New Delhi,તા,29
IPL માં ચાલુ સિઝન દરમિયાન એન્ટી-કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU)એ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. મેચના દિવસોમાં પ્રતિબંધિત વિસ્તારોમાં સ્માર્ટ ગ્લાસિસ, સ્માર્ટ સનગ્લાસિસ અને કમ્યુનિકેશન કે રેકોર્ડિંગ ટેક્નોલોજી ધરાવતા ગોગલ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ૂ
સૂત્રોના જણાવ્યા મુજબ ACSUએ Board of Control for Cricket in Indiaને જાણ કરી છે કે અનેક કંપનીઓ IPL સાથે જોડાયેલા ખેલાડીઓ અને ટીમ સ્ટાફને સ્માર્ટ આઈવેર પ્રોડક્ટ્સનું સક્રિય માર્કેટિંગ અને વેચાણ કરી રહી છે.
ACSUએ ચિંતા વ્યક્ત કરી છે કે, આવા સ્માર્ટ ડિવાઈસીસ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાય છે, ટેક્સ્ટ મેસેજ મોકલી અને મેળવી શકાય છે તેમજ મોબાઈલ ડેટા અથવા Wi-Fi મારફતે ઓડિયો-વિડિયો કોલ પણ કરી શકાય છે. જેના કારણે મેચ દરમિયાન અનધિકૃત સંપર્ક અને તેના સંભવિત દુરુપયોગની શક્યતા ઊભી થાય છે.
એડવાઈઝરી મુજબ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મેચના દિવસે પ્રતિબંધિત ઝોનમાં પ્રવેશતા પહેલા આવા સ્માર્ટ ચશ્મા સહિત મોબાઈલ ફોન અને સ્માર્ટ વોચ સુરક્ષા અધિકારીઓ પાસે જમા કરાવવા સૂચના આપવામાં આવી છે.
સૂત્રો મુજબ જો કોઈ આ નિયમનું પાલન નહીં કરે તો તેને PMOA (Players and Match Officials Area)ના નિયમોનો ભંગ માનવામાં આવશે અને તેના માટે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.
ACSUનું માનવું છે કે, પહેરી શકાય તેવી ટેક્નોલોજી ઝડપથી વધુ આધુનિક બની રહી છે. ગુપ્ત રીતે સંપર્ક સાધવાના નવા રસ્તાઓ સામે ચેતીને IPL મેનેજમેન્ટ લીગની પારદર્શિતા અને મેચની નિષ્પક્ષતા જાળવવા માટે વધુ સખત પગલાં લઈ રહ્યું છે.

