સમય કેટલો બદલાય છે તે મમતા અને ટાટાગૃપના મિલનથી જોઇ શકાય છે. ૧૭ વર્ષ પહેલાં જે ટાટા કંપનીને દુર કરવા આંદોલન ચલાવીને મુખ્યપ્રધાન બનેલા મમતા બેનરજી આજે તેજ ટાટાગૃપને આવકારવા લાલજાજમ બિછાવી રહ્યા છે.
જેમ રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતો એવુંજ કોર્પોરેટ અને બિઝનેસ સર્કલમાં પણ હોય છે. કોઇની સાથે કાયમી મતભેદ હોઇ શકે પણ મનભેદ ના હોઇ શકે.
અંદાજે ૧૭ વર્ષ પહેલાં એટલેકે ૨૦૦૮માં રતન ટાટાએ પ.બંગાળના સિંગુરમાંથી ટાટા નેનોની ફેક્ટરીનું રિવર્સ ગીયર પાડીને તેને સીધીજ ગુજરાતના સાણંદમાં લઇ આવ્યા હતા. ત્યારે રતન ટાટએ કહ્યું હતું કે બંગાળ કંઇ કાયમ માટે નથી છોડયું.
આજે રતન ટાટા નથી પણ ફરી ટાટા ગુ્રપ પ.બંગાળમાં બિઝનેસ કરવા તૈયાર થયું છે. તેની પાછળ મુખ્યપ્રધાન મમતા બેનરજીનું આમંત્રણ પણ રહેલું છે. ગયા અઠવાડીયે ટાટા ગ્રુપના ચેરપર્સન એન. ચંન્દ્રશેખરન પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને કોલક્તા ખાતે મળ્યા હતા.
અહીં યાદ રહેકે જ્યારે ટાટાએ સિંગુર છોડયું ત્યારે શેરબજારનો સેન્સેક્સ ૧૭,૬૦૫ હતો જ્યારે આજે ૮૨,૫૭૦ છે. પ.બંગાળના સત્તાધીશો પણ સમજી ગયા છે કે ઉદ્યોગો વિના રોજગારી વધારવી શક્ય નથી. ભારતનો આર્થિક વિકાસ વધ્યો છે પણ પ.બંગાળ ઉદ્યોગ ક્ષેત્રે બહુ આગળ વધી શક્યું નથી.
ટાટા નેનોના પ્રોજક્ટ સામે મોટું આંદોલન કરાયું હતું. કહે છેકે આ આંદોલનની સફળતાના મોજા પર બેસીને મમતા બેનરજીએ ૩૪ વર્ષથી પ.બંગાળમાં ચાલી આવતા ડાબેરી પક્ષોનું શાસન ઉથલાવ્યું હતું. ડાબેરી પક્ષોને પ.બંગાળમાં હરાવવા અશક્ય હતું પરંતુ મમતાએ લીધેલા ટેકામાંં એક સિંગુર આંદોલન પણ હતું. જ્યારે ટાટાને સિંગુરમાં નેનો પ્રોજ્ક્ટ માટે ૯૯૭ એકર જમીન ફાળવાઇ ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધનો ઝંડો મમતાએ હાથમાં પકડી લીધો હતો.
ત્યારે મમતાએ કૃષિ માટેની જમીન બચાવોના નારા સાથે આંદોલન શરૂ કર્યુ હતું. જેમાં મેધા પાટકર, અરૃંધતી રોય જેવા નામી ચહેરા જોડાયા હતા. જેના કારણે મમતાની તૃણમૂલ કોંગ્રેસને ડાબેરી સરકાર સામે પડવાનું એક પ્લેટફોર્મ મળી ગયું હતું.
કૃષિના નામે અનેક ગામડા તેમની સાથે જોડાયા હતા. મમતાને સિંગુરની જમીનમાં રસ નહોતો પણ સત્તા હાંસલ કરવામાં રસ હતો. આંદોલન દરમ્યાન ૭ ઓક્ટોબર ૨૦૦૮ ના રોજ ટાટા કંપનીએ નેનો પ્રોજેક્ટ સંકેલીને ગુજરાત લઇ જવાની જાહેરાત કરતાં મમતાએ તેને મોટી જીત કહીને ગાઇ વગાડીને વર્ણવી હતી.
બીજી તરફ છેલ્લાપંદર વર્ષમાં વસ્તી વધી પણ આર્થિક વિકાસ મંદ રહ્યો હતો. આડેધડ ઘૂસી આવતા ઘૂસણખોરોએ સરહદી ગામોમાં અડીંગો લગાવી દીધો હતો. મમતા બેનર્જી મુખ્યપ્રધાન બન્યા પછી સિંગુરના ગામડાઓમાં તે ભાગ્યેજ એકાદવાર ગયા છે.
સત્તા હાંસલ કર્યા બાદ તેને ટકાવવામાં વ્યસ્ત મમતા રાજ્યમાં નવા ઉદ્યોગો માટે બહુ વિચાર્યું નહોતું. પરંતુ વસ્તી વધતાં રોજગારીના પ્રશ્ન પણ વિકરાળ બની ગયો હતો.
પ.બંગાળમાંથી નીકળી જવાનું અપમાન ટાટા જેવી મોટી કંપની ગળી ગઇ હતી પરંતુ તેની અસર દેશભરના કોર્પોરેટ ક્ષેત્ર પર પડી હતી. કોઇ કંપની પ.બંગાળમાં ઉદ્યોગ નાખવા તૈયાર નહોતી. મમતાના રાજમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસેટમેન્ટ ભાગ્યેજ જોવા મળ્યું હતું. ત્યારબાજ વિવધ સ્કીમો હેટળ દેશની કંપનીઓ પ.બંગાળમાં આવવા લાગી હતી. મમતા મુંબઇમાં રીલાયન્સના મુકેશ અંબાણીના ઘેર પણ જઇ આવ્યા હતા.