Rajkot,તા.૯
રાજકોટના રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ બનેલી લોધિકા સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથે પોતાનો વર્ચસ્વ અને દબદબો જાળવી રાખ્યો છે. ગઈકાલે યોજાયેલી ૫ બેઠકોની ચૂંટણીમાં ભાજપ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર વ્હીપ અને મેન્ડેટનો અનાદર કરીને મતદારોએ રાદડિયા જૂથ તરફી મતદાન કર્યું હતું. પરિણામે, ભાજપના વ્હીપ વિરુદ્ધ લડેલા રાદડિયા જૂથના ૩ ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના સત્તાવાર મેન્ડેટ ધરાવતા માત્ર ૨ ઉમેદવારો જ જીત મેળવી શક્યા છે.
આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને કુવાડવા બેઠક પરથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. તેમની સામે બળવાખોર ઉમેદવાર નીતિન ચોવટીયાનો શાનદાર વિજય થયો છે. તેવી જ રીતે, માધાપર બેઠક પર ભાજપ દ્વારા પૃથ્વીસિંહ જાડેજાને મત આપવા માટે વ્હિપ જારી કરવામાં આવ્યો હતો. આમ છતાં, ચારેય મતદારોએ પક્ષના વ્હિપનો અનાદર કરીને રાદડિયા જૂથના વિજય સખિયાની તરફણમાં મતદાન કર્યું હતું, જેના કારણે વિજય સખિયા જીતી ગયા હતા. ઉલ્લેખનીય છે કે રાદડિયા જૂથના ટેકેદારોને મેન્ડેટ ન મળતા આ બંને સીટો પર ઉમેદવારોએ બળવાખોર તરીકે ફોર્મ ભર્યા હતા.
ચૂંટણી પરિણામોમાં કેટલીક ગ્લેમરસ અને મહત્વની બેઠકો પર મોટા રાજકીય ઉલટફેર જોવા મળ્યા છે. હલેન્ડા બેઠક પર ભાજપ દ્વારા મેન્ડેટ અપાયેલા ઉમેદવાર મહેશ આસોદરિયાની શાનદાર જીત થઈ છે. પરિણામ જાહેર થાય તે પૂર્વે જ ધીરુભાઈ રોકડ દ્વારા સમર્થન અપાતા ઢોલ-નગારા સાથે ઉજવણી શરૂ કરાઈ હતી. ત્રંબા બેઠક પર સરખા મત પડતા ટાઈ થઈ હતી, ત્યારબાદ ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય લેવાતા નીતિન રામાણી વિજેતા બન્યા હતા.
ખોખડદડ બેઠક પર જયેશ રાદડિયા વિરોધી જૂથના બાબુ નસીતની જીત થઈ છે. મતદાન દરમિયાન આ બેઠક પર એક મતદારે મતદાન કર્યું નહોતું. કુવાડવા બેઠક પર અરવિંદ રૈયાણીની હાર થઈ છે, જ્યારે જયેશ રાદડિયા જૂથના નીતિન ચોવટિયાનો વિજય થયો છે. માધાપર બેઠક પર મતદારોએ ભાજપના વ્હીપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. અહીં પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાની હાર થઈ છે અને જયેશ રાદડિયા જૂથના વિજય સખીયા જીત્યા છે.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાંચમાંથી ત્રણ બેઠકો પર પક્ષના વ્હિપનો ખુલ્લેઆમ અનાદર થયો હોવાનું સામે આવ્યું છે. સંઘની આ ચૂંટણીમાં કુલ ૨૧ મતદારોમાંથી ૨૦ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે શૈલેષ પરસાણાએ મતદાન કરવાનું ટાળ્યું હતું. ભાજપના સત્તાવાર વ્હીપ છતાં રાદડિયા જૂથના ૩ ઉમેદવારોની જીતથી સ્થાનિક સહકારી રાજકારણમાં જયેશ રાદડિયાનો પ્રભાવ વધુ મજબૂત બન્યો છે.

