પુત્રના મિત્રએ રૂપિયા પરત માગી ફોન પર અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ, વૃદ્ધાએ ૧૧૨ પર મદદ માંગી
(નયના દવે દ્વારા)
Jamnagar, તા.૧૯
જામનગર શહેરમાં પુત્રને આપેલા રૂપિયાની ઉઘરાણીના મામલે એક ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે ફોન પર બોલાચાલી કરી અભદ્ર વર્તન કરનાર યુવક નશાની હાલતમાં મળી આવતાં પોલીસે તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે. વૃદ્ધાએ પોલીસની ૧૧૨ હેલ્પલાઇન પર જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને પોલીસ મથકે લઈ ગઈ હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જામનગરમાં સોની ફળી સત્યનારાયણ મંદિર પાસે રહેતાં ૭૩ વર્ષીય પ્રફુલ્લાબેન ભારતેશભાઈ આચાર્ય પોતાના પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવે છે. દરમિયાન આજે તા. ૧૮ ઓક્ટોબરના રોજ બપોરે આશરે પાંચ વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતાં ત્યારે તેમના પુત્રના મિત્ર ઉત્સવ મનોજભાઈ દવે (ઉં.વ. ૨૮, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. આકાશગંગા એપાર્ટમેન્ટ વિસ્તાર, જામનગર)એ તેમને ફોન કર્યો હતો.ફોન દરમિયાન યુવકે તેમના પુત્રને રૂપિયા આપ્યા હોવાનું જણાવી તે રૂપિયા પરત આપવાની માગણી કરી હતી. આ બાબતે વૃદ્ધા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને જેમતેમ બોલી અભદ્ર વર્તન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.આ દરમિયાન યુવકે પોતે હિતેષભાઈની દુકાને હાજર હોવાનું જણાવી વૃદ્ધાને ત્યાં આવવા કહ્યું હતું. જેથી વૃદ્ધા સંબંધિત દુકાને પહોંચ્યાં હતાં. ત્યાં પણ યુવક નશાની હાલતમાં બોલાચાલી અને અભદ્ર વર્તન કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પરિસ્થિતિમાં વૃદ્ધાએ તાત્કાલિક પોલીસની ૧૧૨ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માગી હતી. જાણ થતાં થોડા જ સમયમાં ૧૧૨ જનરક્ષક વાહન સાથે પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે યુવકની ઓળખ મેળવી વૃદ્ધા અને યુવકને પોલીસ વાહનમાં બેસાડી સિટી એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા.
પોલીસ મથકે યુવકના મોઢામાંથી દારૂ પીધા જેવી વાસ આવતી હોવાનું તથા તેની આંખો લાલ, જીભ લથડતી અને શરીરનું સંતુલન જાળવી શકતો ન હોવાનું જણાયું હતું. યુવક પાસે દારૂ પીવા અંગેનો કોઈ પરમિટ કે પાસ નહીં હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસે ઉત્સવ મનોજભાઈ દવે સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) તથા ૮૫(૧) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

