Tehran,તા.24
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો અમે ઇચ્છીએ તો આ વિવાદનો ઉકેલ માત્ર ‘એક મિનિટ’માં આવી શકે તેમ છે, પરંતુ અમેરિકા કોઈ પણ કામચલાઉ સમજૂતી કરવા માંગતું નથી. તેમનો ભાર એક ‘સ્થાયી ઉકેલ’ પર છે. સમુદ્ર પર અમેરિકાનું પૂર્ણ નિયંત્રણ છે અને ઈરાને અગાઉ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની તૈયારી બતાવી હતી, પરંતુ હવે તે ફરી બંધ કરી દીધું છે.
દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન નેવીને અત્યંત કડક આદેશ આપતા કહ્યું છે કે, ‘હોર્મુઝસ્ટ્રેટમાં બારૂદી સુરંગો બિછાવતી ઈરાનની કોઈપણ બોટને જોતાની સાથે જ ‘નષ્ટ’ કરી દેવામાં આવે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘આ બાબતમાં કોઈ પણ પ્રકારની ખચકાટ રાખવી જોઈએ નહીં.’
આ સાથે જ તેમણે સમુદ્રી માર્ગમાંથી બારૂદી સુરંગો હટાવવાની કામગીરી ત્રણ ગણી ઝડપથી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાની દળોએ તાજેતરમાં જ ત્રણ માલવાહક જહાજો પર હુમલો કરી બેને પોતાના કબજામાં લીધા હોવાના અહેવાલ છે.
એક તરફ તણાવ વધી રહ્યો છે, તો બીજી તરફ પાકિસ્તાન બંને દેશોને ફરીથી વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે સક્રિય બન્યું છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ અમેરિકન ઉપરાજદૂત નતાલી બેકર સાથે મુલાકાત કરી હતી.
ઈસ્લામાબાદમાં યોજાનારી આ બીજા રાઉન્ડની શાંતિ મંત્રણા માટે પાકિસ્તાન સરકાર અને સૈન્ય નેતૃત્વ પૂરો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે હાલમાં યુદ્ધવિરામની અવધિમાં વધારો કર્યો છે, જેને પાકિસ્તાને એક સકારાત્મક પગલું ગણાવ્યું છે. રહ્યો છે.

