Ahmedabad,તા.૯
અમદાવાદના સરખેજમાં થયેલ આ ઓનર કિલિંગની ઘટના એક સામાન્ય અકસ્માતથી શરૂઆત થાય છે. આ ઘટના ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ની છે. ૧૨ ઓગસ્ટ રાતના ૧૧ વાગ્યાનો સમય આસપાસ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળે છે કે સરખેજના ભાઈજીપુરાની અવાવરું નવી ટીપી રોડ પર એક મોટરસાયકલને અજાણ્યા વાહને ટક્કર મારી છે અને આ અકસ્માતમાં મોહમ્મદ હાબીલ નામના યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ તેની ૨૨ વર્ષીય બહેન સોફિયાના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેનું સોલા સિવિલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ એક હિટ એન્ડ રનનો કેસ લાગતો હતો. ફરિયાદી અને મૃતકના ભાઈ હાબીલ રસ્તા પર બેભાન થઇ ગયો હતો અને એક રીક્ષા ચાલકે તેના ફોનમાંથી પરિવાર અને પોલીસને જાણ કરી હતી. એમ ટ્રાફિક પોલીસે રાબેતા કામગીરી મુજબ અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં જે સ્થળ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું તેના આસપાસના સીસીટીવી તપાસવાની શરૂવાત કરી હતી અને ત્યાંથી જ એમ ટ્રાફિક પોલીસને શંકા ગઈ હતી.
જોકે સીસી ટીવી જોતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસને આ ઘટનામાં કંઈક અજુગતું લાગ્યું. પોલીસે ભાઈજીપુરા અને આસપાસના વિસ્તારના વધારે સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું. આ તરફ મૃતક સોફિયાના પરિજનોના નિવેદનમાં પણ મોટી વિસંગતતા જોવા મળી. જ્યારે સીસીટીવીમાં ૩ લોકો દેખાતા હતા, તો નિવેદનમાં માત્ર ૨ લોકો હાબીલ અને સોફિયા હોવાનું કહેવાયું હતું. ભાઈ હાબીલ તરફથી ત્યારે એમ ટ્રાફિક ડિવિઝન પોલીસે વધુ તપાસ માટે સોફિયાના ભાઈ હાબીલને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યો હતો અને એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ ઉમેશ ધાખડએ પોલીસની પદ્ધતિ પૂછપરછ કરી જેમાં હબીલએ અકસ્માત બાબતે સંતોષ કારક જવાબ આપી શક્યો ન હતો અને પોલીસને વધુ શંકા ગઈ હતી.
જેના કારણે વધુ શંકા ગઈ હતી ત્યારે ફરી ફરિયાદી ભાઈ મોહમ્મદ હાબીલ પર શંકા જતા પીઆઇ ઉમેશ ધાખડાએ કડકાઈ પૂર્વક પૂછપરછ માટે બોલાવ્યો. આખરે પોલીસની આકરી પૂછપરછ સામે ભાઈ હાબીલ વધુ ન ટકી શક્યો અને બહેન સોફિયાની હત્યાની કબૂલાત કરી લીધી હતી. આ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી અને વધુ પૂછપરછ હાથ ધરી હતો તેમાં પણ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. અદ્વૈત બંગલો પાસેના એક CCTV કેમેરામાં બાઈક પર કુલ ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિ ભાગતો નજરે પડે છે, ત્યારે ત્રીજો વ્યક્તિ કોણ છે તે બાબતે પૂછતાં ભાઈ હબીલે જણાવ્યું હતું કે આ હત્યામાં એ એકલો નહિ પણ પિતા મોહમ્મદ ફારુક ખાન પણ સંડોવાયેલ છે. ત્યારે પિતાએ પણ પુત્રીની હત્યાની કબૂલાત કરી કે આ કોઈ અકસ્માત ન હતો પરંતુ તેમણે જ સોફિયાની હત્યા કરી છે. ત્યારે એમ ટ્રાફિક પોલીસે હત્યા પાછળનું કરણ જાણવા માત્રથી આરોપી પિતા પુત્રીની વધુ પૂછપરછ હાથ ધરી હતી.
એમ ટ્રાફિક પોલીસની તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ પરિવાર મૂળ યુપીના બુલંદશહેરનો છે અને સરખેજમાં રહે છે. પિતા-પુત્ર બોપલ વિસ્તારમાં ફેબ્રિકેશન નું કામ કરે છે. મોહમ્મદ ફારુક ખાન પરિવારમાં કુલ ૫ દીકરીઓ છે. જે પૈકી એક સોફિયા પણ છે અને સોફિયા બોપલની ખાનગી હોસ્ટપિલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. આજથી ત્રણ માસ પહેલા સોફિયાનો બિભત્સ વીડિયો અને વોટ્સએપ ચેટ વાયરલ થયા હતા. આ વિડીયો અને ચેટ સોફિયાની બેન મળ્યા હતા અને પિતાને દેખાડવા માં આવ્યા હતા. ત્યારે પણ સોફિયાને પિતા અને ભાઈ તરફથી સમજવામાં આવી હતી અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા માટે કહ્યું હતું. આરોપી પિતા-પુત્રની હદ તો ત્યારે થઇ હતી કે સોફિયા મરી જાય તેની ખાતરી કરવા જમીન પર પડેલી દીકરીના માથામાં હથોડીના વધુ બે ઘા માર્યા અને શ્વાસ બંધ ન થયા ત્યાં સુધી રાહ જોઈ. ત્યારબાદ અકસ્માતનો સીન ઊભો કરવા બાઈક પછાડી દીધું અને ભાઈ હાબીલે પોતાના હાથે સામાન્ય ઈજા પહોંચાડી દીધી હતી. પણ જે સીસીટીવીનો ડર હતો, તેણે જ આ સમગ્ર કાંડનો પર્દાફાશ કરી દીધો હતો. આરોપી પિતા પુત્ર હાલ તો એમ ડિવિઝન ટ્રાફિક પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે તમામ પુરાવા એકત્ર કરવા માટે કવાયત હાથ ધરી છે.

