આપે તથા આપણા જીવનમાંથી અજ્ઞાન અને દુર્ગુણોનો અંધકાર દૂર કરે એ જ પ્રાર્થના.

