ત્રણે ગુણોથી રહિત નિર્દ્રન્દ્ર વગેરે બની જવાથી શું થશે? તે સમજાવતાં ભગવાન ગીતા(૨/૪૬)માં કહે છે કે..
યાવાનર્થ ઉદપાને સર્વતઃસંપ્લુતોદકે
તાવાન્સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ
બધી બાજુથી ભરપુર જળાશય મળી જતાં નાનકડા ખાબોચિયામાં રહેલા જળમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે એટલે કે કશું જ પ્રયોજન રહેતું નથી,વેદો અને શાસ્ત્રોને તત્વથી જાણનાર બ્રહ્મજ્ઞાનીનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે એટલે કે કશું જ પ્રયોજન રહેતું નથી.જે હેતુઓ એક નાના કૂવાથી પૂર્ણ થાય છે તે બધા જ હેતુઓ વિશાળ જળાશયથી પરીપૂર્ણ થાય છે.તે જ પ્રમાણે વેદોમાં રહેલાં ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિધ્ધ થઇ જાય છે.કર્મયોગનો વિષય ચાલે છે.કુવામાં રહેલું પાણી અને જળાશયનું પાણી..આ રૂપકોથી જ ભગવાન સમજાવે છે કે જેણે વેદોમાં રહેલા બ્રહ્મને સમજી લીધા છે તેમને બીજું કંઈ જ જાણવાનું બાકી રહેતું નથી.
કુવામાં રહેલા પાણીને બહાર લાવીએ તો જ તેનો અર્થ છે.ભગવાને બધુ જ આપ્યુ છે પણ તે લેવા માટે મહેનત આપણે જ કરવી પડે છે તે સમજણ છુપાયેલી છે.પહેલા બી વાવો પછી પાક મળશે.પહેલા જમીન ખોદો પછી પાણી મળશે.પહેલા અન્ન આરોગો પછી લોહી બનશે.પહેલા મહેનત કરો પછી પરિણામ મળશે.આમ પહેલા “કર્મ” કરવું જ પડશે આ ભગવાનની શરત છે.આજે પણ પહેલા કામ કરો પછી વળતર મળશે આ જ પદ્ધતિ બધે જોવા મળે છે તેથી મારામાં રહેલી શક્તિ-કલા કે આવડતને પહેલા વાપરવાની છે તો જ તેનું પરિણામ મળશે આમ ભગવાન કહે છે.તેવી જ રીતે વેદોમાં કહેલા બ્રહ્મને જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતુ નથી.વેદોમાં કહેલો બ્રહ્મ એટલે ચૈતન્ય.ઈશ્વર એટલે જ બ્રહ્મ.આ બ્રહ્મને જાણવો એટલે શું? બ્રહ્મને જાણવો એટલે બ્રહ્મના કામને જાણવું.સરકારને બોલાવો એમ કહે તો કોને બોલાવવાં? કારણ કે શેરીના પ્રમુખથી માંડીને રાષ્ટ્રપતિ સુધીનાં બધા જ લોકો સરકાર કહેવાય છે.આમ બ્રહ્મને જાણવું એટલે બ્રહ્મના કામને જાણવું.આ બ્રહ્મને જે જાણે છે તેને બ્રાહ્મણ કહેવાય છે.બ્રહ્મનું કામ એટલે લોકોનાં જીવન ચેતનમય કરવા.લોકોને ઈશ્વરસન્મુખ લાવવાં,ભક્તિનો ડોળો બેસાડી જીવન ભગવદપ્રિતિથી જીવન જીવતા કરવાં,નિરાશા-હતાશા-આડંબર કે હતોત્સાહથી વેરવિખેર થવાના બદલે ખુમારી-તેજસ્વિતા અને વ્રતનિષ્ઠાથી જીવન જીવતાં કરવાં.જેનાં જીવનમાં અત્ર-તત્ર-સર્વત્ર બધું મંગલમય જ છે તે જ જીવન કહેવાય.આવું જીવન જ બ્રહ્મરૂપ છે અને આ જાણવું એટલે બ્રહ્મને જાણવું કહેવાય છે.
આ વાતો એક ઓરડાંમાં બેઠા-બેઠા લોકોમાં લાવી શકાતી નથી પણ તે માટે ઈશ્વરનિષ્ઠા અને જીવન હોમવાની તૈયારી સાથે સખત અને સતત મહેનત કરવી પડે છે ત્યારે જ બ્રહ્મને જાણી શકાય છે અને લોકોનાં જીવન પ્રભુપ્રિતિથી બદલી શકાય છે.ગૌતમ,અત્રિ,ભારદ્વાજ,વસિષ્ઠ જેવા અનેક ઋષિઓએ આવું કામ કર્યુ તેથી આ લોકોને જાણીએ તો પણ બ્રહ્મને જ જાણ્યા કહેવાય.આપણે પણ બ્રહ્મને જાણવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
બ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે.બ્રહ્મવેત્તાની કૃપાથી તેને માનવ શરીરમાં રહીને જાણી શકાય છે કેમકે બ્રહ્માનુભૂતિ જ મનુષ્ય યોનિની સાર્થકતા છે.પરબહ્મનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહે છે.૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી. બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે, પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્ટિનો ભાવ આવે છે.બ્રહ્મને જાણીને વ્યક્તિ બ્રહ્મમય બની જાય છે.બ્રહ્મજ્ઞાનના માટે ગુરૂકૃપા અને શિષ્યની વૈરાગ્ય-ભાવના બંન્ને અનિવાર્ય છે.બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃબ્રહ્મને જાણવો,તેને જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું..આ ત્રીજી અવસ્થા જ જીવન મુક્તિની અવસ્થા છે.
