New Delhi, તા.11
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધની વિવિધ ક્ષેત્રે પર ગંભીર અસર થઇ જ રહી છે જ્યારે હવે એરલાઇન્સ કંપની એર ઇન્ડિયામાં વિમાન પ્રવાસ મોંઘો થયો છે. એર ઇન્ડિયાએ ઘરેલું તથા અમુક ઇન્ટરનેશનલ રૂટ પર ફ્યુઅલ સરચાર્જ નાખવાની જાહેરાત કરી છે.
મધ્ય પૂર્વના યુધ્ધને કારણે ઇંધણ મોંઘું થયું છે અને સપ્લાયમાં મુશ્કેલીની ભીતિ છે. એરલાઇન્સે કહ્યું કે વિમાનના ઓપરેશન ખર્ચમાં 40 ટકા હિસ્સો માત્ર ઇંધણનો હોય છે અને તેમાં ભાવવધારો છે.
એર ઇન્ડિયાની જાહેરાત પ્રમાણે આવતીકાલથી 12 માર્ચ-થનારા તમામ ડોમેસ્ટીક અને દક્ષિણ એશિયન દેશો માટેના બુકીંગમાં રૂા.399ના ફ્યુઅલ સરચાર્જ લાગૂ થશે. પશ્ચિમ એશિયાના દેશોની ફ્લાઇટમાં 10 ડોલરનો સરચાર્જ રહેશે.
દક્ષિણ પૂર્વિય એશિયન રાષ્ટ્રોના રૂટ પરનો સરચાર્જ 40 ડોલરથી વધારીને 60 ડોલર તથા આફ્રિકન દેશોના રૂટ પર 60 ડોલરવાળો 90 ડોલર કરાયો છે. આ ઉપરાંત 18 માર્ચથી યુરોપિયન રૂટ પરને સરચાર્જ 100 ડોલરથી વધારીને 125 ડોલર તથા ઓસ્ટ્રેલિયા-ઉતરીય અમેરિકાના રૂટ પર 150 ડોલરવાળો 200 ડોલર થશે.