ભગવાને ગીતા શ્ર્લોક(૨/૩૯)માં જે સમબુદ્ધિ(સમતા)ને સાંભળવા માટે અર્જુનને આજ્ઞા આપી હતી તેની પ્રાપ્તિ માટે હવે આગળના શ્ર્લોક(૨/૪૭)માં ભગવાન કર્મ કરવાની આજ્ઞા આપે છે.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોઽસ્ત્વકર્મણિ
આ શ્ર્લોક મહત્વનો પણ વિવાદાસ્પદ પણ છે.કર્તવ્યકર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળોમાં ક્યારેય નહી માટે તૂં કર્મોના ફળનો હેતુ પણ ના થા તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ.પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવામાં જ તારો અધિકાર છે,એમાં તૂં સ્વતંત્ર છે કારણ કે મનુષ્ય કર્મયોનિ છે.મનુષ્ય સિવાયની બીજી કોઇપણ યોનિ નવું કર્મ કરવાને માટે નથી.દેવયોનિ પણ અગાઉ કરેલ શુભ કર્મોના ફળ ભોગવવા માટે જ છે.મનુષ્ય શરીરમાં બે બાબતો છે.જૂના કર્મોનો ફળભોગ અને નવો પુરૂષાર્થ.બીજી યોનિઓમાં ફક્ત જૂના કર્મોના ફળ ભોગવવાના છે.મનુષ્યશરીર ફક્ત નવા પુરૂષાર્થને માટે જ મળ્યું છે જેથી તે પોતાનો ઉદ્ધાર કરી શકે છે.
નિષ્કામ બનવાના ઉપાય બતાવતાં ભગવાન કહે છે કે કામના ઉત્પન્ન થવાથી અભાવ થાય છે, કામનાની પૂર્તિ થવાથી પરતંત્રતા અને પૂર્તિ નહી થવાથી દુઃખ થાય છે તથા કામનાની પૂર્તિનું સુખ લેવાથી નવી કામના ઉત્પન્ન થાય છે અને સકામભાવપૂર્વક નવાં-નવાં કર્મો કરવાની રૂચિ વધતી ચાલે છે- એવુ બરાબર સમજી લેવાથી આપોઆપ નિષ્કામતા આવી જાય છે.
કર્મ કોન કરે છે? તેના વિશે જુદા જુદા મત છે.(૧)જીવાત્મા પોતે કર્તા છે.(ર)આત્મા કર્તા-ભોક્તા નથી, અંતઃકરણ કર્તા છે.(૩)બધું ઇશ્વરની ઇચ્છાથી જ થાય છે. (૪)બધું નિયત જ છે,તેથી આપોઆપ થાય છે. (૫)પ્રકૃતિના ગુણો કર્મ કરાવે છે..આમ જુદી જુદી માન્યતાઓ છે.શુભ કે અશુભ કર્મનાં ફળ અવશ્ય ભોગવવાં પડે છે.તને ફળ તો મળવાનું જ પણ ક્યારે? કેવી રીતે? તેનો નિર્ણય કરવાનો તને અધિકાર નથી તે નિર્ણય પરમાત્મા કરશે.
આખી ગીતાને જો એક જ શ્ર્લોકમાં કહેવી હોય તો તે આ શ્ર્લોક ગીતાનું હાર્દ છે.કર્મમાં જ ફક્ત મારો અધિકાર છે,ક્યારેય પણ ફળમાં અધિકાર નથી આટલું અધૂરૂ છે તેથી આગળ કહે છે કે આ ખબર છે તેથી ફળને ધ્યાનમાં રાખ્યા વગર કામ કરવાનું નથી અને કામ જ ન કરૂં તેવો અકર્મી પણ થવાનું નથી.આ ભગવાનની સ્પષ્ટ વાત છે.કામ કરવાનું છે,ફળ ઉત્કૃષ્ટ મળવું જોઈએ,ફળ લેવાનું નથી આ વાત પહેલેથી જ નક્કી રાખ અને અકર્મી ન થા..આ ચાર વાત આ શ્ર્લોક સમજાવે છે.આ જગતમાં આપણે આવું એક પણ કામ કર્યુ છે ખરું? આપણે દાન કરીએ,મદદ કરીએ,હિંમત આપીએ,સ્વાર્થ નથી તેવું કહીએ પણ એકપણ કામ આપણે એવું નથી કર્યુ કે જેમાં મારે ફળ જોઈતુ જ નથી છતાં હું કામ કરૂં છું આ વાત નક્કી હોય છે.ભગવાનને આપણે શું જવાબ આપશું? કંઈ વિચાર કર્યો છે?
જાહેરમાં કહેતા આનંદ થાય છે કે સ્વાધ્યાય પરીવાર એક એવો સમૂહ છે જે આ શ્ર્લોકના આધારે કામ કરે છે.હું સુધારક નથી,પ્રચારક નથી,સેવક નથી,હું દુ:ખ દૂર કરનાર નથી,હું મુશ્કેલી ભગાડનાર નથી,હું કંઈ જ નથી ફક્ત એક કૃતિશીલ છું.મારૂં કામ છે નિ:સ્વાર્થ મળવાનું.કંઈ અપેક્ષા જ નથી. “આવો” ની પણ અપેક્ષા નહિ અને “આવજો” ની પણ અપેક્ષા નહિ છતાં હ્રદયથી પ્રેમપૂર્વક મળવાનું,માણસનો અને ભગવાનનો સંબંધ ઉભો થવો જોઈએ,જીવન ભગવાનના દિકરા તરીકે અભિમાનથી જીવવાનું આ જ મારૂં કામ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)